લોકાર્પણ કાર્યક્રમ:વેરાવળમાં મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાયલની રૂ.3.35 કરોડના ખર્ચે નવનિર્મિત તરંગ બોયઝ હોસ્ટલનું લોકાર્પણ

ગીર સોમનાથ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરીયા કિનારા નજીક જ માછલીઓનો મોટો જથ્થો માછીમારોને મળી રહે તે માટે ભારત સરકાર આગામી સમયમાં કાર્યક્રમ હાથ ધરશે: મંત્રી રૂપાલા
  • મત્સ્યદ્યોગમાં બે થી ત્રણ ગણા વિકાસની સંભાવનાઓ તરફ કેન્‍દ્ર સરકારનું ઘ્‍યાન કેન્‍દ્રીત: પરશોતમ રૂપાલા

વેરાવળમાં કાર્યરત મત્‍સ્‍ય વિજ્ઞાન મહાવિઘાલયમાં રૂ.3.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક સુવિધા સભર તરંગ બોયઝ હોસ્‍ટેલનું આજે કેન્દ્રીય મત્સ્યદ્યોગ મંત્રી પરશોતમ રૂપાલાના હસ્‍તે તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. બાદમાં મંત્રી, સાંસદ રાજેશ ચુડાસમા, રાજશી જોટવા, ભાજપ પ્રમુખ માનસીંહ પરમાર, ફીશ એક્ષપોર્ટ એસો.ના પ્રમુખ જગદીશ ફોફંડી, પાલીકા પ્રમુખ પીયુષ ફોફંડી સહિતના મહાનુભાવોએ હોસ્‍ટેલની અઘતન સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું. જે બાદ હોસ્‍ટેલના પરીસરમાં વૃક્ષારોપણ કર્ય હતું.

આ તકે યોજાયેલા સમારોહને સંબોધતા મંત્રી પરશોતમ રૂપાલાએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં માછીમારોને માછીમારી કરવા માટે દરીયામાં બહુ દુર જવુ પડતું હોવાથી ઘણી સમસ્યાઓ ઉદભવે છે. જેથી આ સમસ્યાને નિવારવા માટે દરીયા કિનારા સમીપ જ માછીમારી કરી શકે અને દરીયા કિનારા નજીક જ માછલીઓનો મોટો જથ્થો મળી શકે તે માટે ભારત સરકાર આગામી સમયમાં એક કાર્યક્રમ હાથ ધરવા જઇ રહી છે.

વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ મત્‍સ્‍યદ્યોગ ક્ષેત્રમાં બે થી ત્રણ ગણા વિકાસની સંભાવનોઓ રહેલી હોવાથી કેન્‍દ્રમાં મત્‍સ્‍યદ્યોગ માટે એક સ્વતંત્ર વિભાગ શરૂ કર્યો છે. કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક પ્રવાહો પલટાયા હોય અનેક દેશોમાં એક ડિવિઝન પણ જોવા મળી રહ્યુ છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતની ભુમિકા મહત્વની રહેવાની સાથે વિકાસ માટે નવી તકો પણ ખુલ્લી છે. આ કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારત સરકારની અને ખાસ કરીને મત્સ્ય વિભાગની યોજનાઓનો લાભ મેળવી ઉદ્યોગ સાહસિક બને તે દિશામાં આગળ વધવા માટે તથા કુપોષણની સમસ્યા નિવારવા માટે ફીશરીઝ કોલેજના વિદ્યાર્થીઓને નવા પરીપ્રક્ષ્યમાં સંશોધનના આધારે પ્રોટોકોલ તૈયાર કરવા અપીલ કરી હતી.

આ તકે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, વડાપ્રધાનની દુરોગામી દ્રષ્ટિના કારણે દરીયા કિનારાના આ વિસ્તારને ફીશરીઝ કોલેજ મળી છે. જેનાથી વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે અન્ય રાજયમાં જવુ પડતું નથી સાથે રોજગારીના નવા દ્વાર વિદ્યાર્થીઓ માટે ખુલ્યા છે. કામધેનુ યુનીવર્સિટીના કુલપતિ એન.એસ. કેશવાલાએ નવનિર્મિત તરંગ બોયઝ હોસ્ટેલની ડાઈનીંગ હોલ, દિવ્યાંગો માટે સ્પેશ્યલ રૂમ, જીમ સહિતની અદ્યતન સુવિધાઓની વિગતો આપતા કહ્યુ કે, ફીશરીઝ કોલેજમાં પ્રથમવાર કેબિનેટ કક્ષાના મંત્રી આવ્યા છે. ફીશરીઝ કોલેજના ડીન જે.એસ પટેલે સ્વાગત અને મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલના આચાર્ય ડો. એસ.આઈ. યુસુફઝાઈએ આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં રાજયના મત્સ્યદ્યોગ મંત્રી જીતુ ચૌધરી પણ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનીવર્સિટીના કુલપતિ એન. કે. ગોંટિયા, મત્સ્યદ્યોગ કમિશ્નર સતિષ પટેલ, વેલજી મસાણી, તુલશીભાઈ સહિતના મહાનુભાવો અને મત્સ્ય વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...