તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:જૂનાગઢ જિલ્લાના 10 CHC ઓક્સિજન માટે બનશે આત્મનિર્ભર, ઓક્સિજન પ્લાન્ટ અને બેડ માટે 5 કરોડની ફાળવણી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 40 PHCમાં પોણા બે કરોડના ખર્ચે 160 ઓક્સિજન કોન્સનસ્ટ્રેટર મશીન અપાશે
  • જિલ્‍લાના ધારાસભ્‍યો-સાંસદ દ્વારા સામુહિક નિર્ણય કરી ગ્રાન્‍ટની ફાળવણી કરાઇ

જૂનાગઢ જિલ્‍લાના ચાર ધારાસભ્‍યો અને સાંસદ દ્વારા લોકોને બહેતર આરોગ્ય સુવિધા આપવા આગવી પહેલ કરવામાં આવી છે. જિલ્‍લાના 10 CHC ને ઓકિસજન માટે આત્‍મનિર્ભર બનાવવા ઓકિસજન PAS પ્‍લાન્‍ટ તથા 20 બેડ ઓકિસજનની લાઇન માટે રૂ. 5 કરોડની ગ્રાન્‍ટ ફાળવી છે.

ઉપરાંત જિલ્‍લાના 40 PHC માં પ્રત્‍યેકને 4 મુજબ કુલ 160 ઓકિસજન કોન્‍સનટ્રેટર માટે રૂ. 1 કરોડ 75 લાખ ગ્રાન્‍ટની ફાળવણી કરી છે. તેમ આજે જૂનાગઢ ખાતે પત્રકારો સાથે સંવાદ સાધતા પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્‍યુ હતુ. આમ જિલ્લામાં ઓકિસજનની સુવિધા વધારવા કુલ રૂ. પોણા સાત કરોડની ગ્રાન્ટ ધારાસભ્‍યો અને સાંસદ દ્વારા ફાળવવાનો સરાહનીય નિર્ણય કરાયો છે.

જિલ્‍લાના તમામ ધારાસભ્‍યો – સાંસદે ફાળવેલ ગ્રાન્‍ટની વિગતો આપતાં મંત્રી ચાવડાએ કહ્યુ કે, મારી ગ્રાન્‍ટમાંથી વંથલી, માણાવદર અને મેંદરડા CHC માટે રૂ! દોઢ કરોડના ખર્ચે ઓકિસજન પ્‍લાન્‍ટ નંખાશે. માંગરોળના ધારાસભ્‍ય બાબુભાઇ વાઝાની રૂ! દોઢ કરોડની ગ્રાન્‍ટમાંથી માંગરોળ, માળીયા હાટિના અને ચોરવાડ CHC માં ઓકિસજન પ્‍લાન્‍ટ નંખાશે.

વિસાવદરના ધારાસભ્‍ય હર્ષદભાઇ રીબડીયાની રૂા દોઢ કરોડની ગ્રાન્‍ટમાંથી વિસાવદર, ભેંસાણ અને બિલખામાં CHC તેમજ કેશોદના ધારાસભ્‍ય દેવાભાઇ માલમની 50 લાખ ગ્રાન્‍ટમાંથી કેશોદના CHC ખાતે ઓકિસજન પ્‍લાન્‍ટ નંખાશે. જયારે સાંસદ રાજેશભાઇ ચુડાસમા તેમજ ધારાસભ્ય દેવાભાઇ માલમની ની ગ્રાન્‍ટમાંથી 40 PHC પ્રત્યેકને 4 મુજબ 160 ઓકિસજન કોન્‍સનટ્રેટર આપવામાં આવશે. આ આરોગ્‍ય સૂવિધા આપવાનો તમામ ધારાસભ્યઓએ સામુહિક નિર્ણય કર્યો છે.

ભવિષ્‍યમાં ઓકિસજન ઘટ ના પડે અને સ્‍થાનિક સ્‍તરે લોકોને ઓકિસજન બેડની સુવિધા મળે તે ધ્‍યાને લઇ આ આગોતરૂ આયોજન કરાયું છે. આ પ્‍લાન્‍ટ નાખવાની કાર્યવાહી સત્‍વરે હાથ ધરવામાં આવશે તેમ ચાવડાએ ઉમેર્યુ હતું. નાના શહરે તથા તાલુકા મથકે સરકારી હોસ્‍પિટલોમાં ઓકિજન સહિતના બેડની સુવિધા ઉપલબ્‍ધ થાય તો જિલ્‍લા સ્‍તરે અને મોટો હોસ્‍પિટલોનુ ભારણ ઘટાડવાનો પણ ઉદેશ છે.

ઓકિસજન સુવિધા ઉપલબ્‍ધ કરવા 4 ધારાસભ્‍યો દ્વારા રૂ 5 કરોડની ગ્રાન્‍ટ ફાળવણી કરવામા આવી છે. જયારે 21 PHC માટે ધારાસભ્‍ય દેવાભાઇ માલમ દ્વારા રૂા. 92 લાખ અને સાંસદ રાજેશભાઇ ચુડાસમા દ્વારા 22 PHC રૂ. 83 લાખની ફાળવણી કરવામાં આવી છે..

1 વર્ષ રોડ-રસ્તા નહીં બને તો ચાલશે, પણ હું લોકોને મરતા જોઇ શકતો નથી : રીબડિયા
પોતાના વિસ્તારમાં સરકારી હોસ્પિટલો અને દવાખાના માટે ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે ગ્રાન્ટ ફાળવવાના નિર્ણય અંગે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ જણાવ્યું હતું કે, એક વર્ષ માટે રોડ-રસ્તા કે અન્ય વિકાસના કામો માટે ગ્રાન્ટ નહીં ફાળવાય તો ચાલશે. પણ હું કોઇપણ વ્યક્તિને ઓક્સિજન કે અન્ય સુવિધાના અભાવે મરતા જોઇ શકતો નથી.

કોની ગ્રાન્ટમાંથી ક્યાં લાભ ?
1. જવાહરભાઇ ચાવડાની ગ્રાન્ટમાંથી વંથલી, માણાવદર અને મેંદરડા સીએચસી માટે રૂ. 1.50 કરોડના ખર્ચે ઓક્સિજન પ્‍લાન્‍ટ.
2. ધારાસભ્‍ય બાબુભાઇ વાઝાની રૂ. 1.50 કરોડની ગ્રાન્‍ટમાંથી માંગરોળ, માળિયા હાટિના અને ચોરવાડ સીએચસીમાં ઓક્સિજન પ્‍લાન્‍ટ.
3. ધારાસભ્‍ય હર્ષદભાઇ રીબડિયાની રૂ. 1.50 કરોડની ગ્રાન્ટમાંથી વિસાવદર, ભેંસાણ અને બિલખા સીએચસીમાં ઓક્સિજન પ્લાન્ટ.
4. ધારાસભ્‍ય દેવાભાઇ માલમની 50 લાખની ગ્રાન્‍ટમાંથી કેશોદના સીએચસીમાં ઓક્સિજન પ્‍લાન્‍ટ.
5. જિલ્લાના 21 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે ધારાસભ્‍ય દેવાભાઇ માલમ દ્વારા રૂા. 92.40 લાખ અને સાંસદ રાજેશભાઇ ચુડાસમા દ્વારા 22 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે રૂ. 83.60 લાખની ફાળવણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...