માંગ:જૂનાગઢના તમામ બાયપાસને 8 ફૂટ પહોળા કરી વચ્ચે ડિવાઈડર મૂકો

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ નજીક પેશકદમી-બાંધકામ થઇ જાય તે પહેલા કામગીરી કરવા માંગ

જૂનાગઢના બાયપાસને 8 ફૂટ પહોળા કરી વચ્ચે ડિવાઇડર મૂકવાની માંગ કરાઇ છે. આ અંગે ખીમજીભાઇ રામે મનપાના કમિશ્નર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે, જૂનાગઢ શહેરનો વિકાસ થઇ રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી, ખામધ્રોળ ચોકડી, ખલીલપુર ચોકડી, મધુરમ ચોકડી પર તેજ ગતિએ નવા પ્રોજેકટ આવી રહ્યાં છે. ત્યારે જૂનાગઢ બાયપાસ નવો બનતા જૂના બાયપાસ ઉપર કોમર્શિયલ બાંધકામ થઇ રહ્યાં છે. ઝાંઝરડા ચોકડી ઉપર સૌથી મોટી હોસ્પિટલો આવેલી છે.

તેમજ અન્ય કોમર્શિયલ પ્રોજેકટ તૈયાર થઇ રહ્યા છે. જ્યારે કેટલાક પ્રોજેકટોનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે.મધુરમ બાયપાસ ઉપર છેલ્લા એક વર્ષમાં મોટી સંખ્યામાં ખાણીપીણીના મોટા રેસ્ટોરેન્ટ પણ શરૂ થયા છે. લોકો જૂનાગઢ શહેર મધ્યનાં ટ્રાફીકમાંથી બહાર જમવા જવાનું પસંદ કરી રહ્યાં છે. ઝાંઝરડા બાયપાસ ઉપર અનેક દુકાનો, હોટલ,રેસ્ટોરેન્ટ, દવાખાના, કોમર્શિયલ બાંધકામ થઇ રહ્યાં છે. જેના કારણે જૂનાગઢના તમામ બાયપાસ ઉપર ટ્રાફીક પણ વધ્યો છે. આગામી વર્ષોમાં વધુ વિકાસ થવાનો છે.

ત્યારે જૂનાગઢનાં તમામ બાયપાસને પહોળા કરવાની જરૂર છે. બાયપાસ રોડ બન્ને બાજુ 4-4 ફૂટ પહોળો કરી વચ્ચે ડીવાઇડર મૂકવાની જરૂરીયાત ઉભી થઇ છે. રોડ નજીક બાંધકામ-પેશકદમી થઇ જાય તે પહેલા જૂનાગઢ બાયપાસને પહોળો કરવાની જરૂર છે. રોડની વચ્ચે ડીવાઇડર મુકવામાંઆવેતો ટ્રાફીકની સમસ્યા પણ દુર થઇ શકે તેમ છે. વહેલીતકે જૂનાગઢના બાયપાસ ખાસ કરીને સાબલપૂર ચોકડીથી લઇ મધુરમ ચોકડી સુધી પહોળો કરી વચ્ચે ડીવાઇડર મુકવાની ખીમજીભાઇ રામે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...