પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને જૂનાગઢના ડિવાયએસપીએ વધુ એક વખત સાર્થક કર્યું છે. ખાસ કરીને મહા શિવરાત્રીનો મેળો અને ભવનાથ દાદાના દર્શન કરવાની અંધ બાળકોની ઇચ્છા હતી. ત્યારે આંખોથી ભલે જોઇ શકતા ન હોય પરંતુ અંતરચક્ષુથી મેળો માણવાની અને ભવનાથ દાદાના દર્શન કરવાની અંધ બાળકોની તમન્ના પોલીસે પુરી કરતા આવા બાળકોમાં અનેરી ખુશી જોવા મળી હતી.
આ અંગે મળતી વિગત શહેરની એમ.પી. શાહ ગર્વર્મેન્ટ અંધ શાળાના બાળકોએ મહા શિવરાત્રીના મેળા વિશે સાંભળતા તેની ઉત્કંઠા મેળો માણવાની થઇ હતી. તેમણે શિક્ષક દિનેશ સુથારને વાત કરી. કહ્યું કે, અમારે મેળો માણવો છે.
સંતોને મળવું છે, શિવજીના દર્શન કરવા છે. જોકે, લાખ્ખોની ભીડમાં અંધ બાળકોને કઇ રીતે મેળામાં લઇ જવા? તે પ્રશ્ન મુંઝવતો હતો. આ વાત ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સુધી પહોંચી. તેમણે જણાવ્યું કે જેમણે દુનિયા જ જોઇ નથી તે ભવનાથનો મેળો કરે, સંતોના દર્શન કરે અને ભવનાથ દાદાના દર્શન કરે તેનાથી મોટી મહા શિવરાત્રી બીજી કોઇ હોઇ શકે જ નહિ. જોકે, સ્કૂલ પાસે વાહન ન હતું અને ખાનગી વાહનમાં આવેતો પણ અંદર આવવા ન દેતો અંધ બાળકોને ભીડમાં ભીંસાઇને ચાલીને ભવનાથ સુધી પહોંચાડવા મુશ્કેલ હતા.
બાદમાં પોલીસ પાસે રહેલીને એક સ્કૂલ બસને મોકલી અંધ બાળકોને મેળામાં લઇ આવ્યા. બાળકોએ અંધ આંખોએ મેળો માણ્યો, ભવનાથ દાદાના દર્શન કર્યા અને ખોડિયાર આશ્રમમાં ભોજન-પ્રસાદ પણ લીધો. આમ, એક પોલીસ અધિકારીના કારણે લાખ્ખોની ભીડમાં પણ અંધ બાળકો મેળો માણી શક્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.