રજૂઆત:ઇ.સ. 2018ની ગટરની સમસ્યા ઇ.સ. 2021માં પણ એની એજ

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગિરનાર રોડ પર સપ્તાહમાં 3 વખત ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળે છે
  • ગટરની લાઇન મોટી નાખવા સ્થાનિકો દ્વારા કમિશ્નરને રજૂઆત

જૂનાગઢ ગિરનાર રોડ સ્થિત મયારામ આશ્રમ નજીક ગટરની સમસ્યાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વર્ષ 2018થી લઇ વર્ષ 2021 સુધી ગટરની સમસ્યાનું નિવારણ આવ્યું નથી. નાની લાઇન હોવાથી વારંવાર સમસ્યા સર્જાતી હોય સ્થાનિક લોકો દ્વારા ગટરની લાઇન મોટી નાખવા કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢના પર્યટન સ્થળ પરના મુખ્ય માર્ગ ગિરનાર રોડ પર ગટરની સમસ્યાથી પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો ત્રસ્ત બન્યા છે. ત્રણ વર્ષથી ગટરની સમસ્યાનું નિવારણ કરવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. અનેક રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી. આખરે ફરિવાર સ્થાનિક લોકો દ્વારા મનપા કમિશ્નરને ગટરની મોટી લાઇન નાખવા રજૂઆત કરવામાં આવી છે.

મોટા અધિકારીઓના આગમન પૂર્વે ગટરને ઢાંકી દેવામાં આવે છે
આ માર્ગ પર સીએમ તેમજ રાજ્યપાલના આગમન પૂર્વે સ્થાનિક તંત્ર દ્વારા ગટરને ઢાંકી દેવામાં આવે છે. સ્થાનિકો દ્વારા વિરોધ કરતા ગટરની સમસ્યાનું નિવારણ કરવાની ખાતરી આપ્યા બાદ સ્થાનિક તંત્ર ડોકાતું પણ નથી.

અનેક ફરિયાદો કરી : ગટર સાફ કરી સંતોષ માની લેવાય છે
સ્થાનિકો દ્વારા વોર્ડ ઓફિસે વારંવાર ફરિયાદ કરવામાં આવે છે ત્યારે નિવારણ રૂપે સફાઇ કરી જતા રહે છે. પરંતું પાઇપલાઇન ખુબ જ નાની હોવાથી સપ્તાહમાં 3થી 4 વખત ગટર ભરાઇ જતી હોવાથી મોટી પાઇપ લાઇન ફીટ કરવા માંગ ઉઠી છે.

વર્ષ 2018માં ગટરની સમસ્યા સર્જાયેલી જેનું એક વર્ષ સુધી સમાધાન ન થતાં 2019 સુધી સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં ગટરની લાઇન બદલાવવાનું સુચન કરવામાં આવતા પાલિકા તંત્ર દ્વારા નાની ગટરની લાઇન ફીટ કરવામાં આવી હતી. પરંતું નાની ગટરની લાઇન ફીટ કરાતા હાલ વર્ષ 2021માં પણ સમસ્યા એની એ જ ઉદ્ભવિ રહી છે. ઉપરોક્ત તસવીર વર્ષ 2019ને 2021ની ગટરની સમસ્યા સ્પષ્ટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...