પુસ્તકો વગરની લાઈબ્રેરી:જૂનાગઢ કલેકટર કચેરી દ્વારા દેશમાં સૌપ્રથમ હ્યુમન લાઈબ્રેરી શરૂ કરવામાં આવી, અહીં કર્મચારીઓ મનની વાતો કરતા જોવા મળશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓ હ્યુમન લાઇબ્રેરીમાં લંચ ટાઇમ દરમિયાન એકબીજા સાથે સમય પસાર કરી સુખ-દુઃખ શેરીંગ કરી શકશે
  • ​​​​​​​હેપ્પીનેશ એડમીનીસ્ટ્રેશન પ્રોજેકટ બાદ હવે એસી પંખાથી સજ્જ ધ હ્યુમન લાઈબ્રેરી શરૂ કરાઈ

જૂનાગઢ જીલ્‍લા કલેકટરે ઘ હ્યુમન લાઇબ્રેરીનો પ્રારંભ કરાવી નવી પહેલ શરૂ કરી છે. આ લાઇબ્રેરીમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ લંચ ટાઇમ દરમિયાન એકબીજા સાથે સમય પસાર કરી શકશે. અહીં પુસ્‍તકોનું વાંચન નહીં પરંતુ મનની વાતો કરતા કર્મચારીઓ જોવા મળશે તેવો દાવો તંત્ર દ્રારા કરાયો છે. આ પ્રકારની લાઈબ્રેરી દેશની સરકારી કચેરીઓમાં પ્રથમ વખત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આજરોજ જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર રચિત રાજના હસ્તે ધ હ્યમુન લાઇબ્રેરીનો પ્રારંભ કરાયો હતો. આ હ્યુમન લાઇબ્રેરી અંગે કલેકટર રચિત રાજે જણાવેલ કે, જૂનાગઢમાં પ્રથમ વખત સરકારી સંસ્થામાં ધ હ્યુમન લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે. ધ હ્યુમન લાઇબ્રેરીનો કોન્સેપ્ટ મૂળ ડેન્માર્કથી લેવામાં આવ્યો છે. આ કોન્સેપ્ટના હેતુ અંગે કહેલ કે, સામાન્ય રીતે લાઇબ્રેરીમાં પુસ્તકો હોય છે પરંતુ હ્યુમન લાઇબ્રેરીમાં માણસો મળશે. આ લાઇબ્રેરીમાં કોઇ પુસ્તક નહીં હોય અહીં વ્યક્તિ આવશે અને વાતચીત કરશે સાથે સુખ દુઃખની વહેચણી કરશે.જેથી આ લાઇબ્રેરી ખાસ છે જેમાં લોકો સાથે સમય પસાર કરી શકાશે. હ્યુમન લાઇબ્રેરીનો મુખ્ય હેતુ ઇમોશનલ ઇન્ટેલીજન્સ સ્કીલ બહાર લાવવાનો છે.

વઘુમાં કલેકટરએ કહેલ કે, આજના સતત વ્યસ્ત શેડયુલ અને ભાગદોડ ભર્યા જીવન વચ્ચે બેલેન્સ કરવું ખુબ જ મુશ્કેલ છે. ત્યારે આ પરિસ્થિતિની છણાવટ કરીને શરૂઆતના તબકકે કર્મચારીઓ માટે ધ હ્યુમન લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં બપોરના 1 થી 3 દરમિયાન કર્મચારીઓ હ્યુમન લાઈબ્રેરીમાં એકબીજા સાથે શેરીંગ કરી શકશે. આ દરમિયાન એક ખુશાલ વાતાવરણમાં કર્મચારી સમય વિતાવી શકશે. જેથી કર્મચારીઓ કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન આપી શકશે. અહીં લાઇબ્રેરીમાં શેરીંગ અને કેરીંગના આધારે કર્મચારીઓને મોટીવેશન મળશે. જેથી આ લાઇબ્રેરીનો લાભ લેવા અપીલ કરી હતી.

અગાઉ પણ જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્રએ હેપ્પીનેશ એડમીનીસ્ટ્રેશન કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. જેનો ઉદેશ પણ આ જ પ્રકારનો હતો. હાલમાં ભારતમાં ખાનગી ક્ષેત્રે મલ્ટીનેશનલ કંપનીઓમાં હ્યુમન લાઇબ્રેરીઓ કાર્યરત છે. પરંતુ ભારતમાં સરકારી કચેરીમાં આ પ્રકારની હ્યુમન લાઇબ્રેરીનું પ્રથમ વખત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે આસીસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરી, અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયા, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...