તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાયજ્ઞ:લાડુડીના ખેડૂત જૂનાગઢ સિવીલના દર્દીઓ માટે ફ્રીમાં નાળિયેર મોકલશે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વખર્ચે ઝાડ પરથી ઉતારી જૂનાગઢ પહોંચતા કર્યા

જૂનાગઢ સિવીલમાં સારવાર લેતા દર્દીઓ પૈકી ઘણાને ખોરાકમાં નાળિયેર પીવાની સલાહ ડોક્ટરો આપતા હોય છે. અને તકસાધુ ફેરિયાઓ ઉંચો ભાવ લેતા હોય છે. ત્યારે માળિયા હાટીના તાલુકાના લાડુડી ગામના વયોવૃદ્ધ ખેડૂતે આ વર્ષનો ફાલ જૂનાગઢ સિવીલ હોસ્પિટલના દર્દીઓને ફ્રીમાં નાળિયેર આપવાનો નિર્ણય કર્યો છે.લાડુડીના 80 વર્ષિય ખેડૂત જેતાભાઇ રામદેભાઇ ગોરડને 30 વીઘાનું આંબાવાડિયું છે. તેમના નામથી કેસર કેરીઓ વેચાય છે. આંબાવાડિયા ફરતે 300 નાળિયેરી છે.

દર મહિને તેમાં 1000 થી 1200 નાળિયેરનો ફાલ આવે. સ્વભાવે સેવાભાવી. ઘણા દર્દીઓ તેમના ફાર્મમાં નાળિયેર લેવા આવે તેને તેઓ ફ્રીમાં નાળિયેર આપે છે. આ વખતે 250 થી 300 લોકો આ રીતે આવ્યા હતા એમ તેમના પૌત્ર અજયભાઇ કહે છે. જેતાભાઇને થયું સિવીલમાં ગરીબ દર્દીઓ આવતા હોય અને ફેરી કરતા નાળિયેરવાળા તેમની પાસે વધુ પૈસા પડાવે એ ખોટું. આથી તેમણે આ વખતનો ફાલ જૂનાગઢ સિવીલમાં દર્દીઓ માટે ફ્રીમાં મોકલવાનું નક્કી કર્યું.

બાજુના વિસણવેલથી 3 છોકરા બોલાવી 3 હજાર રૂપિયા મજૂરી ચૂકવી નાળિયેર ઉતરાવ્યા. અને ટેમ્પો ભરીને જૂનાગઢ મોકલી આપ્યા. મધુરમમાં રહેતા બિલ્ડર રાજેશભાઇ ચુડાસમા તેમના પરિચયમાં. તેઓ જૂનાગઢ સિવીલમાં ફ્રી ટિફીન સેવા ચલાવે છે. બધા નાળિયેર દર્દી સુધી પહોંચાડવાની જવાબદારી રાજેશભાઇએ લીધી. અને આ રીતે જૂનાગઢ સિવીલના દર્દીઓને ફ્રીમાં નાળિયેર આપવાનું તેમણે શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...