જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે માવઠું થતા કેરીના પાકને માઠી અસર થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે. જિલ્લાના કેશોદ, વંથલી સહિતના વિસ્તારમાં આજે કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે આંબા પર આવી ગયેલા મોર અને ખાખડી કેરીને નુકસાન થયું છે. જેના કારણે આ વર્ષે કેરીના સારા ઉત્પાદનની આશા રાખનાર ખેડૂતોની ગણતરીઓ ઊંધી પડે તેવી શક્યતાઓ છે. ના ફક્ત કેરી પણ જિલ્લામાં ઘઉઁ, જીરું ,ચણા, એરંડા અને ચીકુના પાકને પણ નુકસાન થતા ખેડૂતોની ચિંતા વધી છે.
આજે બપોરે જૂનાગડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જૂનાગજડ સહિત કેશોદ અને વંથલી વિસ્તારમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં થયેલા માવઠાના કારણે કેરી અને રવી સિઝનના તૈયાર થઈ ગયેલા પાકને નુકસાન થવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે.
કમોસમી વરસાદ પડતા પાકોને નુકસાન બાબતે કૃષિ વૈજ્ઞાનિક ડો. જી. આર.ગોહિલે જણાવ્યું હતું કે, આ કમોસમી વરસાદના લીધે ઉનાળુ પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. ખાસ કરી લોકો હાલની સીઝન પ્રમાણે કેરીની રાહ જોઈ રહ્યા છે તેને કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાને કારણે આંબા પર આવેલ નાની કેરીઓ ખરી પડે છે અને મોર પણ સુકાઈ જાય છે. આ વર્ષે આંબામાં ત્રણ તબ્બકે મોર આવ્યા છે જે આંબા પર ડિસેમ્બરમાં મોર આવ્યા હતા તે આંબા પર વરસાદની ઓછી અસર થશે. પરંતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જે આંબા પર મોર આવ્યા છે તેના પર ભારે પવનની અને વરસાદની અસર થશે. તો બીજી તરફ જૂનાગઢના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. જેને કારણે આંબે આવેલી નાની કેરીઓને પણ નુકસાન થાય છે. આંબાને માફક તાપમાનમાં જો 10 ડિગ્રી થી વધારે ફેરફાર થાય કેરીના પાકને ઘણું નુકશાન થાય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી કેરીમાં જીવાતનું પ્રમાણ વધવાની શક્યતાઓ પણ વધી જાય છે.
અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ધાણા અને જીરુંનો પાક તૈયાર થઈ ગયો હોય છે. જેના પર કમોસમી વરસાદ પડવાથી સમગ્ર પાક નિષ્ફળ જાય છે. કમોસમી વરસાદ પડવાને કારણે જીરામાં ચરમી નામનો રોગ આવવાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવી પડે છે. ખેડૂતોએ તૈયાર થયેલો ધાણાના પાકની ક્વોલિટી જાળવવા માટે તેને 20 દિવસ ખેતરમાં સુકાવા માટે રાખવામાં આવતા હોય છે .અને આમ કરવાથી ધાણાની ગુણવત્તામાં વધારો થતો હોય છે પરંતુ અચાનક વરસાદ પડવાથી તૈયાર થયેલો પાક પર ભેજનું પ્રમાણ વધવાથી આ ધાણાનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે..
કમોસની વરસાદના કારણે ઘઉંના ઊભા પાકને પણ નુકસાન થશે કારણકે વરસાદ પડવાના કારણે ઘઉંનો દાણો નાનો ને સફેદ થવાની શક્યતાઓ વધે છે. અને ઘઉં પોતાનું મૂળતત્વ મૂકી કાળાશ પડતા રંગના થવા માંડે છે. વરસાદના કારણે ઉભા ઘઉં પવન સાથે ઢળી પડતા હોય છે. જેને કારણે હાર્વેસ્ટિંગમાં ઘઉં લઈ શકાય નહિ. અને આવા કારણે ઘઉંની ગુણવત્તા નીચી જોવા મળે છે અને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.