7 વર્ષ પહેલાં કેશોદ પોલીસ મથકમાં એક યુવાનને તેની જ પત્ની, સસરા, સાસુ અને એક સગીરે માથામાં હથોડી અને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધાનો ગુનો નોંધાયો હતો. તપાસમાં મૃતકનો અકસ્માતે મૃત્યુનો વીમો પકાવવા આ કાવતરું રચાયાનું ખુલ્યું હતું. જેનો કેસ ચાલી જતાં કોર્ટે મૃતકની પત્ની અને સસરાને આજીવન કેદની સજા ફટકારી હતી.
સૂત્રાપાડા તાલુકાના હરણાસા વાડી વિસ્તારમાં રહેતી મધુબેન માલદેભાઇ નાઘેરા (ઉ. 23) ના પતિ માલદેભાઇનો અકસ્માતે મોતમાં રૂ.20 લાખનો વીમો હતો. જેમાં મધુબેન વારસદાર હતા. મધુબેને પોતાના પિતા રામશીભાઇ નારણભાઇ ઘુસર (ઉ. 51) અને માતા કારીબેન રામશીભાઇ ઘુસર (ઉ. 50)ની મદદથી માલદેભાઇની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
6 સપ્ટે. 2015ના રોજ ત્રણેયે માલદેભાઇને રાત્રે 10:50 વાગ્યાના અરસામાં મોટરસાઇકલ પર રોડની નીચે ખાડામાં બોલાવ્યો હતો. બાદમાં માથામાં હથોડીના અને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. લાશને રોડની સાઇડમાં રાખી મૃતકનું મોટરસાઇકલ તેની માથે મૂકી દીધું અને બધાએ ઘેર જઇ લોહીવાળા કપડાં સળગાવી પુરાવાનો નાશ કરી નાખ્યો હતો.
આ અંગે ધાનાભાઇ ભીમશીભાઇ નાઘેરાએ ત્રણેય સામે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ કેશોદની કોર્ટમાં ચાલ્યો હતો. ત્રણમાંથી એકેય આરોપીએ ગુનો કબૂલ્યો નહોતો. કોર્ટે આ કેસમાં 31 શાહેદ અને 56 દસ્તાવેજી પુરાવાઓ તપાસ્યા હતા. એડિ. પીપી દીપક સી. ઠાકર અને આર.કે. બુચે ફરિયાદ પક્ષે દલીલો કરી હતી.
જેનો 137 પાનાનો ચુકાદો આવ્યો હતો. જેમાં એડિ. સેશન્સ જજ મિલન ગિરિશચંદ્ર દવેએ મૃતકના સસરા રામશીભાઇ અને મૃતકની પત્ની મધુબેનને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને મૃતકની સાસુ કારીબેનને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
આના કરતાં મને ફાંસી દઇ દો : મધુબેન
ચુકાદો સંભળાવાયા બાદ માલદેભાઇની હત્યા કરનાર તેની પત્ની મધુબેન ભેંકડો તાણીને રડવા લાગી અને કહ્યું આના કરતાં મને ફાંસી દઇ દો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.