સામાન્ય બાબતે બબાલ:વિસાવદરમાં લગ્નના વરઘોડા દરમિયાન બાઈક સાઈડ લેવા મામલે બોલાચાલી બાદ જાંબુડીના સરપંચ અને તેના પુત્ર પર હુમલો

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુખપર ગામના સરપંચ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ
  • ઘાયલ સરપંચ પિતા અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાંબુડી ગામના સરપંચ પોતાની ભાણેજના લગ્નમા પરિવાર સાથે તાલુકાના સુખપુર ગામે ગયા હતા. ત્યારે ગામમાં વડાલીયા પરિવારના લગ્નપ્રસંગનો વરઘોડો નીકળેલ તે સમયે તેમના પુત્રને બાઈક દુર લેવા બાબતે બોલાચાલી થઈ હતી. જેને લઈ સુખપુર ગામના સરપંચ સહિતના ચાર શખ્સોએ જાંબુડીના સરપંચ અને તેના પુત્ર પર હુમલો કરી મારકુટ કરતા ઇજાગ્રસ્ત પિતા અને પુત્રને સારવાર અર્થે વિસાવદર હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના અંગે જાંબુડીના સરપંચના પુત્રએ ફરીયાદ કરતા પોલીસે સુખપુરના સરપંચ સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર તાલુકાના જાંબુડી ગામના સરપંચ લાલજીભાઈ કોરડીયા અને તેનો પુત્ર જય તાલુકાના સુખપુર ગામે તેમની ભાણેજના લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારે તેમનો પુત્ર જય ગામમાં મોટરસાયકલ લઇ ગયેલ એ સમયે એક પરિવારના લગ્ન પ્રસંગનો વરઘોડો નીકળેલ ત્યારે બાઈક સાઇડમાં રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. જેથી જય પોતાના સંબંધીના ઘરે જતો રહેલ હતો. બાદ સાંજના નવેક વાગ્યે દાંડીયારાસ ચાલુ હતા તે સમયે સુખપુરના માજી સરપંચ રમેશ ગાડુંભાઈ વડાલીયા તથા સુખપુરના સરપંચ ભગવાનજી નારણભાઈ વડાલીયા, ભીખા તેજાભાઈ વડાલીયા, પિયુષ ગગજીભાઈ વડાલીયા ચારેય લોકો જય અને તેના પિતા જાંબુડીના સરપંચ લાલજીભાઈને ગાળો આપી ‘ગાડી સાઇડમાં કેમ લેતો ન હતો તને જોઈ લઈશ' તેમ બોલાચાલી કરવા લાગેલ જેથી ત્યાં હાજર સંબંધીઓ વચ્ચે પડતા ચારેય ત્યાંથી જતા રહયા હતા.

બાદમાં જય અને તેના પિતા લાલજીભાઈ ચાલીને ગામના પાદરે આવેલ ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ભોલેનાથ મંદિર પાસે સુખપુરના સરપંચ સહિતના ચારેય શખ્સોએ બોલાચાલી કરી લાલજીભાઈને અને તેના પુત્ર જયને લાતો અને ઢીકાપાટુનો માર મારી રહેલ હતા. એ સમયે અન્ય લોકો આવી જતા ચારેય લોકો ત્યાંથી જતા જતા મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ મારકુટ દરમ્યાન જયએ પહેરેલ રુદ્રાક્ષની સોનાની મઢેલી માળા પડી ગયેલ હતી.

આ હુમલાની ઘટનામાં ઇજાઓ પહોંચી હોવાથી જાંબુડીના સરપંચ અને તેનો પુત્ર વિસાવદરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. બાદમાં આ હુમલા અંગે જય લાલજીભાઈ કોરડીયાએ પોલીસમાં સુખપુરના સરપંચ ભગવાનજી વડાલીયા, રમેશ વડાલીયા, ભીખાભાઈ વડાલીયા, પિયુષ ગગજીભાઈ વડાલીયા સામે ફરીયાદ કરતા પોલીસે આઈપીસી કલમ 323, 294(બી), 403, 506 (2), 114 હેઠળ ચારેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...