લાઇટ બિલ ભરવાના નામે 77,429નો ફ્રોડ થયો હતો જેની ફરિયાદ બાદ એસઓજીએ ફ્રોડમાં ગયેલ તમામ રકમ પરત અપાવી છે. આ અંગે મળતી સાયબર ફ્રોડમાં ગયેલ નાણાં પરત અપાવવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના મુજબ એસઓજીએ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન જાણવા મળ્યું કે, જૂનાગઢના હિતેન્દ્રભાઇ વૃજલાલભાઇ ડોંગાના મોબાઇલમાં મેસેજ આવ્યો હતો કે, તમારૂં લાઇટ બિલ બાકી છે. નહિ ભરો તો પાવર કનેક્શન કટ થઇ જશે. સાથે સંપર્ક નંબર જણાવાયો હતો. ત્યારે બિલ ભરેલ હોવા છત્તાં બિલ બાકીનો મેસેજ આવતા હિતેન્દ્રભાઇએ મેસેજમાં આવેલ નંબર પર સંપર્ક કર્યો હતો.
ત્યારે સાયબર ફ્રોડ કરનારે જણાવ્યું કે, ઓનલાઇન ભરેલ હોય તો આપના મોબાઇલમાં આવેલ લીંક પર પ્રોસેસ કરવી પડશે. બાદમાં ક્વિક સપોર્ટ નામની સ્ક્રિન શેરીંગ એપ્લીકેશન ઇન્સ્ટોલ થઇ ગઇ હતી. પરિણામે ફોનના તમામ કન્ટ્રોલ સામેવાળા પાસે જતા રહેતા સાયબર ગઠિયાએ અરજદારના ક્રેડિટ કાર્ડ દ્વારા 77,429 રૂપિયાની ઓનલાઇન ખરીદી કરી લીધી હતી.
બાદમાં હિતેન્દ્રભાઇએ આ બાબતે એસઓજીમાં જાણ કરી હતી. બાદમાં એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલ, સાયબર સેલના પીએસઆઇ જે.એમ. કોડિયાતર અને સ્ટાફે તુરત કાર્યવાહી હાથ ધરી બેન્ક, સલંગ્ન પેમેન્ટ ગેટ-વે એજન્સી સાથે સંપર્ક કરી ફ્રોડર દ્વારા કરવામાં આવેલ ફ્રોડની રકમ અન્ય જગ્યાએ ઉપયોગ ન થાય અને રિફન્ડ મળે તેવી કાર્યવાહી કરી 77,429ની રકમ અરજદારના ખાતામાં રિફન્ડ કરાવેલ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.