સરકારની યોજના પંચપ્રકલ્પ અન્તર્ગત અહીં જૂનાગઢની નાનજીભાઈ વેકરીયા લો કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લઈને ગ્રામ્ય સ્તરે થતી આ શ્રેષ્ઠ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. લો કોલેજના 50 જેટલા વિદ્યાર્થીઓ અહીં સવારથી સાંજ સુધી રોકાયા હતા. અને તેમને ગાય આધારિત ખેતી તેના ફાયદાઓ તેમજ જ્લક્રાંતિથી થયેલા ફાયદાઓ અંગે સમજ આપવામાં આવી હતી.
ગીર ગાયને વિશ્વના ફલક સુધી પહોંચાડી લુપ્ત થતી ગાયની પ્રજાતિને બચાવવામાં જેનું મોટું યોગદાન છે તેવા પરસોતમભાઇ સીદપરાએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, 1999ની સાલમાં મનસુખભાઇ સુવાગીયાના એક વિચારથી અમારું જામકા ગામ આદર્શ બન્યું. અહીં ચેકડેમ બનાવવામાં ગામના જ લોકોએ આર્થિક યોગદાન અને જાતમહેનત દ્વારા એક અનોખી મિશાલ આપી. અહીં બનેલા ચેકડેમના કારણે ગામની ખેતી સમૃદ્ધ બની. કારણકે, આજે અહીંના તળમાં ખુબ ઉપર સુધી પાણી છે. ઉનાળામાં પણ અહીં ખેતીના કારણે લીલી હરિયાળી જોવા મળે છે જે જ્લક્રાંતિની સફળતા છે.
આ પછી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગર ગાય આધારિત ખેતીનો પાયો નાખવામાં આવ્યો. જેમાં ઝેરમુક્ત જિંદગીના સૂત્રને સાર્થક કરવામાં બે દાયકા વીતી ગયા અને હવે જ્યારે પરિણામ મળી રહ્યા છે ત્યારે કામ ઉગી નિક્ળ્યાનો સંતોષ દિલને ઠારે છે.
અહીં આવતા લોકોને વર્તમાન સ્થિતિમાં ભેળસેળ યુક્ત ખોરાક ઉપરાંત બજારુ નાસ્તાઓ કે બેકરીની વસ્તુઓથી માનવ શરીરમાં થતા નુકસાન અંગે સમજ આપીને ભાવિ પેઢીને રોગમુક્ત કેમ રાખી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવે છે. તે જોઈને લો કોલેજના વિદ્યાર્થીઓને ઘણું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં શરીરને સશક્ત રાખવા શું કરવું જોઈએ તેની સમજ મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.