શહેરીજનો પરેશાન:વેરાવળ-સોમનાથમાં ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી કરતી એજન્‍સીની અનિયમિત અને રેઢીયાળ કામગીરીથી ચૌતરફ ગંદકી

વેરાવળ22 દિવસ પહેલા
  • કચરા કલેકશનની અનિયમિત કામગીરીના લીઘે જોડીયા શહેરમાં જયાં જુઓ ત્‍યાં ગંદકી જોવા મળતી હોય લોકો ત્રાહિમામ

વેરાવળ-સોમનાથ જોડીયા શહેરને સ્‍વચ્‍છ બનાવવાના નારા ફુંકતા શાસકોના શાસનકાળમાં ઘરે ઘરેથી કચરા કલેકશનનું કામ કરતી એજન્‍સીની નબળી અનિયમિત કામગીરીના લીઘે ચોતરફ જાહેરમાં જોવા મળતી ગંદકીના લીઘે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમ છતાં પાલિકાના શાસકો એજન્‍સી સામે પગલાં ન ભરતા હોવાથી લોકોના આરોગ્‍ય પર જોખમ ઉભુ થયુ છે. જેથી તાત્‍કાલિક ઘોરણે કચરા કલેકશનની કામગીરી નિયમિત સુદઢ બનાવવા કોંગી નગરસેવકએ શહેરી વિકાસ મંત્રી અને પાલિકાના પ્રાદેશિક કમિશ્‍નરને લેખિત ફરિયાદ કરી પગલા ભરવા માંગણી કરી છે.

વેરાવળ-સોમનાથ ગંદકીથી શું કામ ખદબદી રહ્યું છે. જે અંગે કોંગી નગરસેવક અફઝલ પંજાએ કરેલ ફરિયાદમાં જણાવેલ કે, જોડીયા શહેરની તમામ સોસાયટી વિસ્‍તારો-બજારોને સ્‍વચ્‍છ રાખવા માટે પાલિકા તંત્ર દ્રારા ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી માટે કોન્‍ટ્રાકટ આપેલ છે. આ કામગીરી માટે દર મહિને એજન્‍સીને પાલિકા દ્રારા લાખોનું ચુકવણું કરવામાં આવે છે. પરંતુ ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરીનો કોન્‍ટ્રાકટર કંપની દ્રારા ઘણા મહિનાઓથી જોડીયા શહેરમાં અનિયમિત અને રેઢીયાળ રીતે કચરા કલેકશનની કામગીરી કરી રહી છે. જે સામે શહેરીજનોને લઇ લોકપ્રતિનિઘિઓએ ઢગલાબંઘ ફરિયાદો કરી છે. તેમ છતાં એજન્‍સીની કામગીરીમાં કોઇ સુઘારો થતો નથી. જેના કારણે હાલ જોડીયા શહેરમાં જયાં નજર કરો ત્‍યાં કચરો કચરો જ જોવા મળે છે.

વઘુમાં સ્‍વચ્‍છ શહેર સ્‍વસ્‍થ શહેર નું પાલિકા (આપણુ) સૂત્ર શહેરીજનો માટે હોવાથી તે સાકાર કરવા માટે અને જોડીયા શહેરમાં કયાંય ગંદકી જોવા ન મળે અને ગંદકી થાય તો તુરંત જ ઉપાડી લેવા માટે ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી માટે જે એજન્‍સીને કામ સોપવામાં આવેલ છે. તેમાં એજન્‍સી તદન નિષ્‍ફળ જઇ રહી છે. શહેરને સ્‍વચ્‍છ રાખવા માટે કોન્‍ટ્રાકટર પાસે સફાઇ માટે જરૂરી એવા વાહનો, ટેક્નિકલ સાઘનો અને કર્મચારીઓનો અભાવ હોવાનું અમોને જાણવા મળેલ છે. એજન્‍સી કોન્ટ્રાકટના એગ્રીમેન્ટ મુજબ કામગીરી કરવામાં સંદતર નિષ્ફળ નિવડી રહી હોવાથી લોકો દ્રારા ટેક્ષરૂપી ભરાતી લાખોની રકમનું પાણી થઇ રહ્યું છે. તો શહેરમાં ચોતરફ જોવા મળતી ગંદકી જ એજન્‍સીની નિષ્‍ફળતાની સાબિતી આપી રહી છે. આ ગંદકીના કારણે રોગચાળાના ભય વચ્‍ચે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે.

હાલ કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે એવા સમયે સફાઇની કામગીરી નબળી ચલાવી શકાય નહીં. જેથી જોડીયા શહેરને સ્વચ્છ અને નિરોગી બનાવવા માટે બેજવાબદાર કોન્ટ્રાકટર એજન્‍સી સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. આ સાથે નિયમિત સફાઇ થાય તે માટે ત્‍વરીત પગલા ભરવામાં આવે તેવી માંગણી હોવાનું અંતમાં જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...