કોરોના સંક્રમણ:જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કોરોના પોઝિટીવ, કન્ટેઇનમેન્ટ ઝોનમાં 20,161 લોકો કેદ થયા

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક જ દિવસમાં 3777ને વેક્સીન અપાઇ
  • જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો : 131 કેસ

જૂનાગઢ જિલ્લામાં જયારથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ છે ત્યારથી લઇને અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ મંગળવારે નોંધાયા છે. એમા પણ જિલ્લાની સરખામણીમાં જૂનાગઢ સીટીમાં સાત ગણાથી પણ વધુ કોરોના કેસ નોંધાયા હોય શહેરીજનોએ કોરોના સંક્રમિતથી બચવા માટે કોરોનાની ગાઇડલાનનું પાલન કરવુ જરૂરી બની ગયુ છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક જ દિવસમાં 131 કોરોના પોઝિટીવ થતા તંત્રમાં દોડધામ વધી ગઇ છે. દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી પણ કોરોના સંક્રમિત થયા છે.

આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના પોઝિટીવ દર્દી મંગળવારે આવ્યા છે. 18 જાન્યુઆરીએ જિલ્લામાં કુલ 131 દર્દી કોરોના સંક્રમિત બન્યા છે. આમાંથી 15 કેસ જિલ્લાના છે જ્યારે 116 દર્દીઓ માત્ર જૂનાગઢ સિટીના છે. આમ, જિલ્લાના કુલ કેસના 773 ટકા કેસ માત્ર જૂનાગઢ સિટીના હોય સંક્રમણની સ્પિડ બેફામ વધી ગઇ હોય લોકો સાવચેત રહે તે જરૂરી છે. જિલ્લામાં આવેલા 15 કેસમાં જૂનાગઢ તાલુકામાં 7, કેશોદ તાલુકામાં 2, માંગરોળ તાલુકામાં 1 અને વંથલી તાલુકામાં 5 કોરોના પોઝિટીવ દર્દીનો સમાવેશ થયો છે.

દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવી લેવા તેમજ જરૂર પડ્યે હોમ આઇસોલેટ થવા જણાવ્યું છે. દરમિયાન મંગળવારે કુલ 51 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હોય તેને રજા અપાઇ છે. જૂનાગઢ જિલ્લામાં હાલ 204 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 912 ઘરના 20,161 લોકો કેદ થયા છે. જ્યારે કોરોના રસીકરણની કામગીરી પણ જારી રખાઇ છે જેમાં શહેરમાં 1,211 અને ગ્રામ્યમાં 2,566 મળી એક જ દિવસમાં કુલ 3,777 લોકોને રસી આપી કોરોનાથી રક્ષિત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...