લેન્ડ ગ્રેબિંગ:કેશોદના કાલવાણીમાં પિતા- પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા ફરિયાદીની અરજીની સમીક્ષા કર્યા બાદ જિલ્લા કલેક્ટરે હુકમ કરતા ગુનો નોંધાયો

જૂનાગઢના કેશોદ તાલુકાના કાલવાણી ગામે ખેતીની છ વીઘા જમીન ધરાવતાં જ્યોત્સનાબેન ઓધવજીભાઈ બોરસાણિયાએ શેઢા પાડોશી દાનુભાઈ પુનાભાઈ દયાતર અને એમના પુત્રો રાજુભાઈ દાનુભાઈ દયાતર, રણજીતભાઈ દાનુભાઈ દયાતર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, શેઢા પાડોશીએ ગેરકાયદેસર કબજો કરી લીધો ત્યારે તારીખ 11/6/2021 નાં રોજ પુત્ર સમર્થને સાથે લઈ જઈ જમીન પર ફેન્સિંગ કરવા માટે ગયા હતા. કાલવાણી ગામનાં પિતા પુત્રોએ પોતાનાં કબજા ભોગવટાની જમીન હોવાનું જણાવી નીકળી જવા ધમકી આપી હતી.

કેશોદનાં રહીશ જ્યોત્સનાબેન ઓધવજીભાઈ બોરસાણિયાએ જૂનાગઢ જિલ્લા ક્લેકટર સમક્ષ ઓનલાઈન આધાર પુરાવા સાથે ફરિયાદ કરી માથાભારે શખ્સો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી હતી. જૂનાગઢ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા નિર્ણય લેવાતા જિલ્લા કલેક્ટર દ્વારા તા.14-9-21 નાં રોજ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો.

કેશોદ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પી.આઇ. એમ. બી .ચૌહાણ દ્વારા કાલવાણી ગામનાં દાનુભાઈ પુનાભાઈ દયાતર, રાજુભાઈ દાનુભાઈ દયાતર અને રણજીતભાઈ દાનુભાઈ દયાતર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ભૂમાફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે. કેશોદ તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ ઓનલાઈન નોંધાવવામાં આવે ત્યારે પ્રથમ ગુનો નોંધવા લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા અહેવાલ રજુ કરવામાં આવ્યો છે. કેશોદ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...