જૂનાગઢ જિલ્લામાં કોરોના મહામારી સમયે તેનાથી બચવાની રસી મુકવાનું અભિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતું હતું. આ અભિયાનમાં ટાર્ગેટ પૂર્ણ કરવા માત્ર કાગળ ઉપરની કામગીરી કરી સો ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો હોય તેવા પુરાવા રૂપે અભિનેત્રીઓ અને ક્રિકેટરના બોગસ રસીકરણ સર્ટિફિકેટ ઈશ્યુ થયાનો ઘટસ્ફોટ દિવ્ય ભાસ્કરે કર્યો હતો. બાદમાં આ મામલે તાબડતોબ તપાસ સમિતિ નીમવાની જાહેરાત જિલ્લા કલેકટર રચિત રાજે કરી હતી.
એ સમયે જ સમિતિની જવાબદારી કોને અપાઈ છે ? તેવા પ્રશ્નમાં જેનું નામ આવ્યું હતું એ જ અધિકારીની આ પ્રકરણમાં ભેદી ભૂમિકા હોવાનું કહેવામાં આવતા કલેકટર દ્વારા એજ ક્ષણે સમિતિની જવાબદારી નાયબ જિલ્લા વિકાસ અધિકારીને આપવાની જાહેરાત કરી દીધી હતી! આ પછી બોગસ રસીકરણ મામલો ગુજરાત વિધાનસભામાં ગુંજ્યો હતો. ત્યારે રાજ્ય સરકારે યોગ્ય તપાસ અને ત્યારબાદ કાર્યવાહીની ખાતરી આપી હતી. એ પછી જયારે રસીકરણ તપાસ સમિતિનું કાર્ય ક્યાં પહોંચ્યું છે? તેવું પૂછવામાં આવતા આ સમિતિ ઉપર ડીડીઓ નજર રાખી રહ્યા છે તેવું જિલ્લા કલેકટર દ્વારા કહેવામાં આવ્યું હતું.
એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું હતું કે, આ અંગેનો જવાબ ડીડીઓ મિરાંત પરીખ જ આપી શકશે. જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખનો સંપર્ક કરવાના અનેક પ્રયત્નો કરવા છતાં તેઓ મળી શક્યા નહિ! એટલું જ નહીં તેમનો સત્તાવાર મોબાઇલ નંબર પણ ઘણા દિવસોથી નો-રિપ્લાઈ મળી રહ્યો છે. ત્યારે આજે જૂનાગઢ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પાબેન જાવિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, તપાસ સમિતિનો રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલાયો છે.
જોકે મને કોઈ સત્તાવાર ખબર નથી, મારી જાણકારી માત્ર છે. આ પછી ફરીથી ડીડીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ આ ઉચ્ચ અધિકારી સતત વ્યસ્ત હોવાથી મળી શકતા નથી!! ત્યારે જો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જાણકારીમાં હોય કે, તપાસ રિપોર્ટ સરકારમાં રજૂ કરી દેવાયો છે તો એ એ રિપોર્ટમાં શું બહાર આવ્યું? તેની જાણકારી જિલ્લા કલેકટર દ્વારા પત્રકારને અાપવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.