તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારી વર્ગમાં ખુશી:5 દિવસમાં યાર્ડમાં 21,700 ક્વિન્ટલ જણસીની આવક

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત ધમધમતું યાર્ડ: એક સમયે જ્યાં ભરાવો થતા જણસીની આવક મર્યાદિત કરાઇ હતી ત્યાં હવે જગ્યા થતા ચોવિસ કલાક જણસી લાવવાની છૂટ અપાઇ
  • હવે જણસીની આવક સાથે નિકાલ પણ થતો હોય ખેડૂતો સાથે વેપારી વર્ગને પણ ફાયદો થઇ રહ્યો છે

જૂનાગઢના દોલતપરા માર્કેટીંગ યાર્ડ ખાતે હવે 24 કલાક માટે જણસીની આવક માટે છૂટ અપાઇ છે. પરિણામે ખેડૂતોની સાથે વેપારીઓને પણ ફાયદો થઇ રહ્યો છે. 24 કલાક માલની છૂટના કારણે માત્ર 5 દિવસમાં યાર્ડમાં વિવિધ જણસીની કુલ 21,700 ક્વિન્ટલની આવક થઇ છે. આવક થવા સાથે માલનો નિકાલ પણ થઇ રહ્યો હોય ખેડૂતો અને વેપારી વર્ગમાં ખુશી ફેલાઇ છે. આ અંગે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી પી.એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, અગાઉ યાર્ડમાં આવક સતત વધી રહી હતી પરિણામે એક સમય એવો આવ્યો કે યાર્ડના તમામ શેડ ફૂલ થઇ ગયા હતા.

ત્યારે જ્યાં સુધી આવક જણસીનો નિકાલ ન થાય ત્યાં સુધી વધારાની જણસીની મંગાવવી યોગ્ય ન હોય થોડા સમય માટે જણસીની આવક બંધ કરાઇ હતી. ત્યાર બાદ યાર્ડમાં જેમ જેમ જગ્યા થાય તેમ તેમ ચણા, તુવેર, ઘઉં વગેરે એક એક જણસીની એક એક દિવસ આવક કરાતી હતી. બાદમાં જણસીનો નિકાલ થઇ રહ્યો હોય જગ્યા થતા યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલે 24 કલાક જણસીની આવકને છૂટ આપી છે. પરિણામે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં હાલ અનેક જણસીની આવક થઇ રહી છે.

છેલ્લા 5 દિવસની આવક પર નજર કરીએ તો યાર્ડમાં વિવિધ જણસી મળી કુલ 21,700 ક્વિન્ટલની આવક થઇ છે. આમ, યાર્ડમાં આવક વધતા હવે યાર્ડ સતત ધમધમી રહ્યું છે. કોરોનાના કારણે લાંબો સમય યાર્ડ બંધ રહેતા અનેક વેપારીઓ તેમજ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે કોરોના કેસ ઘટતા તમામ છૂટછાટો મળી રહી છે પરિણામે યાર્ડ પણ સતત ધમધમતું થયું હોય આવેલ જણસીનો પણ સત્વરે નિકાલ થઇ રહ્યો છે. પરિણામે યાર્ડના શેડમાં જગ્યા થતા હવે ખેડૂતોને 24 કલાક જણસી લઇ આવવા માટેની છૂટ અપાઇ છે.

માલ બગડે નહિ તે માટે આવક મર્યાદિત કરાઇ હતી
અગાઉ યાર્ડમાં આવક થતા લગભગ તમામ શેડ ભરાઇ ગયા હતા. સામે નિકાસ ઓછી થતી હતી. ત્યારે જો વધારાની જણસી મંગાવાય તો વરસાદી માહોલમાં ખેડૂતોની કિંમતી જણસી પલળી જાય તો ખેડૂતોને મોટી નુકસાની થઇ શકે તેમ હતું. ત્યારે માલ બગડે નહિ તે માટે યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલે થોડો સમય આવક મર્યાદિત કરી હતી. હવે નિકાલ થતા યાર્ડમાં જગ્યા થઇ રહી હોય ચોવિસ કલાક જણસીની આવકને છૂટ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...