કિશોરચંદ્રબાવાશ્રી પંચમહાભૂતમાં વિલીન:આજીવન ગાયના છાણની પથારી પર જ ઊંઘતા હતા; 230 પાઠશાળા, 200થી વધુ ગૌશાળાનું નિર્માણ કરાવ્યું, મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટ્યાં

જૂનાગઢ2 મહિનો પહેલા
કિશોરચંદ્રબાવાજીની ફાઇલ તસવીર

જૂનાગઢની મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય કિશોરચંદ્રજી મહારાજનું આજે સવારે 11:30 વાગ્યે મોટી હવેલી ખાતેજ 84 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેમના પર થોડા મહિના પહેલાંજ મુંબઇમાં શસ્ત્રક્રિયા કરાઇ હતી. બાદમાં ટૂંકી બિમારીમાંજ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર સોશ્યલ મીડિયામાં વહેતા થતાં સમગ્ર સૌરાષ્ટ્રના ગામો-શહેરોમાંથી વૈષ્ણવો જૂનાગઢ આવી પહોંચ્યા હતા. તો કેટલાય ગામોના વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી શોક પાળ્યો હતો.

આ અંગેની વીગતો આપતાં પુષ્ટિ સંસ્કાર સંસ્થાનના ટ્રસ્ટી સંજયભાઇ કોરડિયાએ જણાવ્યું હતું કે, કિશોરચંદ્રબાવાશ્રીની અંતિમયાત્રા બપોરે 4 વાગ્યે મોટી હવેલીથી નિકળી હતી. સૌરાષ્ટ્રભરના હજારો વૈષ્ણવો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા. વૈષ્ણવોએ તેમની અર્થી પસાર થાય એ પહેલાં માર્ગ પર પવિત્ર જળનો છંટકાવ કરી પુષ્પ બિછાવી અંજલી આપી હતી. માર્ગોની બાલકની, બારીઓ, અગાશીઓમાંથી વૈષ્ણવોએ તેમની અંતિમયાત્રાને પુષ્પાંજલિ આપી હતી.

તેમના પુત્ર પિયુષબાવા સહિતનાએ કાંધ આપી અંતિમ વિદાય આપી હતી. સ્મશાન ખાતે જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ, પૂર્વ મંત્રી જવાહરભાઇ ચાવડા, ધારાસભ્યો ભીખાભાઇ જોષી, હર્ષદભાઇ રીબડિયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સહિતના મહાનુભાવોએ તેમને અંજલિ આપી હતી. આજે બપોરે 4 વાગ્યા બાદ વંથલીના વૈષ્ણવ વેપારીઓએ પોતપોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા.

ગાય અને ગીતાની વિચારધારાને વરેલા હતા
કિશોરચંદ્રબાવાશ્રી ગાય અને શ્રીમદ્ભાગવદ્ગીતાના વિચારોને આગળ વધારવામાં દૃઢપણે માનતા હતા. તેમણે છેક 80 ના દાયકામાં પડેલા છપ્પનિયા દુષ્કાળ વખતમાં સૌરાષ્ટ્રભરના 200 થી વધુ ગામોમાં પુરૂષોત્તમલાલજી ગૌશાળા શરૂ કરાવી હતી. અને ઘાસચારા તેમજ અન્ય તમામ મદદ પૂરી પાડી હતી. આ ગૌશાળાઓનું સંચાલન જેતે ગામોના ટ્રસ્ટ બનાવી તેને સોંપાયું છે. અને તેના નિભાવ માટે ગામનાજ યુવાનો બેન્ડપાર્ટી થકી તેનો નિભાવ કરે એવી વ્યવસ્થા ઉભી કરી છે.

દુનિયાભરમાં 230 થી વધુ પાઠશાળા
કિશોરચંદ્રજી મહારાજે દુનિયાભરમાં 230 થી વધુ પુષ્ટિ સંસ્કાર પાઠશાળાઓ શરૂ કરી છે. જેમાં 14,000 થી વધુ વૈષ્ણવ બાળકો હિન્દુ સંસ્કૃતિ અને શ્રીમદ્ભાગવદ્ગીતા આધારિત શિક્ષણ મેળવે છે. અમેરિકા, કેનેડા, યુરોપિયન દેશો અને ભારતભરમાં તેની પાઠશાળાઓ ચાલે છે. એમ સંજયભાઇ કોરડિયાએ જણાવ્યું હતું.

4 દાયકા પહેલાં તિલકવિધી થઇ તી
કિશોરચંદ્રજી મહારાજની જૂનાગઢની મોટી હવેલીના ગાદિપતિ તરીકે આશરે ચાર દાયકા પહેલાં તિલકવિધી થઇ હતી. જૂનાગઢના પુરૂષોત્તમલાલજી મહારાજ અને ચંદ્રપ્રભાવહુજીએ તેમને લાલન તરીકે ગોદ લીધા હતા. તેઓ મૂળ કચ્છ માંડવીની ગાદીના હતા. કિશોરચંદ્રબાવાશ્રીના પરિવારમાં તેમના પત્ની કુંજલત્તાવહુજી, પુત્ર પિયુષબાવા, પુત્રવધૂ પદ્મશ્રીવહુજી, પુત્રીઓ કવિતારાજા અને પ્રિતીરાજા, પૌત્રો વ્રજવલ્લભબાવા અને પુણ્યશ્લોકબાવા તેમજ પૌત્રી સ્વસ્તિરાજાબેટીજીનો સમાવેશ થાય છે.

વાડલામાં 2 કરોડની ગૌશાળા બનાવી છે
દોઢ દાયકા પહેલાં તેમણે વાડલા ખાતે રૂ. 2 કરોડના ખર્ચે અદ્યતન ગૌશાળા બનાવી છે. જેમાં દિલ્હી આઇઆઇટી દ્વારા ગૌમૂત્ર પર રીસર્ચ કરાયું હતું. આજે અહીં 450 ગાયો છે. જૂનાગઢના સેંકડો પરિવારો આજ ગૌશાળાની દેશી ગાયનું દુધ મંગાવે છે.

સાદગી અને સરળતા માટે જાણીતા
કિશોરચંદ્રજી મહારાજ તમામ વ્યક્તિઓ સાથે સરળતા અને સાદગીને લઇ આદરપાત્ર ગણાતા હતા. તેઓ પોતાના રૂમને ગાયના છાણથી લીંપી તેના પર જ આરામ કરતા.