લોક દરબાર:તાલાલા ગીર આંકોલવાડી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો, પંચાયતોની દબાણ હટાવતી વખતે પોલીસ બંદોબસ્ત માટે પડતી હાલાકી દૂર કરવા માંગણી

ગીર સોમનાથ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોક દરબારમાં પ્રશ્નો રજૂ કરી રહેલ આગેવાનો - Divya Bhaskar
લોક દરબારમાં પ્રશ્નો રજૂ કરી રહેલ આગેવાનો
  • પોલીસના લોકદરબારમાં આગેવાનોએ અનેક પ્રશ્નોની રજૂઆત કરી
  • ખુલ્લેઆમ વેચાતા દારૂનું વેંચાણ બંધ કરવા, પોલીસ ચોકી શરૂ કરવા, ટ્રાફિક સમસ્યાના નિવારણ માટેના પ્રશ્નો રજૂ થયા

તાલાલાના આંકોલવાડી ગીર પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો હતો, જેમાં પોલીસ અધિક્ષક સમક્ષ આગેવાનોએ રજુઆત કરી હતી. જેમાં તાલાલા ગીર પંથકની ગ્રામ પંચાયતોને દબાણ હટાવતા સમયે પોલીસ બંદોબસ્ત મેળવવા માટે થતી હાલાકી દુર કરવા માંગણી કરાઈ હતી. આ સિવાય આંકોલવાડી ગીર ગામે ચાર ચોકમાં પોલીસ ચોકી શરૂ કરવા તથા ખુલ્લેઆમ વેચાતા દારૂનું વેંચાણ બંધ કરવા સહિતના અનેક પ્રશ્નોની આગેવાનોએ આંકોલવાડી ગીર પોલીસ સ્ટેશનમાં યોજાયેલા લોક દરબારમાં રજૂઆત કરી હતી.

તાલાલાના આંકોલવાડી ગીર ગામના પોલીસ સ્ટેશનમાં ગીર જંગલની બોર્ડર ઉપર આવેલા આંકોલવાડી ગીર વિસ્તારના 18 ગામોની ગ્રામીણ પ્રજા, ખેડૂતોના પોલીસ વિભાગને લગતા પ્રશ્નો તેમજ પોલીસ કામગીરીની સમીક્ષા કરવા ગીર સોમનાથના એએસપી ઓમ પ્રકાશ જાટના અધ્યક્ષસ્થાને પોલીસનો લોક દરબાર યોજાયો હતો.

આ લોક દરબારમાં આંકોલવાડી ગીર, મંડોરણા ગીર, વાડલા ગીર, બામણાસા ગીર તેમજ હડમતીયા ગીર ગામના સરપંચો તથા 15 ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયતોની હદમાં થતા ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ગ્રામ પંચાયતોને પોલીસ બંદોબસ્તની ખાસ જરૂર પડે છે. પરંતુ આ સમયે પોલીસ બંદોબસ્ત મેળવવા માટે ગ્રામ પંચાયતોને વહીવટી મુશ્કેલી પડતી હોય છે. જેથી પોલીસ બંદોબસ્ત માટેની વહીવટી કામગીરી વ્યવહારૂ અને સરળ બનાવી તાલાલા પંથકની ગ્રામ પંચાયતોની મુશ્કેલી દૂર કરવા માંગણી કરાઇ હતી.

આ ઉપરાંત આંકોલવાડી ગીર ગામે ચાર ચોકમાંથી સાસણ ગીર ફરવા આવતા પ્રવાસીઓ સહિતનો ટ્રાફિક પસાર થતો હોવાથી ભારે ટ્રાફીક તથા વિશાળ સંખ્યામાં વ્યવસાય સ્થળોને ધ્યાનમાં લઇ પોલીસ ચોકી કાર્યરત કરવા રજૂઆત કરાઈ હતી. તદુપરાંત આંકોલવાડી ગીર વિસ્તારના પાણી કોઠા રેલવે સ્ટેશન-જાવંત્રી ગીર સહિતના ગ્રામીણ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના વેચાણથી ગ્રામિણ જનતાને થતી હાલાકી માટે પણ ઉગ્ર રજૂઆત કરાઈ હતી.

લોકદરબારમાં રજૂ થયેલા પ્રશ્નો અંગે જરૂરી કાર્યવાહી કરવાની એએસપી ઓમપ્રકાશ જાટે ખાત્રી આપી હતી. લોકદરબારમાં તાલાલાના પીઆઈ કે.એચ.ચૌધરી, પીએસઆઈ મકવાણા, માજી સરપંચ ભીખા ઠુમ્મર, ડો. ગોપાલ હડિયા, જીકુ સુવાગિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...