કેશોદ એરપોર્ટ 21 વર્ષ બાદ આજથી ફરી શરૂ થવા જઈ રહ્યુ છે. એરપોર્ટ શરૂ કરવાને લઈ લાંબા સમયથી રાહ જોતા પ્રવાસીઓ અને લોકોની આતુરતાનો આજે અંત આવ્યો છે. આજે કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સોરઠના કેશોદ એરપોર્ટ ઉપરથી હવાઈ સેવા માટે જરૂરી રૂ.25 કરોડના ખર્ચે ઉભી કરાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરી એરપોર્ટનું ઉદ્ધઘાટન કર્યુ હતું. ત્યારે કેશોદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સપ્તાહમાં મુંબઈ-કેશોદ વચ્ચે ત્રણ વખત ફ્લાઈટ ઉડાન ભરશે.
બન્ને જિલ્લામાં ટુરીઝમની નવી સર્કીટનો વિકાસ થશે
કેશોદ એરપોર્ટ પરથી આજથી કેશોદ- મુંબઇ રૂટ પર હવાઈ સેવા વિધિવત શરૂ થશે. વર્ષો બાદ કેશોદ એરપોર્ટ પરથી હવાઈ સેવા શરૂ થવાથી સ્થાનીક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવાઈ સેવાની કનેક્ટિવિટી મળવાથી સોરઠના જૂનાગઢ અને ગીર સોમનાથ બન્ને જિલ્લામાં ટુરીઝમની નવી સર્કીટનો વિકાસ થશે.
રન-વે રીનોવેશન સહિતની અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ
આજે બપોરે કેશોદ એરપોર્ટ પર હવાઈ સેવાના પ્રારંભ પૂર્વે 72 સીટર વાળુ કોમર્શીયલ પ્લેન આવી પહોચ્યું હતું. આ તકે કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તકતીનું અનાવરણ કરી કેશોદ એરપોર્ટ પર હવાઈ સેવા માટે જરૂરી ઉભી કરાયેલી બિલ્ડીંગ અને રન-વે રીનોવેશન સહિતની અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ કરી એરપોર્ટનું ઉદ્ધાટન કર્યુ હતું.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અને મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું
આ પૂર્વે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સિંધીયા અને મુખ્યમંત્રી પટેલનું સ્થાનીક આગેવાનો દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે સોરઠના સાંસદ રાજેશ ચુડાસમા, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, મંત્રી પુણેશ મોદી, દેવા મલમ સહિત જિલ્લા ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
કેશોદ એરપોર્ટ પરથી વિમાન સેવા શરૂ થતા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસનોને સાંકળતી નવી ટુરીસ્ટ સર્કીટનો વિકાસ થવાની સાથે વેપાર-ઘંઘાને વેગ મળશે તેવી આશા સેવાઇ રહી છે. આ તકે આગામી દિવસોમાં કેશોદ-અમદાવાદ વચ્ચે વિમાન સેવા તેમજ તા.27 એપ્રીલથી પોરબંદર-દિલ્હી વચ્ચે વિમાન સેવા શરૂ થવાની કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ જાહેરાત કરી હતી.
પ્રવાસનને તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશેઃ CM
આ સમારોહને સંબોધંતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, હવાઈ પરિવહનના વિકાસ જ રાજયના પર્યટનના વિકાસના મૂળમાં છે. આ સંકલ્પથી સિદ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વ્યાપક એર કનેક્ટીવીટી પ્રસ્થાપિત થઇ રહી છે. કેશોદમાં વિમાન સેવા શરૂ થતા પ્રવાસનને તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં હવાઇ સેવાની કનેક્ટીવીટી ખુબ જ અગત્યની છે.
હવે કેશોદ અને અમદાવાદ વચ્ચે પણ ફ્લાઈટ શરૂ થશેઃ જ્યોતિરાદિત્ય સિંધિયા
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે ગુજરાતના જમાઇ હોવાનું જણાવી આજે કેશોદને વિશેષ સેવાઓ આપવાનું જણાવતા કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સામાન્ય લોકોને લક્ષમાં રાખીને ‘ઉડે દેશ કા આમ આદમી’ અંતર્ગત હવાઇ સેવાઓ શરૂ થઇ રહી છે. ઘણા વર્ષોથી કેશોદ એરપોર્ટમાં વિમાન સેવાઓ બંધ હોય જે ફરી શરૂ કરવા રૂ.25 કરોડના ખર્ચે ફરી સુવિધા ઉભી કરાય છે. કેશોદ-મુંબઇ બાદ હવે આગામી સમયમાં કેશોદને અમદાવાદ સાથે પણ જોડાશે.
ગુજરાતને બે નવા ગ્રીન ફીલ્ડ હવાઇ મથક મળશેઃ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી
વધુમાં જણાવ્યું કે, ગુજરાતને 6 વિમાન સેવાઓની ભેટ આપતા ગુજરાતમાં અને દેશમાં આત્મ નિર્ભર ભારત અંતર્ગત વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં ચાલી રહેલી હવાઇ પ્રોજેક્ટની માહિતી આપી ગુજરાતને બે નવા ગ્રીન ફીલ્ડ હવાઇ મથક હિરાસર અને ધોલેરામાં મળશે. ગુજરાતમાં વધુને વધુ આવાગમન સુવિધા મળે એ માટે અમદાવાદથી અમૃતસર, આગ્રા, રાંચી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત તા.27 એપ્રીલથી પોરબંદરથી દિલ્હીની ફલાઇટ શરૂ થશે. આમ, ગુજરાતના દરેક વિસ્તારને દેશની આર્થિક રાજધાની સાથે જોડવામાં આવી રહ્યું છે. તેમના પૂર્વજોનો સોમનાથ સાથેનો નાતો અને મહાત્મા ગાંધીજીને-કેશોદના ઇતિહાસને યાદ કરીને ગુજરાતના અગ્રીમ વિકાસ માટે કેન્દ્ર સરકાર ખાસ કરીને નાગરિક ઉડ્ડયન મંત્રાલય કટ્ટીબદ્ધ છે.
સાત જગ્યા પર હેલીપોર્ટ બનાવવામાં આવશેઃ પૂર્ણેશ મોદી
આ તકે મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, અમરેલીમાં પાયલોટ સ્કુલનું પણ આયોજન થયુ છે. ત્યાં એરક્રાફટનું પણ નિર્માણ થશે. સરકારે તમામ તાલુકામાં હેલીપેડ બને તે માટેની યોજના પર કામ કરી રહી છે. અમદાવાદ, સાપુતારા, સોમનાથ, દ્વારકા, જૂનાગઢ સહિતના સાત જગ્યા પર હેલીપોર્ટ બનાવવામાં આવશે. રાજયના અંકલેશ્વર, અમરેલી અને માંડવીમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના ટ્રાન્સપોર્ટેશન માટે એર દ્વારા કાર્ગો પરીવહન સેવા ચાલુ થશે. આગામી મહિનાઓમાં સાબરમતી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્લેન અને બીજા તબક્કામાં અમદાવાદથી અંબાજી, સાપુતારા, શેત્રુંજ્ય, ઉકાઇ સહિતના સ્થળે સી પ્લેન માટે તકનીકી અભ્યાસ થઇ રહ્યો છે.
વર્ષ 2000માં કેશોદ એરપોર્ટ પર કોમર્શીયલ રૂટ બંધ કરી દેવાયો હતો
21 વર્ષ બાદ કેશોદ એરપોર્ટ શરૂ થતા મુસાફરોમાં ખુશી જોવા મળી રહી છે. આ સેવા શરૂ કરવાને લઈ અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. કેશોદ એરપોર્ટ પર વર્ષ 2000માં કોમર્શીયલ રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે-તે સમયે દિવ એરપોર્ટ શરૂ થતા ટ્રાફિક ઓછો રહેતો હતો. કેશોદ એરપોર્ટ બંધ થતા વેપારીઓ અને દેશ-વિદેશમાં વસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ચેમ્બર ઓફ કોમર્સ, વ્યાપારી વિકાસ મંડળ, સાંસદ, ધારાસભ્યો સહિતનાઓએ આ એરપોર્ટ શરૂ કરવાને લઈ રજૂઆત કરતા આ એરપોર્ટનો કેન્દ્ર સરકારે ઉડ્ડાન યોજના હેઠળ સમાવેશ કર્યો હતો. જે બાદ સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ હાલ આ એરપોર્ટ ફરી ધમધમતું થયું છે. જેને લઈ પ્રવાસીઓને મહંદ અંશે રાહત થઈ છે.
સાસણ તેમજ ગીર નેશનલ પાર્કમાં પ્રવાસનને વેગ મળશે
સાસણ-ગીર, એશિયાટિક સિંહોનું છેલ્લું નિવાસસ્થાન કેશોદથી 50 કિમી દૂર છે. ફ્લાઈટ કેનેક્ટિવિટી શરૂ થતા સાસણ તેમજ ગીર નેશનલ પાર્કમાં પ્રવાસનને વેગ મળશે તેવી અપેક્ષા છે. આજ દિવસ સુધી અન્ય રાજ્યોના પ્રવાસીઓને રાજકોટ એરપોર્ટ પર ઉતરવું પડતું હતું. જ્યાથી સાસણ જવા માટે 3થી 4 કલાકનો રોડ પ્રવાસ કરવો પડતો હતો. જોકે, હવે એરપોર્ટ ફરી શરૂ થતા પ્રવાસીઓનો સમય પણ બચશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.