ફરજમાં રૂકાવટ:પાદરડીમાં કોર્ટની નોટીસ બજાવવા ગયેલા ત્રણ પોલીસ કર્મીઓ સાથે શખ્સે દારૂ પીને ગેરવર્તન કરતાં પોલીસ ફરિયાદ

જુનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નશો કરી આવેલા શખ્સે "હવે સહી કરાવવા આવશો તો જીવતા નહિ જાવ" કહી ધમકી આપી
  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જુનાગઢ નજીકના બાંટવા તાલુકાના પાદરડી ગામમાં બાંટવા પોલીસના કર્મચારીઓ હાઇકોર્ટમાંથી આવેલી નોટીસ બજવવા ગયા હતા. તે સમયે એક શખ્સએ નોટીસમાં શું કામ મારા પત્નીની સહી કરાવી તેમ કહી પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મજબ બાંટવા પોલીસ સ્ટેશનમાં પાદરડી ગામના બનાવ બાબતે હાઈકોર્ટમાંથી પાદરડીના 17 જેટલા અરજદારોની નોટીસ આવી હતી. જેથી સમન્સ ડ્યુટી કોન્સ્ટેબલ પોપટભાઈ એભાભાઈ બાલસ, જયેશભાઈ અરજણભાઈ નંદાણીયા તેમજ ડ્રાઇવર હરેશભાઈ ખાખસ પાદરડી ગામે નોટીસ બજાવવા ગયેલા અને હજુ ત્રણ અરજદારોને નોટીસ બજવી અન્ય અરજદાર વિજય ગોવિંદભાઈ કેશવાલાના ઘરે જતા ત્યાં વિજયભાઈ હાજર ન હતા. જેથી તેમના પત્ની હાજર હોવાથી પોલીસકર્મીઓએ નોટીસ અંગે સમજ કરી પ્રતમાં સહી મેળવી હતી.

એ સમયે વિજયભાઈ ત્યાં આવેલા અને શેની સહી કરાવો છો તેમ કહેતાં પોલીસકર્મીઓએ તમને હાઇકોર્ટની નોટીસની સમજ કરી હતી. બાદમાં વિજય કેશવાલાએ ઉશ્કેરાઈ જઈ મારા પત્નીની શું કામ સહી લીધી તેમ કહી પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કરતા કહ્યું હતું કે બીજી વખત આવી સહી લેવા આવશો તો અગાઉ માર ખાઈને ગયા હતા તેમ માર ખાઈને જશો અને વધારે કાંઈ કરશો તો જીવતા નહીં જાવ એમ કહી ધમકી આપીને ફરજમાં રૂકાવટ કરી હતી. આ સમયે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને વિજય કેફી પીણું પીધેલો હોવાનું જણાતા પોલીસે તેને હસ્તગત કરી તેના વિરુદ્ધ પોલીસ કર્મીઓને ગાળો અને ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ નોંધાવતા પીએસઆઈએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...