કમોસમી વરસાદની શક્યતા:સૌરાષ્ટ્રમાં ગુરૂ, શુક્ર અને શનિ કમોસમી વરસાદની આગાહી

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરબી સમુદ્ર અને કેરળના દરિયાકાંઠે સાઇક્લોનીક સર્કયુલેશન બન્યું

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે ખેડૂતોને ખેતરમાં પડેલ પાક તેમજ ઘાસચારોને સલામત સ્થળે રાખવા તાકીદ કરાઇ છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, ગુરૂ, શુક્ર અને શનિ એટલે કે 18, 19 અને 20 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં માવઠું થઇ શકે છે. આ દિવસોમાં હળવાથી મધ્યમ પ્રકારનો કમોસમી વરસાદ પડી શકે છે.

ખાસ કરીને પૂર્વ અને મધ્ય અરબી સમુદ્ર તેમજ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના કર્ણાટક તેમજ કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાઇક્લોનીક સર્કયુલેશન ફેલાયેલું છે. તેના અનુસંધાને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને દક્ષિણ મહારાષ્ટ્રના દરિયાકાંઠે 24 કલાકમાં સાયક્લોનીક સર્કયુલેશન હવાના દબાણના ક્ષેત્રમાં પરિવર્તિત થઇને પશ્ચિમ અને ઉત્તર પશ્ચિચ તરફ 48 કલાકમાં ગતિ કરશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ભાવનગર, અમરેલી, ગિર સોમનાથ, પોરબંદર, દિવ અને જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી લઇને મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારે ખેડૂતોએ ખાસ તકેદારી રાખવાની રહેશે.

ખરીફ પાક તૈયાર થઇ ગયો હોય તેને અને પશુનો ઘાસચારો જો ખુલ્લામાં હોય તો સલામત સ્થળે ખસેડવાનો રહેશે અથવા ઢાંકવાની વ્યવસ્થા કરવાની રહેશે. શિયાળુ વાવેતર કરવાનું હોય તો મુલત્વી રાખવું, મોડી વાવણી કરેલ મગફળીની કાપણીની કામગીરી મુલત્વી રાખવી, શિયાળુ વાવેતર થઇ ગયું હોય તો તેની દવા અને કાપણીની કામગીરી મોકૂફ રાખવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...