15 દિ'થી અંધારપટ્ટ:ગિરનાર પર વિજળી ગુલ, જંગલમાં પડેલા ભારે વરસાદના કારણે વિજ વાયરોમાં ખામી સર્જાતા મુશ્કેલી ઉભી થઇ

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબાજી મંદિર,ગૌમુખી ગંગા, સાચા કાકાની જગ્યા, ગુરૂ ગોરક્ષનાથ, ગુરૂ દતાત્રેય, કમંડળ કુંડ, પથ્થર ચેટીની જગ્યા સહિતના ધાર્મિક સ્થાનોમાં ઘોર અંધારાથી ભાવિકો અને સંતોમાં ભારે રોષ

જૂનાગઢના ગિરનાર પર્વતમાં આવેલ ધાર્મિક સ્થાનોમાં છેલ્લા 15 દિવસથી અવાર નવાર વિજળી ગૂલ રહેતી હોય અંધારપટ્ટ છવાયો છે. પરિણામે ધાર્મિક જગ્યાના સંતો, મહંતો તેમજ દર્શને આવતા ભાવિકોમાં પીજીવીસીએલ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ ગિરનારના પર્વત પર અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે. આ ધાર્મિક સ્થાનોમાં પૂજન, અર્ચન, દર્શન માટે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. પરંતુ છેલ્લા 15 દિવસથી લાઇટના સતત ધાંધીયા હોય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જંગલમાં અષાઢી બીજના દિવસથી ધોધમાર વરસાદ
ખાસ કરીને ગિરનારના જંગલમાં અષાઢી બીજના દિવસથી ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે વિજ વાયરોમાં ખામી સર્જાતા અવાર નવાર લાઇટ ગૂલ થઇ જાય છે. આ અંગે અનેક વખત પીજીવીસીએલના અધિકારીને જાણ કરવા છત્તાં યોગ્ય થતું ન હોય હજુયે અનેક ધાર્મિક સ્થાનોમાં ઘોર અંધારા છવાયા છે. ત્યારે પીજીવીસીએલના અધિકારીઓ આ ધાર્મિક સ્થાનોમાં પુરતો અને સત્વરે વિજ પુરવઠો પુરો પાડે તેવી સંતો, મહંતોએ માંગણી કરી છે.

શ્રાવણ માસને લઇને પણ ભાવિકોની સંખ્યામાં વધારો
ખાસ કરીને અંબાજી મંદિર, ગૌમુખી ગંગા, સાચા કાકાની જગ્યા, ગુરૂ ગોરક્ષનાથ, ગુરૂ દતાત્રેય, કમંડળ કુંડ, પથ્થર ચેટીની જગ્યા સહિતના અનેક ધાર્મિક સ્થાનોમાં ઘોર અંધારાથી ભાવિકો, સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન 29 જૂલાઇથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થનાર છે. ત્યારે શ્રાવણ માસને લઇને પણ ભાવિકોની સંખ્યામાં વધારો થશે. ત્યારે વ્હેલામાં વ્હેલી તકે વિજ ધાંધીયાની સમસ્યાને દૂર કરવામાં આવે તેવી સંતોમાંથી માંગણી ઉઠવા પામી છે.

25 કિલોનો સોલાર પ્રોજેક્ટ પણ શોભાના ગાંઠીયા સમાન
અંબાજી મંદિર પરિસરમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 25 કિલો વોટનો સોલાર પ્રોજેક્ટ લગાવાયો છે. પરંતુ તે પણ કોઇ કારણોસર ચાલુ ન હોય અંધાર ઉલેચાતા નથી. પરિણામે આ સોલાર પ્રોજેક્ટ પણ શોભાના ગાંઠીયા સમાન થઇ રહ્યો છે. પરિણામે ખાસ કરીને પૂનમ ભરવા આવતા ભાવિકોને રાત્રિના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બુધવારે ગયા હતા, શુક્રવારે ફરી પીજીવીસીએલની ટીમ જશે
15 દિવસથી લાઇટ બંધ નથી. પરંતુ હા, વારંવાર લાઇટ જતી રહે છે. બુધવારે પણ પીજીવીસીએલની ટીમને અંબાજી મંદિર ખાતે મોકલી લાઇટ ચાલુ કરાવી હતી. છત્તાં બંધ થઇ જતા ફરી શુક્રવારે પણ ટીમને મોકલવામાં આવશે. ખાસ કરીને ભારે વરસાદના કારણે, ફોગ વાળું વાતાવરણ હોવાના કારણે તેમજ વાંદરા કુદાકુદ કરી વાયરો તોડી નાંખે છે તેના કારણે લાઇટ જવાની ફરિયાદ વધી ગઇ છે. જોકે, આ ફરિયાદનું સત્વરે નિવારણ આવશે. - જે.જે. માણાવદરીયા, ડેપ્યુટી ઇજનેર, પીજીવીસીએલ.

શહેરનાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ
જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાલટોના ધાંધીયા યથાવત રહ્યા હોય વાહન ચાલકો તેમજ વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરના અનેક માર્ગો પર સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે શહેરની અનેક માર્કેટોમાં પણ સ્ટ્રીટ લાઇટો અવાર નવાર ગૂલ થઇ જથી હોય વેપારીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે.

સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને લીધે મોડી રાત્રે નિકળતા વાહન ચાલકોને રસ્તા પર બેઠેલા પશુ કે કુતરા દેખાતા નથી. ઘણી વખત અંધારામાં નિકળતા દ્વિ ચક્રી વાહન ચાલકની પાછળ કુતરા દોડતા બાઇક સ્લીપ થવાનાં બનાવો બને છે. સ્ટ્રીટ લાઇટ ન હોવાને લીધે બાઇક ચાલકોને ઘણી વખત રસ્તામાં ખાડાનો પણ ખ્યાલ આવતો હોતો નથી. આથી મેઇન રોડની સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખવા લોકોમાંથી માંગ ઉઠી છે.

સ્ટ્રીટ લાઇટના 8 પોલ પણ બંધ - અંબાજી મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના 8 પોલ ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ તે પણ બંધ છે જેને રિપેર કરવાની કોઇ તસ્દી લેતું નથી.

લાઇટ ન હોય, શું મુશ્કેલી સર્જાય છે?
ગિરનાર પર પડેલા ભારે વરસાદના કારણે પાણીતો ભરપૂર છે પરંતુ લાઇટ ન હોય મોટર ચાલુ ન થતા પાણી કૂવા, બોરમાંથી ઉલેચી શકાતું નથી.પરિણામે પૂજારીને સ્નાન, દૈનિક ક્રિયામાં મુશ્કેલી પડે છે. લાઇટના અભાવે મંદિરોમાં પૂજા, આરતી વગેરે અંધારમાં(દિવાના પ્રકાશે) કરવા પડે છે. ભાવિકોને પણ મંદિરોમાં અંધારામાં દર્શન કરવા પડે છેે. આ ઉપરાંત પૂનમ ભરવા પણ મોટી સંખ્યામાં ભાવિકો સિડી(પગથિયા) ચડીને આવતા હોય તેમને પણ અંધારામાં મુશ્કેલી પડે છે.

અન્ય સમાચારો પણ છે...