થેલેસેમિયા જેવા જીવલેણ રોગ સાથે જીવતા બાળકોનો આખો પરિવાર આર્થિક, માનસીક તકલીફ વેઠે છે. તો રોગગ્રસ્ત બાળકોની પીડા ક્યાંય વધુ હોય છે. આવતીકાલ તા. 8 મે ના રોજ વિશ્વ થેલેસેમિક દિવસ છે. ત્યારે જૂનાગઢની સિવીલ હોસ્પિટલ દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી એમ 4 જિલ્લાના 115 થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બની છે રક્ત સંજીવની. આ અંગે જૂનાગઢના સિવીલ સર્જન ડો. સુશીલકુમાર કહે છે, અહીં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના થેલેસેમિયાગ્રસ્ત બાળકો તો આવે જ છે.
સાથે પોરબંદર જિલ્લામાં પણ બ્લડ બેંક ખાનગી હોવાથી ત્યાંના બાળકો પણ લોહી ચઢાવવા જૂનાગઢજ આવે છે. તો અમરેલી જિલ્લાના નજીકના તાલુકાઓમાંથી પણ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જૂનાગઢ સિવીલમાંજ લોહી ચઢાવાય છે. કુલ મળીને 115 બાળકો છે. જેમને અહીં દર મહિને કુલ 200 બોટલ લોહી ચઢાવવામાં આવે છે. અહીં દર મહિને કુલ 800 બોટલ લોહીની જરૂરિયાત રહે છે. એ પૈકી 25 ટકા આ રીતે થેલેસેમિક બાળકોને અને 170 બોટલ ગાયનેક વિભાગમાં જરૂર પડે છે. આમ 50 ટકા જેવું લોહી આ બે વિભાગમાંજ વપરાય છે. અહીં થેલેસેમિયાનો વોર્ડ 6ઠ્ઠા માળે છે. જ્યાં મંગળ અને શુક્રવારે વારા પ્રમાણે વાલીઓ પોતપોતાનાં બાળકોને લઇને આવી પહોંચે છે.
ઘણા વાલીઓ ડોનર સાથે લાવે છે - અમુક રેર બ્લડ ગૃપ હોય એમના વાલીઓને ખબર હોય છે કે, એ ગૃપનું લોહી મળતું નથી. આવા બ્લડગૃપ ધરાવતા ડોનર પણ તેમના સંપર્કમાં હોય જ છે. આથી ઘણીવાર તેઓ ડોનરને સાથે લઇનેજ આવે છે.
થેલેસેમિયા શા માટે થાય? -બાળકના લોહીમાં રક્તકણો બનતા જ નથી. આથી તેને આખી જીંદગી વારંવાર લોહી ચઢાવવું પડે. આ સમયગાળો ધીમે ધીમે ઘટતો જાય. આવું બાળક વધુમાં વધુ 25 વર્ષ જીવે.
સરકાર શું કરી શકે? -થેલેસેમિયાને આગળ વધતો અટકાવવા લગ્ન પહેલાં બંનેના થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત થવા જોઇએ. જો ન કરાવે તો લગ્ન પ્રમાણપત્ર ઇસ્યુજ ન થાય અને સરકારી નોકરી કે સરકારી યોજનાના લાભ ન મળે એવી કાયદામાં જોગવાઇ કરવી જોઇએ.
કેમ્પ થકી સૌથી વધુ લોહી મળે - સિવીલ હોસ્પિટલની બ્લડ બેંકને સૌથી વધુ લોહી બ્લડ ડોનેશન કેમ્પ થકી મળી રહે છે. જૂનાગઢ જિલ્લા અને અન્ય સ્થળે વિવિધ સંસ્થાઓ દ્વારા અવારનવાર યોજાતા બ્લડ ડોનેશન કેમ્પોને લીધે બહુ વાંધો નથી આવતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.