ચાલુ વર્ષે કેસર કેરીના રસીકો માટે સતત માઠા સમાચારો સામે આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં આવેલ વાવાઝોડા અને ક્લાઈમેટ ચેન્જના કારણે આ વર્ષે માત્ર 30 ટકા જેટલો જ કેસર કેરીના પાકનો ઉતારો થવાનો અંદાજ વ્યક્ત થયો છે. જે સાચો પડી રહ્યો હોય તેમ માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સની આવકમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની વાત કરીએ તો આજે માત્ર 10 હજાર જ કેરીના બોક્સની આવક થઈ છે. જે ગત વર્ષે આ જ દિવસો કરતા 60 ટકા ઓછા આવી રહ્યાનું વેપારીઓ જણાવી રહ્યા છે. યાર્ડમાં કેરીના ભાવો પણ સરેરાશ 800 થી 1000 જેવા રહયા છે.
ગત વર્ષે આવલા વાવાઝોડા અને બાદ સતત બદલાતા વાતાવરણના કારણે આ વર્ષે ગીર પંથકમાં આવેલા હજારો આંબાના બગીચામાં રહેલ કેરીના વૃક્ષોને વ્યાપક અસર થઈ છે. આ કારણે કેસર કેરી પાકવાની કુદરતી રીત બાધિત થવાથી સમયસર ન ફૂટયા હોવાથી મોટા પ્રમાણમાં કેરીનો પાક નિષ્ફળ બની ગયો છે. આ અંગે અગાઉથી જ કેસર કેરીના પાકના જાણકારોએ અગાઉથી જ ચાલુ વર્ષે કેસર કેરીનો 30 જ જેટલો જ પાક બજારમાં આવશે તેવી શકયતા દર્શાવી હતી. જે મહદઅંશે સાચી ઠરી રહી હોય તેમ કેરીના પાકની માર્કેટીંગ યાર્ડમાં આવક જુજ પ્રમાણમાં જોવા મળી રહી છે.
આ વર્ષે તાલાલા યાર્ડમાં કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યા બાદ આવી જ પરિસ્થિતિ જૂનાગઢ યાર્ડમાં પણ જોવા મળી રહી છે. જે અંગે યાર્ડમાં કેરીનો વેપાર કરતા વેપારી અદરેમાનભાઈ પંજાએ જણાવેલ કે, ગત વર્ષે એપ્રિલ અને મે મહિનામાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 25000 બોક્સની આવક હતી. જેની સરખામણીમાં આ વર્ષે આ દિવસોની તારીખોમાં માત્ર 8 થી 10 હજાર બોક્સની આવક યાર્ડમાં થઈ રહી છે. ઉપરાંત આ વર્ષે ભાવમાં પણ ખાસ્સો એવો તફાવત જોવા મળી રહ્યો છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેરીનઆ ભાવ બમણા જોવા મળી રહ્યો છે. આ વર્ષે કેરીના 10 કિલોના બોક્સના ભાવ 800 થી 1000 સુધીનો છે. આ વખતે કેરીની આવક ખૂબ જ ઓછી હોવાથી આગામી દિવસોમાં પણ કેરીના બોક્સની આવક ઓછી જ રહેશે તેવી ધારણા છે.
ક્યાંથી આવે છે કેસર કેરી ?
હાલ જૂનાગઢ જિલ્લામાંથી કેસર કેરીની આવક થઇ રહી છે. ખાસ કરીને જૂનાગઢની લઇને ઉના સુધીના વિસ્તારોમાંથી કેસર કેરીની આવક થઇ રહી છે. ખાસ કરીને મેંદરડા,સાસણ, તાલાલા, કોડીનાર, ઉના વગેરે વિસ્તારમાંથી આવક થઇ રહી છે.
ભાવ 700થી 1000
હાલ યાર્ડમાં કેસર કેરીના 10 કિલોના બોક્ષનો ભાવ 700થી લઇને 1,000 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. પરિણામે આ કેરીના બોક્ષ બજારમાં 1000થી લઇને 1300 રૂપિયા સુધીના ભાવે વેંચાઇ રહ્યા છે.
હજુ 1 મહિનો સિઝન ચાલવાની સંભાવના
હાલ કેસર કેરીની આવક ઓછી થઇ રહી છે. પરંતુ થોડા સમયમાં આવક વધવાની શક્યતા હાલના તબક્કે જોવાઇ રહી છે. દરમિયાન હજુ 20 થી 25 દિવસ અને વધુમાં વધુ એકાદ મહિનો કેસર કેરીની સિઝન રહેશે.
છેલ્લે કચ્છની કેરી આવશે
હાલ જૂનાગઢથી લઇને ઉના સુધીના વિસ્તારની કેસર કેરી આવી રહી છે.બાદમાં ઘંઘુસર, વંથલીની કેસર કેરી આવશે અને છેલ્લે કચ્છની કેસર કેરી આવશે.
વ્હેલો વરસાદ થાય તો વિધ્ન આવશે
સામાન્ય રીતે 15 કે 20 જૂન પછી વરસાદ થતો હોય છે ત્યાં સુધીમાં લગભગ કેરીની સિઝન પૂરી થવાની તૈયારીમાં હોય છે. આ વર્ષે વહેલું ચોમાસું શરૂ થવાની સંભાવના હવામાન વિભાગ જણાવી રહ્યું છે. પરિણામે જો વ્હેલો વરસાદ થશે તો કેરીના વેંચાણમાં વેપારીઓને નુકસાનીનો સામનો કરવો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.