રજૂઆત:કાયદાની ગુંચવણના કારણે વકીલોનો વ્યવસાય ખોરવાયો

જુનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 વર્ષ સુધીની સજાના ગુનામાં પોલીસ દ્વારા અપાતા જામીન
  • જૂનાગઢ બાર એસોસિએશનના ઉપપ્રમુખની ગૃહમંત્રી, ચિફજસ્ટિસ ને રજૂઆત

કાયદામાં ઉભી કરાયેલી કેટલીક ગુંચવણના કારણે છેલ્લા કેટલાય સમયથી વકિલોનો વ્યવસાય ખોરવાઇ રહ્યો છે. ત્યારે આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે. આ અંગે જૂનાગઢ બાર એસોસિએશનના ઉપપ્રમુખ જયદેવભાઇ જોષી રાજ્યના ચિફ જસ્ટિસ, મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને રજૂઆત કરશે.

જયદેવભાઇ જોષીએ જણાવ્યું છે કે, 7 વર્ષ સુધીની સજાના ગુનામાં જામીન આપવાની પોલીસને સત્તા અપાઇ છે. ત્યારે આ જામીન કોણ છે, તે જામીન લાયક છે કે નહિ તેની હકીકત જાણી શકાતી નથી. કારણ કે, પોલીસ સ્ટેશનમાં સોગંદનામું થઇ શકતું નથી. કોર્ટમાં તો સોગંદ નામું રજૂ કરવું પડે, તેની મિલકતની ચકાસણી થાય પછી જામીન અપાય છે. આશરે 10 વર્ષ પહેલા પ્રોહિબીશન, મારામારી, જુગાર જેવા કેસોમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવાના રહેતા હતા જેથી વકિલોનો વ્યવસાય ચાલતો હતો. હવે કોર્ટમાં રજૂ કરવાના ન થતા હોય અને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જતા હોય જેથી ખાસ કરીને જૂનિયર વકિલો વકિલાતની પ્રેક્ટિસ તેમજ રોજગારીથી વંચિત રહે છે.

જ્યારે આવા કેટલાક કિસ્સામાં ભ્રષ્ટાચાર પણ થતો હોવાની શક્યતા નકારી શકાય નહિ. જયારે 2016માં રાજ્ય સરકારે પ્રોહિબીશનના કાયદામાં સુધારો કરી 10 વર્ષની સજાની જોગવાઇ કરી હતી. પરંતુ આ કાયદામાં પણ અનેક ગુંચવણના કારણે અનેક મુશ્કેલી ઉભી થઇ હતી. આ નવા સુધારેલા કાયદામાં એવી જોગવાઇ કરાઇ હતી કે, 23 બોટલ સુધીનો દારૂ પકડાય તો પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે. બાદમાં લોક અદાલતમાં રજૂ થઇ કોઇ વકિલોના આઇડેન્ટીફિકેશન વિના કબુલાત કરી લે એટલે મામુલી દંડની રકમ વસુલી તેને મુક્ત કરી દેવામાં આવે છે.

આવું થવાના કારણે ગુનેગારોમાં કાયદાનો ભય રહેતો નથી અને ફરી વાર ગુનો કરવાની હિંમત ખુલે છે. પછી કહે છે કે, કાયદો ક્યાં મારી નાંખે છે? દંડ ભરીને છુટી જઇશું!! હાલ સિવીલ કેસમાં પણ ભારે ઘટાડો થતો જાય છે તેની પાછળ પણ કાયદાની અનેક ગુંચવણ જવાબદાર છે. 2008માં જૂનાગઢમાં સિવીલના દાવા વર્ષે 300 થતા હતા આજે 60 થાય છે. આમ, 80 ટકા કેસોમાં ઘટાડો આવ્યો હોય વકિલોના વ્યવસાય પર તરાપ પડી રહી છે.

ત્યારે કાયદામાં એપણ સુધારો થવો જોઇએ કે, લોક અદાલતમાં થયેલ કબુલાત કેટલે અંશે યોગ્ય છે? ન્યાયનું રક્ષણ થાય છે કે નહિ? હાલ તો કાયદાની ગુંચવણના કારણે પોલીસ અને વકિલો વચ્ચે તનાવ વધી રહ્યો છે. ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે રાજ્યના ચિફ જસ્ટિસ, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે. જરૂર પડયે કાયદાના અને વકિલોના હિત માટે સમય મેળવી રૂબરૂ જઇને પણ રજૂઆત કરવાની મારી તૈયારી છે તેમ જૂનાગઢ બાર એસોસિએશનના ઉપપ્રમુખ જયદેવભાઇ જોષીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...