પ્રિમોન્સૂન કામગીરી અંગે બેઠક:ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસામાં કુદરતી આફતો સમયે તમામ વિભાગોએ સંકલન સાધી કામ કરવા સૂચના

ગીર સોમનાથ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાની પ્રિમોન્સન કામગીરી તંત્રના 18 વિભાગોએ તાલમેલ સાધી રાખવા પણ સૂચના અપાઈ
  • પાણી ભરાતા વિસ્તારોની ઓળખ કરી નિકાલની કામગીરી તાકીદે પૂર્ણ કરવી

ગીર સોમનાથ જિલ્લામાં આગામી ચોમાસાની સીઝન દરમિયાન કુદરતી આફતો સમયે તકેદારીના ભાગરૂપે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જિલ્લામાં સંભવિત વાવાઝોડું, ભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આફતોથી બચવા અને ઓછુ નુકસાન થાય તે માટે સતર્ક રહેવા માટે વેરાવળ પ્રાંત કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પૂર્વ આયોજનની કામગીરી અંગે બેઠક મળી હતી. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતા તંત્રના જુદા-જુદા 18 વિભાગોએ પ્રિમોન્સૂન કામગીરી માટે સંકલન સાધી સમયસર યોગ્ય કામગીરી કરવા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સાધન- સામગ્રીનું યોગ્ય સમારકામ કરાવવું
ગીર સોમનાથ જિલ્લામાં પ્રિમોન્સૂન કામગીરીના આયોજન અંગે મળેલી બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત બંધ હાલતમાં હોય તેવી સાધન- સામગ્રીનું યોગ્ય સમારકામ કરાવી લેવા, જર્જરીત વીજપોલની કામગીરી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જાણી લેવી સહિતની સૂચના આપવામાં આવી હતી.

સમસ્યા અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી માર્ગદર્શન આપાયું​​​​​​​
આફત સમયે વીજપુરવઠાની સમસ્યા, ગ્રામ્ય-તાલુકા કક્ષાએ અંતરિયાળ વિસ્તારમાં એમ્બુલન્સ ન પહોંચે તો યોગ્ય વ્યવસ્થા ગોઠવવા, કુદરતી આફતના સમયે ખાસ તો ગ્રામ્ય કક્ષાએ આશ્રયસ્થાન માટે શાળાઓ-વંડીઓ, મદદ માટે સાર્વજનિક સંસ્થાઓ અને સામાજીક કાર્યકરોની યાદી તૈયાર કરવા પણ જણાવાયું છે. આ ઉપરાંત અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં બિસ્માર રસ્તાઓનું સમારકામ, ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી તમામ પ્રશ્નોનો ઉકેલ સત્વરે લાવવાની સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રિમોન્સૂન કામગીરીનું સુચારુ આયોજન કરવા તાકીદ
જિલ્લામાં પ્રિમોન્સૂન કામગીરીનું સુચારુ આયોજન થાય તે માટે તમામ વિભાગના જવાબદાર અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. કુદરતી આફતમાં મુશ્કેલીના સમયે જિલ્લા કંટ્રોલ રૂમ 02876 - 220101 ઉપર સંપર્ક કરવો જેથી તંત્ર બની શકે તેટલી વ્હેલી મદદ પહોંચાડવા કામગીરી કરશે તેમ પણ નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.મકવાણાએ જણાવ્યું હતું. આ બેઠકમાં નાયબ કલેક્ટર સરયુબા જસરોટિયા, ચીફ ઓફિસર ચેતન ડુડિયા, આયોજન અધિકારી એલ.એફ.અમીન, મામલતદાર, ટીડીઓ સહિત સબંધિત વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...