ફરિયાદ:શહેરના છાયા બજારમાં દબાણ કરનાર બિલ્ડર સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાના રેકર્ડમાં 7.10 મિટરનો બતાવાયેલો રસ્તો હકિકતમાં 3.5 મિટરનો છે

જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ સતત વિવાદના વંટોળમાં ઘેરાયેલા રહે છે.લાયકાત વગરના અધિકારીઓ અને આડેધડ ગેરકાયદેસર બાંધકામ બાબતે તાજેતરમાં દિવ્ય ભાસ્કરને જૂના જનસંઘી અને જૂના કાર્યકર હેમાબેન આચાર્યએ વોકળા- ગટર ઉપર થયેલ બાંધકામ બાબતે વ્યથા ઠાલવેલ છે.

તો બીજી તરફ ભ્રષ્ટ અને નીંભર અધિકારીઓએ આડેધડ બાંધકામ કરવા માટે બિલ્ડરોને ખુલ્લું મેદાન આપેલ છે. આવા જ એક બિલ્ડરના એક કૌભાંડ બાબતે જૂનાગઢના જાગૃત નાગરિક વિરલભાઈ જોટવા દ્વારા લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયેલ છે. વિરલભાઈ જોટવાએ ફરિયાદમાં જણાવ્યું છેે કે, છાયા બજારમાં માત્ર 10 ફૂટની સાંકડી ગલીમાં 4 માળનું ગોકુલ – A નામનું એપાર્ટમેન્ટ બનાવેલ છે. આ બિલ્ડીંગના મહાનગરપાલિકાના રેકર્ડ મુજબના નકશામાં આશરે 7 મિટર એટલે કે આશરે 23 ફૂટ જેટલો રસ્તો બતાવવામાં આવેલ છે.

જ્યારે વર્તમાન પરિસ્થિતિમાં આ રસ્તો માત્ર 13 થી 14 ફૂટનો જ છે. આ રસ્તા ઉપર સમગ્ર એપાર્ટમેન્ટે 10 ફૂટ જેટલી લેન્ડ ગ્રેબીંગ કર્યા બાબતની કલેકટર સમક્ષ ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડનો મામલો બહાર આવેલ છે.આ કેસની ઊંડાણપૂર્વક વિગત જોઈએ તો ફરિયાદી દ્વારા તેમની ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલ છે કે, જીલ્લામાં જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના સીટી સર્વે બ્લોક નંબર 16, સીટી સર્વે નંબર - 436 ની કુલ જમીન 274-62-20 આશરેની જમીન પર આવેલ ગોકુલ - A એપાર્ટમેન્ટ G+3 એટલે કે 4 માળનું બહુમાળી બિલ્ડીંગ આવેલું છે.

આ એપાર્ટમેન્ટના મહાનગરપાલિકાના રેકર્ડ પરના નકશા મુજબ આ ઈમારતની આગળના ભાગે 7.10 મિટર નો રસ્તો દર્શાવેલો છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિની હકીકત મુજબ આ રસ્તો માત્ર અને માત્ર 13 ફૂટનો એટલે કે આશરે 3.5 મિટર નો છે. જેથી પ્રાથમીક તબક્કે જ જણાય આવે છે કે, મહાનગરપાલિકાના રેકર્ડ પરની વિગતો મુજબ જાહેર રસ્તા પર આ ઈમારત બાંધકામ કરનાર દ્વારા જાહેર રસ્તા પર આશરે 3.5 મિટરનું દબાણ કરી અને હાલની મિલકત ઉભી કરી છે.

ત્યારે જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 હેઠળ ગુનો કરેલ હોય, આ સમગ્ર ગુનામાં રેકર્ડ આધારિત નકશા તેમજ બાંધકામ મંજુરી ની ખરાઈ કરી જાહેર રસ્તા પર દબાણ કરેલ છે તે ઉપરાંત જાહેર રસ્તા પર એપાર્ટમેન્ટ ના દરેક ફ્લેટ માંથી રવેશ (બાલ્કની) કાઢી અને લેન્ડ ગ્રેબિંગ કરેલ હોય જેથી સત્વરે તપાસ કરી અને ગુનો દાખલ કરવા વિનંતી છે.

જો ફરિયાદીની હકીકત ખરેખર હોય અને તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરી અને જો ગુનો દાખલ કરવામાં આવે તો આવનારા સમયમાં આવા ગેરકાયદેસર રીતે કરાયેલા બાંધકામો અને લેન્ડ ગ્રેબિંગ કરાયેલા કિસ્સાઓ માં કૌભાંડ બહાર આવશે જે શક્યતા નકારી શકાય નહિ. આ સમગ્ર કૌભાંડની લેન્ડ ગ્રેબિંગ જેવી ગંભીર ફરિયાદ થતા જૂનાગઢ ના ગેરકાયદેસર બાંધકામો ધરાવતા અને કરનારા બિલ્ડર્સ અને ભૂ - માફિયાઓમાં ડરનો માહોલ છવાઈ ગયો હોવાનું વિરલ જોટવાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...