પ્રજાના નાણાંનો બગાડ:વિકાસ કામોની કન્સલ્ટન્સી ફિ પેટે 5 વર્ષમાં લાખ્ખો રૂપિયા ચૂકવાયા, વિકાસ ન થયો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી નજીક આવતા લોકોને આંબા આંબલી બતાવવા પ્રયાસ કરાય છે
  • શાસકપક્ષ અને કન્સલ્ટન્સીના આર્થિક લાભ માટે પ્રજાના નાણાંનો બગાડ

અગાઉ વિકાસ કામો માટે કરેલા આયોજન નિષ્ફળ ગયા છે અને પ્રજાના લાખ્ખો રૂપિયાનો કન્સલ્ટન્સી ફિના નામે વેડફાટ થયો છે. ત્યારે આ રીતે થતા બેફામ ખર્ચા પર રોક લગાવવા માંગ કરાઇ છે. આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર મંજૂલાબેન પણસારાએ મેયર ગીતાબેન પરમાર અને કમિશ્નર રાજેશ તન્નાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, છેલ્લા 5 વર્ષથી વિકાસ કરવાના બહાને વિવિધ કન્સલ્ટન્સી એજન્સીને રોકી પ્લાન બનાવાય છે. આ માટે પ્રજાના ટેક્ષના લાખ્ખો રૂપિયાનો વેડફાટ થયો છે.

અગાઉ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન માટે કન્સલટન્સી એજન્સીને લાખ્ખો રૂપિયાની ફિ ચૂકવાઇ હતી અને ટાઉન હોલમાં પ્રેઝન્ટેશન કરાયું હતું. ત્યાર બાદ હજુ સુધી કોઇ કામગીરી થઇ નથી. જ્યારે ઓવરબ્રિઝ માટે પણ કન્સલ્ટન્સી નિમાઇ હતી તેમાં પણ પ્લાનમાં ફેરફાર કરવાની ફરજ પડી રહી છે. કામ તો જ્યારે શરૂ થાય ત્યારે. વિલીંગ્ડન ડેમના વિકાસ માટે પણ કન્સલ્ટનસી રોકીને મસમોટી ફિ ચૂકવાઇ છે અને કામ થયું નથી. આમ છેલ્લા 5 વર્ષથી કામ કોઇ થતા નથી માત્ર નકશા બનાવવામાં જ કન્સલ્ટન્સી એજન્સીને લાખ્ખો રૂપિયા ચૂકવી દેવાય છે.

ત્યારે ખાસ તો શાસક પક્ષ અને તેમની મળતિયા કન્સલ્ટન્સી એજન્સીને આર્થિક લાભ અપાવવા નકશા બનાવી પ્રજાના મહેનત-ટેક્ષના નાણાંનો બેફામ વેડફાટ કરાઇ રહ્યો છે. આ ઉપરાંત ખાસ તો હાલ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકોને આંબા આંબલી બતાવી મત મેળવવા માટે આ પ્રયાસ થઇ રહ્યા હોય આ રીતે થતો નાણાંનો બગાડ અટકાવવાની માંગ છે.

આ હાલાકી દૂર કરવા પાછળ નાણાં ખર્ચ કરોને
ટેક્ષના મબલખ નાણાં ભરવા છત્તાં લોકોને ગારો, કાદવ, કિચડમાં ચાલવું પડે છે, ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાય છે, પીવાનું પાણી ફિલ્ટર થયેલું મળતું નથી, રખડતા ભટકતા પશુ અને કુતરાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે,ખસીકરણની નિતી હોવા છત્તાં સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇનનું બહાનું આગળ ધરી 20 વર્ષથી એકપણ કુતરાનું ખસીકરણ કરાયું નથી, પ્લાસ્ટિક અને રબ્બરના પાઇપ નાંખી ભૂગર્ભ ગટરનું કામ કરી કરોડો રૂપિયાના બિલ બનાવી લીધા છે જે ગટરમાં પાણીનો નિકાલ ન થતા થોડા વરસાદમાં જ શહેર જળબંબાકારમાં ફેરવાઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...