ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત ઔદ્યોગિક કંપનીઓમાં પરપ્રાંતીય લોકોને નોકરીમાં રાખી સ્થાનિક બેરોજગાર યુવાનોને કરાઈ રહેલા અન્યાય બાબતે યુવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઘટતું કરવાની માંગ કરી છે. જો કંપનીઓ દ્વારા સ્થાનિકોને રોજગાર આપવામાં નહી આવે તો જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ગીર સોમનાથ જિલ્લામાં મહાકાય ઔદ્યોગિક કંપનીઓ વર્ષોથી કાર્યરત છે. જેમાં અંબુજા સિમેન્ટ કોડીનાર, સિદ્ધિ સિમેન્ટ-મોરાસા, ગુજરાત હેવી કેમિકલ સુત્રાપાડા અને બીરલા ગ્રુપની ઇન્ડિયન રેયોન કંપની-વેરાવળ આ ચારેય મહાકાય ઔદ્યોગિક એકમોમાં મોટી સંખ્યામાં કામદારો અને ટેક્નિકલ સ્ટાફની જરૂરિયાત રહેતી હોય છે. જેમાં સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનોને અગ્રતા આપવાને બદલે આ તમામ ઔદ્યોગિક એકમો ઘણા વર્ષોથી બીજા રાજ્યોમાંથી કામદારો બોલાવી તેમને નોકરી ઉપર રાખી સ્થાનિક યુવાનોની અવગણના કરી રહી છે. જે બાબતે યુવા અગ્રણી હિરેન બામરોટીયાની આગેવાનીમાં યુવાનોએ મુખ્યમંત્રીને સંબોધેલું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું છે.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં કાર્યરત ચારેય મોટા ઔદ્યોગિક એકમોમાં વપરાતું કાચુ મટીરીયલ અને પાણી ગીર સોમનાથ જિલ્લાનું ઉપયોગમાં લે છે અને રોજગાર આપવાની વાત આવે તો જિલ્લાના યુવાનોની અવગણના કરે છે. આ બાબત જિલ્લાની જનતા ચલાવી લેશે નહી અને સરકારનો પ્રવર્તમાન કાયદો અને નિયમ મુજબ 70 ટકા સ્થાનિક લોકોને રોજગારી આપવાની થતી હોવા છતાં આ ઔદ્યોગિક એકમો સરકારી કાયદા અને નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ અન્ય રાજ્યના લોકોને રોજગારી આપે છે.
વધુમાં જણાવાયું હતું કે જો આગામી દિવસોમાં કંપનીઓ દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં નહી આવે તો જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનોને નાછુટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. યુવાનો ચારેય ઔદ્યોગિક એકમો સામે દેખાવો અને જે ગામડાઓમાંથી કાચુ મટીરીયલ લે છે તે તમામને અટકાવવા આંદોલન કરશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.