સમયના પરિવર્તન સાથે યુવાનોમાં દાઢી-મૂછની ફેશને પણ જબરી ગતિ પકડી છે. પહેલાંના સમયમાં ગામડાંના લોકો દાઢી-મૂછથી ગામના મોભી કે ઉમદા વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા હતા, પરંતુ હવે જૂનો જમાનો પાછો આવ્યો છે. માત્ર ફેર પડ્યો તો શોખ અને સ્ટાઇલ વચ્ચે... નવીનતા સાથે ફરી અત્યારના યુવાનોમાં દાઢી-મૂછ રાખતા થયા છે. ત્યારે જૂનાગઢના ભેંસાણમાં માલધારી નામની ચાની દુકાન ચલાવનાર યુવાનને પહેલી નજરે જોતાં તો સૌકોઈ વિચારતા થઈ જાય છે. તેનું કારણ છે ભાવેશ ભરવાડની દાઢી અને મૂછ. 'Beard Man' તરીકે જાણીતા બનેલા ભાવેશ ભરવાડની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગોવા, રાજસ્થાન, મુંબઈ દિલ્હી જેવાં અનેક રાજ્ય-શહેરોમાં દાઢી-મૂછને કારણે ઓળખ મળી છે.
અઢી વર્ષ પહેલાં દાઢી મૂછ વધારવાનું શરૂ કર્યું
ભાવેશ ભરવાડ બે વર્ષથી ચાની દુકાન ચલાવે છે. તેણે બે-અઢી વર્ષ પહેલાં દાઢી-મૂછ વધારવાનું શરૂ કર્યું હતું. આજે 18 ઇંચની દાઢી અને 8 ઇંચની મૂછ થઈ ગઇ છે. ભાવેશ ભરવાડને બેવાર નેશનલ લેવલે અવોર્ડ પણ મળી ચૂક્યો છે. પહેલીવાર રાજસ્થાન અને બિકાનેરમાં બિયર્ડ કોમ્પિટિશનમાં 50થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ત્યાં આંકડાવાળી મૂછમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ અમદાવાદમાં નેશનલ લેવલે ગયો હતો અને ત્યાં ભારતભરમાંથી અલગ અલગ રાજ્યોમાં દાઢી અને મૂછના શોખીનોએ ભાગ લીધો હતો. ત્યાં લાંબી મૂછ માટે ભાવેશને પ્રથમ નંબર મેળ્યો હતો.
ભાવેશને ઘણી જગ્યાએ ચીફ ગેસ્ટ તરીકે બોલાવે છે
દાઢી-મૂછના કોમ્પિટિશનમાં સ્પર્ધકોની અલગ અલગ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. જેવી કે તેને સેટ કેવી રીતે કરી, કેવી રીતે પોઝ આપો છો? આ ઉપરાંત દાઢી અને મૂછો વિશેના પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. એ બાબતનો પૂરતો ખ્યાલ હોય તેવા સ્પર્ધકોને પ્રમાણપત્ર અને અવોર્ડ આપવામાં આવે છે. ભાવેશ ભરવાડને અલગ અલગ રાજ્યોનાં શહેરોમાં મોડેલિંગ, શો રૂમ કે કંપનીઓના ઓપનિંગ માટે લોકો બોલાવે છે. Beard and moustache મોડેલિંગ માટે પણ બોલાવવામાં આવે છે. તો ઘણી જગ્યાએ ચીફ ગેસ્ટ તરીકે પણ બોલાવવામાં આવે છે. ભાવેશના 'mr_Beard_bharvas1111'નામના ઇન્ટાગ્રામ આઇડી પર 4055 જેટલા ફેન છે.
પહેલાં ભાવેશ ચાર પાંચ ઇંચની દાઢી રાખતો
ભાવેશ ભરવાડે જણાવ્યું હતું કે તેને દાઢી-મૂછનો શોખ તો પહેલેથી હતો, પહેલાં તે ચાર-પાંચ ઇંચની દાઢી રાખતો હતો, પરંતુ છેલ્લાં બે વર્ષથી બધા કરતાં કંઈક અલગ દેખાવ માટે દાઢી-મૂછો વધારી છે. દાઢી મૂછની કાળજી બાબતે તેણે જણાવ્યું હતું કે સવાર-સાંજ શેમ્પૂથી ધોવે છે. ઘરમાં હોય ત્યારે આખો દિવસ દાઢીને બાંધી રાખવી પડે છે. ધૂળ કે કચરો દાઢીમાં ના જાય એનો પણ ખ્યાલ રાખવો પડે છે. ખાસ તો વાળ ડેમેજ ના થાય એનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.