જૂનાગઢના પૂર્વ નગરસેવક શશીકાંત દવેએ વડાપ્રધાનને પત્ર લખી એવી માંગણી કરી છે કે, મુંબઇ-કેશોદ-મુંબઇ ઉડાન સમયમાં ફેરફાર કરવાથી યાત્રિકોને મુસાફરી દરમ્યાન ફાયદાઓ થશે. ખાસ કરીને કેશોદ આવતી ફ્લાઇટ મુંબઇથી સવારે 9 વાગ્યે ઉપડે તો આ તરફ આવતા તમામ લોકોને બધી રીતે ફાયદો થાય એમ છે. તેમણે વધુમાં જણાવ્યું છેકે, વિદેશથી ભારત આવતા વિમાન પ્રવાસીઓ મોટાભાગે વહેલી સવારે 4 થી 6 વાગ્યા વચ્ચે જ મુંબઇ એરપોર્ટ ઉતરતા હોય છે.
2 કલાક ઇન્ટરનેશનલ એરપોર્ટ થી ડોમેસ્ટીક એરપોર્ટ પહોંચતા લાગે તો સવારે 5 થી 8 વાગ્યા સુધીમાં વિદેશથી આવતા યાત્રીકોને કેશોદની ફલાઇટ પકડવી સહેલી પડે. વિદેશથી આવેલ પ્રવાસી સાસણગીર, વેરાવળ, ઊના, વગેરે કેશોદની 100 કિમીની ત્રિજ્યામાં જ્યાં પહોચવું હોય ત્યાં ઝડપથી પહોંચી જાય. જેથી મુંબઇ-કેશોદ વચ્ચે ઉડાનનો સમય મુંબઇથી સવારે 9 વાગ્યે રાખવામાં આવે તો મુંબઇ થી બેઠેલા કોઇપણ યાત્રિકો ઉપરોક્ત સ્થળે બપોરે 12 વાગ્યે પહોંચી જાય. આથી હોટલ કે ઉતારાઓમાં યાત્રિકોને ચેક ઇન કે ચેક આઉટમાં ફાયદો થશે.
વળી કેશોદથી મુંબઇ જનારા યાત્રિકો ચેક ઇન ટાઇમમાં પહોંચી જતાં તેમને પણ ફાયદો થશે. આ સાથે મુંબઇ-કેશોદ વચ્ચેની ફ્લાઇટને સુરત એરપોર્ટ સાથે જોડી દેવામાં આવે તો અઠવાડીયામાં 4 દિવસનું ઉડાન મુંબઇ, સુરત, કેશોદ થઇને મુંબઇ અને 3 દિવસ મુંબઇ- કેશોદ, સુરત થઇને મુંબઇ. આ પ્રમાણે કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી સુરત જતો યાત્રી કેશોદથી સુરત જતો થઇ જાય. તેથી સૌરાષ્ટ્રના નેશનલ હાઇવે પર થતો સુરતનો ટ્રાફીક ઘટશે અને પેટ્રોલ બચશે.
કાર્ગો સુવિધા પણ વહેલી તકે શરૂ કરાવો
જો કેશોદ એરપોર્ટમાં કાર્ગોની સુવિધા વહેલી તકે વિકસાવાય તો તાલાળા ગીરની કેસર કેરી મુંબઇ, સુરત સમયસર પહોંચી જાય. તેમજ કેશોદના અજાબ ગામના કંટોલા, વંથલીના કણજાના જાંબુડા, રાવણા અને વેરાવળની ગરમર પણ સુરત-મુંબઇમાં સમયસર અને રોજ પહોંચે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.