સુવિધા:આજથી જૂનાગઢ - અમરેલી મીટર ગેજ ટ્રેન ફરી શરૂ કરાશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 20 માસના બાદ 4 ડિસેમ્બર 2021ના જૂનાગઢ દેલવાડા ટ્રેન શરૂ કરાઇ હતી

આખરે યાત્રિકોની માંગ અને સુવિધાને ધ્યાને રાખી રેલવે બોર્ડ પશ્ચિમ રેલવે ભાવનગર ડિવીઝનની અમરેલી- વેરાવળ-અમરેલી અને અમરેલી -જૂનાગઢ-અમરેલી મિટર ગેજ દૈનિક ટ્રેન શરૂ કરાઇ છે. આ અંગે જૂનાગઢ રેલવે સ્ટેશન મેનેજર પ્રફુલભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે માર્ચ 2020થી તમામ ટ્રેનો બંધ કરાઇ હતી. બાદમાં બીજી લહેરની અસર ઓછી થતા લાંબા અંતરની ટ્રેનો ક્રમશ: શરૂ કરાઇ હતી પરંતુ મિટર ગેજ ટ્રેનો શરૂ કરાઇ ન હતી.

આ માટે અનેક સંસ્થાઓ, રાજકીય પક્ષો અને લોકો દ્વારા અનેક વખત રજૂઆતો, આંદોલનો કરાયા હતા. દરમિયાન 4 ડિસેમ્બર 2021ના જૂનાગઢ-દેલવાડા મિટર ગેજ ટ્રેન શરૂ કરાઇ હતી. ત્યારે પણ અમરેલી- જૂનાગઢ અને અમરેલી-વેરાવળ મિટર ગેજ ટ્રેન શરૂ કરાઇ ન હતી. આ બન્ને ટ્રેનો માટેની પણ રજૂઆત બાદ 16 ડિસેમ્બરથી અમરેલી- વેરાવળ-અમરેલી મિટર ગેજ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જ્યારે શુક્રવાર 17 ડિસેમ્બર 2021 થી અમરેલી-જૂનાગઢ-અમરેલી ટ્રેન પણ શરૂ કરવામાં આવશે.

કયા ગામોને લાભ મળશે ?
અમરેલી-વેરાવળ- અમરેલી શરૂ થયેલી દૈનીક મિટર ગેજ ટ્રેન અમરેલી પરા, ચલાલા, ધારી, ભાદર, જેતલવડ, વિસાવદર, સતાધાર, કાંસીયા નેસ, સાસણ ગિર, ચીત્રાવડ,તાલાલા અને સવની સ્ટેશન પર ઉભી રહેશે. પરિણામે આ ગામોના મુસાફરો તેનો લાભ લઇ શકશે. જ્યારે અમરેલી-જૂનાગઢ- અમરેલી દૈનિક મિટર ગેજ ટ્રેન દોડતી થતા અમરેલી પરા, ચલાલા, ધારી, ભાદર, જેતલવડ, વિસાવદર, જૂની ચાવંડ, બીલખા અને તોરણીયા સ્ટેશન પર ઉભી રહેશે જેથી આ ગામના મુસાફરો તેનો લાભ લઇ શકશે.

બન્ને ટ્રેનો ક્યારે ઉપડશે અને કયારે પહોંચશે?

  • વેરાવળ-અમરેલી દરરોજ બપોરે 12:50 વાગ્યે વેરાવળથી ઉપડી 18:00 (સાંજના 6)વાગ્યે અમરેલી સ્ટેશન પર આવશે. જ્યારે અમરેલી-વેરાવળ મિટર ગેજ ટ્રેન દરરોજ બપોરના 12:05 વાગ્યે અમરેલીથી ઉપડશે અને 17:20(સાંજના 5:20)વાગ્યે વેરાવળ પહોંચશે.
  • ​​​​​​​અમરેલી-જૂનાગઢ ટ્રેન 17 ડિસેમ્બર 2021થી દરરોજ સવારે 6:25 વાગ્યે અમરેલીથી ઉપડશે અને સવારે 10:05 વાગ્યે જૂનાગઢ આવશે. જ્યારે જૂનાગઢ-અમરેલી ટ્રેન દરરોજ સાંજના 17:40(5:40)વાગ્યે જૂનાગઢથી ઉપડી રાત્રિના 21:30(9:30) વાગ્યે અમરેલી સ્ટેશને પહોંચશે.
અન્ય સમાચારો પણ છે...