હુકમ:બિલખાના ઉમરાળા ગામમાં 2 વર્ષ પહેલાં હત્યા કરનારને આજીવન કેદ

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખેતરની વાડ કાપવાના કામમાં બોલાચાલી બાદ બનાવ બન્યો 'તો

બિલખા તાબેના ઉમરાળા ગામે ખેતરની વાડ કાપવાના કામમાં બોલાચાલી અને માથાકૂટ થયા બાદ એક શખ્સે સાથે કામ કરતા મજૂરની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. આ અંગેનો કેસ જૂનાગઢની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફરમાવી છે.બિલખા તાબેના ઉમરાળા ગામની સીમમાં આવેલા જસાભાઇ ગૌરના ખેતરની વાડ કાપવાનું ઉધડું કામ ભૂપતભાઇ ભીખાભાઇ રાઠોડ (ઉ. 58) અને બિપીનભાઇ કાળુભાઇ રાઠોડે રાખ્યું હતું.

તા. 25 મે 2019 થી તેઓ વાડ કાપવાનું કામ કરતા હતા એ દરમ્યાન બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થયા કરતી હતી. અને તા. 26 મે 2019 ના રોજ બપોર બાદ ચા પીવા બેઠા હતા ત્યારે બોલાચાલી થતાં ભૂપતભાઇએ બિપીનભાઇના માથા અને કાન પાસે કુહાડાના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. બનાવ અંગે કાળુભાઇ બીજલભાઇ રાઠોડે બીલખા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ભૂપતભાઇની ધરપકડ કરી હતી.

આ અંગેનો કેસ જૂનાગઢના પ્રિન્સિપલ સેશન્સ જજ રીઝવાના બુખારીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલ જે. એન. દેવાણીની દલીલોને ધ્યાનમાં રાખી આરોપી ભૂપતભાઇને આજીવન કેદની સજા અને રૂ. 5 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફટકારી હતી. આ સાથે કોર્ટે મૃતક બિપીનભાઇના પત્ની ભનીબેનને રૂ. 50 હજારનું વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...