દેશના મોટાભાગના પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓની સ્થિતી દયનીય હોય પ્રાણીઓના હિતાર્થે દેશના તમામ પ્રાણી સંગ્રહાલયોને બંધ કરવા માંગ કરાઇ છે. આ અંગે જૂનાગઢના યુવા વકિલ પ્રતિક રાવલે દિલ્હી સ્થિત સુપ્રિમ કોર્ટના ચિફ જસ્ટિસ, અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટના ચિફ જસ્ટિસ, દેશના પ્રધાનમંત્રી તેમજ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે,પ્રાણી સંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે, લોકો પ્રાણીઓથી પરિચિત થાય.
ત્યારે હાલના ટેકનોલોજીના સમયમાં પ્રાણીઓને જોવા અને સમજવા માટેના અનેક માધ્યમો ઉપલબ્ધ છે. જ્યારે અન્ય દેશોની સરખામણીમાં આપણા દેશના પ્રાણી સંગ્રહાલયની અને તેમાં રાખવામાં આવેલ પ્રાણીઓની સ્થિતી અત્યંત દયનિય છે અને વિકટ અવસ્થામાં છે.
ત્યારે પ્રાણીઓના હિતાર્થે દેશના તમામ પ્રાણી સંગ્રહાલયોને તાળા મારી (બંધ કરી)દેવા જોઇએ. સરકસમાં પ્રાણીઓના ઉપયોગ પર પ્રતિબંધ છે તો તે નિયમ પ્રાણી સંગ્રહાલયમાં લાગુ પડતો નથી તે અચરજ છે. દેશના રાષ્ટ્રિય પ્રાણીઓ અને પક્ષીઓને કેદમાં રાખવામાં આવે તે વ્યાજબી કે ન્યાયી ગણી શકાય ખરૂં? પ્રાણી સંગ્રહાલયમાં માત્ર બિમાર, અશક્ત પ્રાણીઓને જ રાખવા જોળએ અને તે પણ સ્વસ્થ થાય એટલેે તેને ફરી જંગલમાં મુક્ત કરવા જોઇએ. ત્યારે સૌપ્રથમ ગુજરાત રાજ્યના અને બાદમાં દેશભરના પ્રાણી સંગ્રહાલયને બંધ કરવામાં આવે તેવી માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.