આગામી હોળી-ધુળેટી પર્વને લઈ જિલ્લામાં દારૂનો જથ્થો ઘુસાડવાની પેરવીને લઈ એલસીબી સતર્ક બની હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબીએ જૂનાગઢના તલીયાધર નજીકથી એક ટ્રકમાંથી 4037 વિદેશી દારૂની બોટલોનો રૂ. 12.54 લાખનો જથ્થો ઝડપી લીધો હતો. પરંતુ સ્થળ પરથી ટ્રકનો ચાલક, દારૂ મોકલનાર કે મંગાવનાર કોઈ બુટલેગર મળી આવ્યા નહોતા. આ મામલે એલસીબીએ જૂનાગઢના કુખ્યાત બુટલેગર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સૂત્રો અનુસાર આગામી દિવસોમાં આવી રહેલ હોળી-ધુળેટી પર્વને લઈ જૂનાગઢમાં દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયા હોવાની માહિતીને લઈ એલસીબી સહિતનો પોલીસ સ્ટાફ પણ સતર્ક બની પેટ્રોલીંગ કરી રહ્યો હતો. દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે, જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાએ અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેના સાગરીત ભુપત ઉર્ફે કડી સુરા સુત્રેજા મારફત ઉમટવાડા વધાવી રોડ પર તલીયાધરના પાટીયા પાસે કટીંગ કરી રહ્યો છે. જેના આધારે એલસીબી પીઆઇ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી.બડવા સહિતના સ્ટાફએ બાતમી વાળા સ્થળ પર દરોડો પાડ્યો હતો. ત્યારે તલીયાધરના પાટીયા પાસે MH 46 AF 7790 નંબરની ટ્રક રેઢી પડેલી જોવા મળી હતી. જેથી તેમાં તપાસ કરતા કોઈ હાજર નહોતું મળ્યું. જ્યારે ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 4037 વિદેશી દારૂ અને બિયરનો રૂ. 12.54 લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો.
આ મામલે એલસીબી પીએસઆઈ ડી.જી. બડવાએ દારૂનો જથ્થો મંગાવનાર ધીરેન અમૃતલાલ કારીયા, ધંધુસરના તેના સાગરીત ભુપત ઉર્ફે વિપુલ કડી સુરા સુત્રેજા, ટ્રક ડ્રાઇવર અને દારૂ મોકલનાર સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એલસીબીએ દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂ. 22.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.