તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદના બહાને ચૂનો ચોપડતો:બે વર્ષમાં 27 લોકોને નિશાન બનાવી રૂ.6.50 લાખની છેતરપીંડી આચરનાર આંતરરાજ્ય ઠગ વેરાવળમાંથી ઝડપાયો

વેરાવળ7 દિવસ પહેલા
  • જે લોકોને એટીએમમાંથી પૈસા ઉપાડતા ન આવડતા હોય તેવા લોકોની મદદ કરવાના બહાને છેતરપીંડી આચરી ચુનો ચોપડતો
  • વેરાવળ પોલીસે સર્વેલન્‍સ અને સીસીટીવી ફૂટેજોના આઘારે ભેજાબાજ ઠગ યુવકને ઝડપી લઇ છેતરપીંડીના મોટા રેકટનો પર્દાફાશ કર્યો
  • ઠગ યુવક પાસેથી જુદી જુદી બેંકોના 17 એટીએમ કાર્ડ, દોઢ લાખ રોકડા, સોનાના દાગીના મળી રૂ.2.50 લાખનો મુદામાલ મળી આવ્‍યો

વેરાવળમાંથી એટીએમમાંથી પૈસા ઉપાડતા ન આવડતું હોય એવા વૃદ્ધ અને અભણ લોકોને શિકાર બનાવતો આંતરરાજ્ય ભેજાબાજ ઠગ યુવકને સ્‍થાનિક પોલીસે ઝડપી પાડ 27 જેટલી છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્‍યો છે. વેરાવળ પોલીસે સર્વેલન્સ અને સીસીટીવીના આધારે ઠગ યુવાનને ઝડપી પાડી તેની પાસેથી 1.50 લાખની રોકડ ઉપરાંત સોના દાગીના, મોબાઈલ સહિત રૂ.2.50 લાખનો મુદામમાલ જપ્ત કરાયો છે. આ ઉપરાંત ઠગ પાસેથી જુદી જુદી બેંકના 17 જેટલા એટીએમ કાર્ડ પણ જપ્ત કરાયા છે. બે વર્ષમાં ઠગ યુવાને વેરાવળ, કોડીનાર, કેશોદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં 27 લોકોને શિકાર બનાવી રૂ.6.50 લાખની છેતરપીંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.

વેરાવળ પોલીસે આંતરરાજ્ય ઠગ યુવકની છેતરપીંડીના પર્દાફાશ બાબતે આજે એએસપી ઓમપ્રકાશ જાટ, સીટી પીઆઇ ડી.ડી.પરમારએ જણાવ્યું કે, વેરાવળ તાલુકાના છાત્રોડા ગામે રહેતા રતનસિંહ દાદુભા જાડેજા ગત તા.29 એપ્રીલના રોજ સટાબજારમાં આવેલી એસબીઆઇ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા તે સમયે પૈસા ઉપાડતા આવડતું ન હોવાથી અજાણ્યા શખ્સને પૈસા ઉપાડવા માટે એટીએમ કાર્ડ તથા પીન નંબર આપતા રૂ.20 હજાર ઉપાડી આપ્યા હતા. તે સમયે પૈસા નીચે પડી જતા તે લેવા રતનસિંહભાઇ નીચે બેઠાં ત્‍યારે તકનો લાભ લઇ અજાણ્‍યા શખ્‍સએ એટીએમ બદલી બીજું આપતા જતા રહ્યા હતા.

ભેજાબાજ ઠગ અસ્‍ફાક
ભેજાબાજ ઠગ અસ્‍ફાક

ગત તા.26-5-21 ના ફરી પૈસા ઉપાડવા એટીએમમાં ગયા પરંતુ પૈસા ઉપડ્યા નહીં જેથી બેંકમાં તપાસ કરતા તેમના ખાતામાં બેલેન્સ ઝીરો હોવાનું જણાવ્યું હતું અને તેમની પાસે રહેલા એટીએમ પણ બીજાનું હોય તેમાં નુરખાભાઇ લીગારી એવું લખેલું હતુ. આ અજાણ્યા શખ્સે રૂ.84,500 જેવી રકમ જુદા-જુદા દિવસે એટીએમમાંથી ઉપાડી લીઘી હતી. આવી જ રીતે વડોદરા ડોડીયા ગામે રહેતા વાલજીભાઇ આંબેચરાનું પણ એટીએમ કાર્ડ કોઇ અજાણ્યા શખ્સે બદલાવીને રૂ.1.20 લાખની રકમ ઉપાડી લીધી હતી. જે અંગે પોલીસમાં ગુનો નોંઘાયેલા હોવાથી તપાસ શરૂ કરવામાં આવી હતી.

ભેજાબાજ ઠગ આ રીતે ઝડપી લેવાયો

જેમાં રતનસિંહભાઇના એટીએમમાંથી વેરાવળમાં સટાબજાર, પ્રકાશ કોમ્‍પલેક્ષ ઉપરાંત બસ સ્‍ટેશન ખાતે આવેલ એસબીઆઇ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવેલ હતા. જે વિગતના આઘારે એટીએમનના સીસીટીવીના ફૂટોજો ખંગાળી તેમાંથી શંકાસ્‍પદ વ્‍યકિતની ઓળખ મેળી હતી. બાતમીદારો મારફત શંકાસ્‍પદ વ્‍યકિતની માહિતી મળતા ગઇકાલે સર્વેલન્‍સ સ્‍ટાફએ અત્રેની સોનીબજાર વાળી ગલીમાં કરીમભાઇના ભાડાના મકાનમાં રહેતો અસ્‍ફાક અબ્‍દુલગફાર પંજા (ઉ.વ.33) વાળને તેના ઘરેથી જ ઝડપી લીઘો હતો. તેની પાસેથી જુદી જુદી બેંકોના 17 જેટલા એટીએમ કાર્ડ તથા રૂ.1.50 લાખ રોકડા, મોબાઇલ - 4, સોનાની લેડીઝ વિટી - 7, સોનાની બુટી - 4, સોનાની જેન્‍ટર વિટી - 1, સોનાનો નથ અને દાણો - 1 મળી કુલ રૂ.2,52,347 નો મુદામાલ કબ્‍જે કરવામાં આવ્યો હતો.

જપ્‍ત કરાયેલ મુદામાલ
જપ્‍ત કરાયેલ મુદામાલ

આરોપી આ રીતે છેતરપીંડી આચરતો

વઘુમાં તપાસનીસ અઘિકારી ડી.ડી.પરમારએ જણાવ્યું કે, ઠગ યુવક અસ્‍ફાક જુદી જુદી બેંકોના એટીએમ આસપાસ રેકી કરતો અને ત્‍યાં પૈસા ઉપાડવા આવતા લોકો કે જેઓને એટીએમમાંથી ઉપાડતા ન આવડતા હોય તેવા લોકોને પૈસા ઉપાડી દેવામાં મદદ કરવાના બહાને નિશાન બનાવતો હતો. જેમાં ઠગ યુવકને પૈસા ઉપાડવા એટીએમ અને પીન નંબર આપે ત્‍યારે તે અમુક રકમ ઉપાડી આપતો અને આ સમય દરમ્‍યાન એટીએમ કાર્ડની અદલા-બદલી કરી નાંખી બીજા કોઇ અજાણ્‍યાનું એટીએમ કાર્ડ આપી ત્‍યાંથી નિકળી જતો હતો. બાદમાં ઠગ યુવક અન્‍ય એટીએમમાં જઇ તે ખાતામાં હોય તેટલી રકમ કટકે કટકે ઉપાડી લઇ છેતરપીંડી આચરતો હતો.

આટલા શહેરોના 27 લોકોને નિશાન બનાવ્‍યા

વઘુમાં ડી.ડી.પરમારએ જણાવેલ કે, ઠગ યુવકએ 2019 થી લોકોને શિકાર બનાવવાનું શરૂ કરેલ અને અત્‍યાર સુઘીમાં જુદા જુદા શહેરમાં 27 લોકોને શિકાર બનાવી રૂ.6.50 લાખની છેતરપીંડી આચરી છે. જેમાં વેરાવળમાંથી 5, પ્રભાસપાટણ-2, કોડીનાર-1, કેશોદ-2, માળીયાહાટીના-3, જુનાગઢ-4, રાજકોટ-5, અમદાવાદ-3, મુંબઇમાંથી 2 મળી કુલ 27 લોકોને નિશાન બનાવેલ છે.

ભેજાબાજ ઠગને પોલીસ સ્‍ટેશને લઇ અાવવામાં અાવેલ
ભેજાબાજ ઠગને પોલીસ સ્‍ટેશને લઇ અાવવામાં અાવેલ

આરોપીનો ઇતિહાસ

આરોપી અસ્‍ફાકનો પરિવાર ઇન્‍દોરમાં રહેતો અને ત્‍યાં જ ઘો.12 સુઘી અભ્‍યાસ કર્યો હતો. તેની બહેનના લગ્‍ન વેરાવળમાં થતા અસ્‍ફાકનો પરીવાર 2002 માં અહીં રહેવા આવી ગયેલ હતો. સને.2010 માં તે પરીવાર સાથે મહારાષ્‍ટ્રના નાગપુર ખાતે વાડી વિસ્‍તારમાં નૌકરીના કામ અર્થે ગયેલ જયાં બે વર્ષ રહયા હતા. તે દરમ્‍યાન નાગપુરની પ્ર‍િતી બાઘડે નામની મરાઠી યુવતિ સાથે પ્રેમસંબંઘ બંઘાતા તેણીને લઇ વેરાવળ આવી અહી મુસ્‍લીમ જમાત ખાતે મેરેજ કરી તેનું નામ આફ્રીન રાખેલ હતુ. તેને 6 વર્ષી તાહા નામનો બાળક પણ છે. અસ્‍ફાક અહીં જીઆઇડીસીની કેશોદવાલા, અનમોલ, વિન્‍સર, નુર નામની ફીશ કંપનીમાં નૌકરી કરી હતી. કોરોનાના કારણે છેલ્‍લા બે વર્ષથી કોઇ કામઘંઘો ન હોવાથી છેતરપીંડીના રવાડે ચડી ગયો હતો. અસ્‍ફાક ગ્રેજયુએટ શિક્ષ‍િત યુવક છે.

આંતરરાજ્ય ઠગ યુવકને પકડવામાં સીટી પોલીસના પીએસઆઇ એચ.બી.મુસાર, એ.કે.ખુમાણ, દેવદાનભાઇ, નટુભા બસીયા, સુનીલ સોલંકી, ગીરીશભાઇ, મયુરભાઇ, અરજણભાઇ, કમલેશભાઇ, અશોકભાઇ, પ્રવિણભાઇ, રોહિતભાઇ સહિતના સ્‍ટાફએ મહેનત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...