કામગીરી:3.42 કરોડના ખર્ચે દોલતપરાનાં ઇન્દ્રેશ્વર મંદિરનું રિનોવેશન કરાશે

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના દોલતપરામાં આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં રિનોવેશન માટે 3.42 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ દોલતપરા ખાતે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર અને તેમની જગ્યા- આશ્રમ આવેલો છે. કોરોના પહેલા રિનોવેશન કરવા માટે અહિંના બાંધકામને તોડી પડાયું હતું. બાદમાં ગ્રાન્ટ ફાળવાઇ હતી પરંતુ કોઇ કારણોસર રિનોવેશનનું કામ અટકી ગયું હતું. આ જગ્યાના રિનોવેશન માટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગ્રાન્ટ મંજૂર કરી હતી.

પરંતુ તંત્રની ઢીલી નિતીના કારણે લાંબા સમય સુધી કામગીરી અદ્ધરતાલ રહી હતી. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવ્યા છે. આમ, બીજા મુખ્યમંત્રી બદલાઇ ગયા છે પરંતુ મંદિરની શિકલ બદલાઇ નથી. દરમિયાન ગત જનરલ બોર્ડમાં ઇન્દ્રેશ્વર મહાદેવની જગ્યાના રિનોવેશનને લઇ વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટરે ધારદાર રજૂઆત કરી હતી.

આ રજૂઆત બાદ મહાનગરપાલિકાએ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ગ્રાન્ટમાંથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર અને જગ્યાના કન્સ્ટ્રકશન અને ડેવલોપમેન્ટ માટે પર્સેન્ટેઇઝ રેઇટથી 3,42,35,000ની કિંમતનું ટેન્ડર બહાર પાડ્યું છે. આ ટેન્ડર 25 ઓગસ્ટ 2022 સાંજના 6 વાગ્યા સુધીમાં ઓનલાઇન ભરવાનું રહેશે. જ્યારે 26 ઓગસ્ટ 2022ના બપોરના 12 વાગ્યે આ ટેન્ડર ખોલવામાં આવશે. આમ, લાંબા સમય બાદ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના કન્સ્ટ્રકશન અને ડેવલોપમેન્ટ ટેન્ડર બહાર પડાયું છે.

અન્ય સમાચારો પણ છે...