તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રારંભ:આગામી ચોમાસાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈ વિભાગના કંટ્રોલરૂમનો પ્રારંભ, 31 ઓકટોબર સુધી કાર્યરત રહેશે

વેરાવળ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનો હિરણ - 2 ડેમ - Divya Bhaskar
જિલ્લાનો હિરણ - 2 ડેમ
  • ચોમાસા દરમિયાન જિલ્લાના ડેમની સ્થિતિ પર નજર રાખશે

1 જૂનથી ફલડ અને સિંચાઇ ડેમનો કન્ટ્રોલરૂમ ધમધમતો કરી દેવાયો છે. જે 31 ઓકટોબર સુધી કાર્યરત રહેશે. કેવા પ્રકારની કામગીરી કન્ટ્રોલરૂમ અને સમગ્ર સિંચાઇ વિભાગ ચોમાસામાં કાર્ય કરે છે તેની વિગત આપતા જણાવ્યું કે, ગીર-સોમનાથમાં પાંચ મધ્યમ સિંચાઇ યોજના છે, જેમાં ત્રણ ડેમના દરવાજા છે. જયારે બેના દરવાજા નથી. ત્રણ પાળીમાં આજથી જ ડયુટી ફાળવાઇ છે. જયાં દર બે કલાકે વરસાદ આંકડા તથા ઓવરફલો વિગત નોંધાતી રહેશે. સંદેશા વ્યવહાર માટે વાયરલેસ સેટ સજ્જ રહેશે.

ભારે પુર વખતે ડેમના દરવાજા ખોલવાની સીસ્ટમ અંગે જણાવ્યું કે, હિરણ-1 ડેમ સાસણ ગીર મધ્યમાં આવેલ છે, જે કુલ 44.20 મીટરે 100 ટકા ઓવરફલો થયો ગણાય, જેની ક્ષમતા ૭૧૪.૨૮૨ એમસીએફટી છે. આ ડેમને દરવાજા નથી એટલે ઓટોમેટીક વધારાનું પાણી ડેમ વટાવી આગળ વધે છે. એવી જ રીતે બીજો ડેમ હિ૨ણ-૨ તાલાલા નજીક ઉમરેઠી ગામ પાસે આવેલ છે. જેની કુલ કેપેસીટી ૭૧.૨૬ મીટર અને સંગ્રહ શક્તિ ૧૩૬૨.૫૦ એમસીએફટી છે, જેના સાત દરવાજા છે. કોડીનાર પાસે આવેલ સિંગવડા નદીનો ડેમ ૧૨૭૩ એમસીએફટી ક્ષમતા ધરાવે છે, જેને છ દરવાજા છે, જેનો પાણી પુરવઠા માટે જ ઉપયોગ થાય છે. જયારે ઉના પાસે આવેલ મછુન્દ્રીડેમની ક્ષમતા ૯૪૨ એમસીએફટી છે, જે ડેમને દરવાજા નથી.

ડેમના દરવાજા ખોલવા માટે 4 પ્રક્રિયામાં એક નહી તો બીજી એમ કામ કરાતું હોય છે. ડેમની ઉપર બે જનરેટર સેટ હોય છે. એક ચાલું બીજો સ્પે૨. ચાલુ જનરેટર જો બંધ થાય તો સ્પેર જનરેટર ઉપયોગ કરાય, જે ૧૦૦ અને ૧૨૫કે.વી. ના હોય છે. ઇલેકટ્રીકથી ન ખુલે તો ડીઝલ યુનિટ પણ તૈયાર જ હોય છે અને ડીઝલ યુનિટ પણ કામ ન આપે તો મેન્યુઅલ હાથથી પણ જરૂર પડયે દરવાજા ખોલાય છે.

ડેમના દરવાજામાં એલર્ટ પધ્ધતિ હોય છે. જેમાં સિંચાઇ વિભાગનું માસવાર નિયત રૂલ હોય છે. તે મુજબ જ ડેમમાં પાણી જળવાવું જોઇએ. દા.ત. હિરણ-૨ ડેમમાં ૧ જુલાઇએ ૭૦ મીટર ભરવાનો, ૧ ઓગષ્ટે ૭૦.૭૫ મીટર ભરવાનો, ૧ સપ્ટે. ૭૧.૨૬ મીટર ભરવાનો હોય છે. વળી, ડેમમાં ૭૦ ટકા વરસાદનું પાણી જયારે ભરાય ત્યારે વાયરલેસ મેસેજથી કલેકટર, મામલતદાર, ટી.ડી.ઓ., નાયબ કલેકટર, પી.એસ.આઇ.ને જાણ કરવામાં આવે છે કે ‘નદીના પટમાં પાણીની આવક ચાલુ છે અને ડેમના દરવાજા ખોલવામાં આવશે. માટે નીચાણવાળા વિસ્તારો અને નદીતટના ગામ-ગામડાઓને એલર્ટ કરાય છે.’

આ સાથે ફરી પાછુ ૮૦ ટકા ડેમમાં પાણી ભરાઇ જાય ત્યારે બીજો એલર્ટ અપાય છે, પછી ૯૦ ટકાએ એલર્ટ ને ૧૦૦ ટકા ડેમ ભરાઇ જાય ત્યારે ખાસ મેન્શન સંદેશો અપાય છે કે, ડેમના દરવાજા ખુલી રહ્યા છે. જેના આધારે વહીવટીતંત્ર જે ખાતાને અને પ્રચાર માધ્યમો તથા ટી.વી. દ્વારા પ્રજાને સાવચેત કરતું હોય છે. વળી, જયારે ડેમના દરવાજા ખોલાય અને નદીમાં પાણી વહેતું કરાય ત્યારે ડેમનું સાયરન પણ વગાડાય છે. જે નજદીકના દસ-પંદર કિલોમીટર વિસ્તાર સુધી લોકો સાંભળી સાવચેત બને છે. એટલું જ નહી ડેમમાં ભારે પાણીના પ્રવાહ સમયે પણ અમુક સેન્ટીમીટર, અડધો ફુટ, એક દરવાજો, બે દરવાજા એમ ધીમે ધીમે જરૂરત મુજબ ખોલાતા હોય છે. જેથી નદીના પ્રવાહને જોઇને જ લોકોને સાવધ થવા મોકો મળે છે.

હિરણ-૨,કમલેશ્વર ડેમ ૨૦ વખત છલકાયાતાલાલા ગીર પંથકમાં બંધાયેલો હિરણ-૨ ડેમ અને કમલેશ્વર ડેમ ૧૯૫૯ માં બંધાયો છે. જે ૬૦ વરસમાં ૨૦ વખત છલકાયો છે. ૧૯૬૧ માં પ્રથમ વખત ઓવરફલો પછી ૧૯૭૦, ૭૧, ૭૯,૮૦, ૮૩, ૮૮, ૮૯, ૯૨, ૯૪, ૨૦૦૩,૦૪,૦૫, ૦૬, ૦૭, ૦૮, ૧૦, ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ માં ઓવરફલો થયા છે.

અન્ય સમાચારો પણ છે...