જૂનાગઢ:ગિરનારના જંગલમાં બચ્ચાવાળી સિંહણને મારણ પરથી ભગાડી પજવણી, 2 ટ્રેક્ટરો સાથે કેટલાક લોકોએ વિડીયો પણ ઉતાર્યો

જૂનાગઢએક વર્ષ પહેલા
ટ્રેક્ટરથી સિંહણની પજવણી કરી
  • તપાસ ચાલુ હોવાનું વનવિભાગનું રટણ, લોકોએ લોકડાઉનનો ગેરલાભ લીધો

ગિરનારના જંગલમાં બચ્ચાંવાળી સિંહણને મારણ પરથી ઉઠાડીને કેટલાક લોકોએ ટ્રેક્ટરથી તેની પજવણી કરી હતી. આ બનાવનો વીડિયો પણ આવા લોકોએ ઉતારીને વાયરલ કર્યો હતો. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ગિરનાર પર્વત પણ દેખાય છે. અને તેની દિશાના આધારે ખડિયા તરફનો હોવાની આશંકા સેવાઇ રહી છે. વનવિભાગે આ વીડિયો અંગે તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું છે. બે વીડિયો પૈકી એમાં તો હાથમાં ડંડો સાથેના શખ્સને બાકીના લોકો હવે રહેવા દે બહુ ખારા (ગુસ્સે) ન કરાય એમ કહેતા પણ સંભળાય છે. તો એક વ્યક્તિનું નામ લઇને પણ બોલાવે છે. જે ટ્રેક્ટરના ટ્રેલરમાં બેસીને વીડિયો ઉતર્યો છે એમાં ટ્રેક્ટરના નંબર પણ દેખાઇ આવે છે. આ બનાવમાં ડીએફઓ ખરેખર તપાસ કરે એ જરૂરી છે. વીડિયોમાં વળી એકાદનું નામ પણ બોલાય છે. વળી આ બનાવમાં બે ટ્રેક્ટરોનો ઉપયોગ થયો છે. આવા તત્વોમાં વન વિભાગનો ખોફ જ ન હોય, આવી પ્રવૃત્તિ કરનારા પર વન વિભાગનો કોઇ અંકુશજ ન હોય એવી પ્રતિતી આ વીડિયો પરથી થઇ રહી છે.
ટ્રેક્ટરથી સિંહ ડરે

સિંહને ઇજા પહોંચાડીને પજવણી કરનારા મોટાભાગે બંધ બોડીના વાહનમાં બેઠેલા કાયરો હોય છે. પણ સિંહ ટ્રેક્ટરના અવાજ અને મોટા ટાયરથી ડરતું હોઇ અહીં પજવણી કરનારાઓએ બે ખુલ્લા ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો છે.લોકડાઉનમાં આજે લોકો ફરવા પણ જઇ શકતા નથી. ત્યારે આ વીડિયોમાં બબ્બે ટ્રેક્ટરોમાં સવાર થઇને આ સ્થિતીનો ગેરલાભ લીધો છે. વન વિભાગ જંગલમાં આવેલા ધાર્મિક સ્થળોએ જતા ભાવિકો અને ફરવા આવેલા સહેલાણીઓ પર જ કાયદો કસીને સંતોષ માનતું હોય છે. જ્યારે પજવણીખોરોના વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. હકીકતે વન વિભાગે કાયદાનો ઉપયોગ આવા તત્વો પર કરવાની વધુ જરૂર છે.

તપાસ ચાલુ છે : ડીએફઓ

દિવ્ય ભાસ્કરે આ અંગે જૂનાગઢ નોર્મલ ડિવીઝનના ડીએફઓ સુનિલ બેરવાલને પૂછતાં તેમણે આ વીડિયો અંગે તપાસ ચાલુ હોવાનું કહ્યું હતું. વીડિયો નવો જ છે કે ઘટના જૂની છે એ માટેની તપાસ પણ અમે કરી રહ્યા છીએ એમ તેમણે ઉમેર્યું હતું.

(નિમિશ ઠાકર/સરમન રામ જૂનાગઢ)

અન્ય સમાચારો પણ છે...