વિમાની સેવાનો પ્રારંભ થશે:16 એપ્રિલે કેશોદ એરપોર્ટનું લોકાર્પણ કરાશે, સપ્તાહમાં ત્રણ વાર મુંબઈ-કેશોદ વચ્ચે ફ્લાઈટ ઉડાન ભરશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન સમારોહ યોજાશે
  • કેશોદ એરપોર્ટ શરૂ થવાથી સોરઠના બંન્ને જિલ્લા અને તેના પ્રવાસન સ્થળો માટે પ્રવાસીઓની સેવામાં વધારો થવાથી ટુરીઝમને વેગ મળશે

ઘણા લાંબા સમયથી રાહ જોતા પ્રવાસીઓ અને લોકોની આતુરતાનો અંત આવ્યો છે. હવે નજીકના દિવસોમાં જ સોરઠમાંથી હવાઈ સેવાનો વર્ષો બાદ પ્રારંભ થશે. કેશોદ એરપોર્ટનો ઉદઘાટન સમારોહ આગામી તા.16 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સીંધીયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે થશે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા રૂ.25 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટમાં વિવિધ સુવિધાઓનુ નિર્માણ કરાયુ છે. ઉપરાંત કેશોદ- મુંબઇ- કેશોદ વિમાની સેવાનો પણ પ્રારંભ કરાવશે. સપ્તાહમાં ત્રણ દિવસ કેશોદ- મુંબઇ - કેશોદ વિમાની સેવાનો લાભ લોકો અને પ્રવાસીઓને મળશે.

આ સમારોહમાં કેન્દ્રીય પરિવહન મંત્રી વી.કે. સીંઘ, રાજ્યમંત્રી દેવાભાઇ માલમ, સાંસદ રાજેશભાઇ ચૂડાસમા, સાંસદ રમેશભાઇ ઘડુક સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે. આ દિવસે મુખ્યમંત્રીના કેશોદ તથા જૂનાગઢ ખાતે યોજાનાર કાર્યક્રમના સૂચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપી જરૂરી તૈયારીઓ સમયસર પૂર્ણ કરી લેવા સૂચના આપવામાં આવી હતી.

કેશોદ એરપોર્ટથી વિમાની સેવા શરૂ થવાથી સોરઠના વેપાર, ઉદ્યોગોની સાથે સાથે સોરઠના પ્રવાસન સ્થળોએ આવતા દેશ- વિદેશના પ્રવાસીઓની સુવિધામાં પણ વધારો થશે. હાલ જૂનાગઢ જિલ્લાથી નજીક રાજકોટ, પોરબંદર જિલ્લામાં જ એરપોર્ટ છે. ત્યારે હવે સાસણ ગીરમાં એશિયાટિક સિંહોના દર્શન, ગીરનાર રોપ-વે, સોમનાથ મંદિર અને દિવની મુલાકાત માટે પણ આવતા પ્રવાસીઓ વિમાની સેવાનો લાભ મળતો થશે.

કલેક્ટર રચિત રાજના જણાવ્યા મુજબ ઉડાન પ્રોગ્રામ અંતર્ગત તા.17 એપ્રિલથી મુંબઇ- કેશોદ- મુંબઇ રૂટ પર વિમાની સેવાનો પ્રારંભ થશે. જે માટે એરપોર્ટ બિલ્ડીંગના રીનોવેશન સહિતની જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા અને તેની આજુબાજુના પ્રવાસન સ્થળો માટે પ્રવાસીઓની સેવામાં વધારો થવાથી સોરઠના પર્યટન ઉધોગને સારો વેગ મળશે. સોરઠના સાસણ ગીર, ગીરનાર, સોમનાથ અને દીવ વચ્ચે ટુરીઝમ સર્કીટ વિકસિત થશે.

અન્ય સમાચારો પણ છે...