જૂનાગઢ-મેંદરડા બાયપાસ પર આવેલા સુખપુર ચોકડી પાસે ચૂંટણી અગાઉ થોડા દિવસો પહેલાં એક સિંહની પાછળ ટ્રેક્ટર દોડાવી પજવણી થઇ હોવાની ઘટના બહાર આવી છે. આ અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહ સ્થાનિક છે અને તે એકલોજ હોય છે.
સોશ્યલ મીડિયામાં એક 34 સેકન્ડનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સિંહની પાછળ ટ્રેક્ટર દોડાવીને તેના પર બેટરીનો પ્રકાશ ફેંકી પજવણી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે. આ ઘટના જોકે, ચૂંટણી પહેલાંના દિવસોમાં બની હોવાનું અનુમાન થઇ રહ્યું છે.
બનાવનું સ્થળ જૂનાગઢ-મેંદરડા બાયપાસ પર સુખપુર ચોકડી નજીક નવાગામ-મહોબતપુરની સીમમાં બનેલો છે. આ સીમમાં ઓઝત નદીમાં જૂના રસ્તે અણખેલ વિસ્તારની આ ઘટના હોવાની જોરદાર ચર્ચા છે. ટ્રેક્ટરમાં એક શખ્સને કોઇ કહે છે મનીયા બેહી જા. આ વીડિયો જોકે, વનવિભાગ સુધી પહોંચ્યો છેકે નહીં એ સવાલ છે.
અને આગામી દિવસોમાં તેના પર પગલાં લેવાશે કે કેમ એ વાત ચર્ચાના ચગડોળે ચઢી છે. અત્રે નોંધનીય છેકે, પજવણી કરનારા શખ્સો તો પજવણી કરીને જતા રહે છે. પણ પછી ભડકેલો સિંહ કે સિંહણ એકલ દોકલ માનવી નજરે ચઢે તેને ઝપટમાં લઇ લે છે. પજવણી કરનારને તો વનવિભાગ પકડે અને સજા મળે ત્યારની વાત ત્યારે. પણ જનાવરના હુમલાનો ભોગ બનનારે વગર વાંકે તેની કિંમત ચૂકવવી પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.