નજીવી બાબતે હત્યા:વેરાવળના વડોદરા-ડોડીયામાં આગેવાને અપશબ્દો બોલવાની ના પાડતા શખ્સે પાવડાના ઘા ઝીંકી હત્યા કરી, પોલીસ કર્મીઓ પર પણ હુમલો કર્યો

વેરાવળ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પકડાયેલ હત્‍યારો શખ્‍સ અને ઇન્‍સેટ તસ્‍વીર મૃતક આગેવાનની - Divya Bhaskar
પકડાયેલ હત્‍યારો શખ્‍સ અને ઇન્‍સેટ તસ્‍વીર મૃતક આગેવાનની
  • ગામમાં શખ્સે અપશબ્દો બોલી ઉત્પાત મચાવ્યો, પકડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો કરતા બે પોલીસ કર્મીઓ ઘાયલ
  • પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની અટકાયત કરી
  • આરોપી શખ્સ માનસિક અસ્થિર હોવાની વાતો વહેતી થઈ

વેરાવળ તાલુકાના વડોદરા-ડોડીયા ગામમાં એક શખ્સ ગતરાત્રીના જાહેરમાં અપશબ્દો બોલી રહ્યો હતો. જેથી પોલીસ તેને પકડવા પહોંચી હતી. જોકે, પોલીસ સ્‍ટાફ પર ઉશ્‍કેરાયેલા શખ્‍સે પાવડા વડે હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ત્યારબાદ આ શખ્સ ગામમાં પાવડા સાથે ફરી અપશબ્દો બોલી રહ્યો હતો. આ દરમિયાન રસ્‍તામાં મળેલા સરપંચના ભાઇ એવા આગેવાને અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્‍કેરાયેલા શખ્‍સે આગેવાનને આડેઘડ પાવડાના ઘા ઝીકી કરપીણ હત્‍યા કરી નાખી હતી. નાના એવા ગામમાં નજીવી બાબતે થયેલી હત્‍યાના પગલે ચકચાર મચી હતી. હત્યાના બનાવને લઈ પોલીસ સ્‍ટાફ ઘટનાસ્‍થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.પોલીસે આરોપીની અટક કરી તેનું મેડીકલ ચેક-અપ કરાવવા કાર્યવાહી હાથ ઘરી છે. આરોપી શખ્‍સ માનસીક અસ્‍થ‍િર હોવાથી ગામમાં અનેકવાર ઉત્પાત મચાવતો હોવાની વાતો વહેતી થયેલ હતી. હાલ આ હત્‍યા મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

આરોપીની પુછપરછ કરી રહેલ ડીવાયએસપી બાંભણીયા
આરોપીની પુછપરછ કરી રહેલ ડીવાયએસપી બાંભણીયા

ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્‍ટાફ શખ્સને પકડવા ગામમાં પહોંચી

વેરાવળ પંથકમાં નજીવી બાબતે આગેવાનની હત્યા કરવામાં આવી છે. ત્યારે આ ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતોનુસાર વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામમાં ગતરાત્રીના કરશન અરજણ સોલંકી નામનો શખ્‍સ હાથમાં પાવડો લઇ અપશબ્દો બોલી ઉત્પાત મચાવી રહ્યો હતો. આ અંગે કોઇ ગ્રામજને પોલીસને જાણ કરતા પોલીસ સ્‍ટાફ કરશનને પકડવા ગામમાં પહોંચી હતી.

પોલીસકર્મીઓ પર પાવડાથી હુમલો કર્યો

આ સમયે પોલીસને જોઇ ઉશ્‍કેરાયેલા શખ્સે પોલીસકર્મીઓ પર પાવડા વડે હુમલો કર્યો હતો. જેમાં પોલીસકર્મી જીતુભાઇ તથા પ્રવિણભાઇ બંનેને ઇજાઓ પહોંચી હતી. તેમ છતાં કરશનને પકડવા માટે તેનો પીછો પોલીસકર્મીઓ કરી રહ્યા હતા. આ દરમિયાન ગામમાં બસ સ્‍ટેન્‍ડ નજીક શખ્સ જાહેરમાં બેફામ અપશબ્દો બોલી રહ્યો હતો. આ દરમિયાન ત્‍યાં ચાલીને જઇ રહેલા સરપંચના ભાઇ ભીમાભાઇ સીદીભાઇ આમહેડાએ તેને અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્‍કેરાયેલા શખ્સે તુ મને શું સમજાવે છે તેમ કહી પાવડા વડે ભીમાભાઇના માથા તથા શરીર પર આડેઘડ મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓ ઢળી પડયા હતા.

આરોપીને મેડીકલ ચેકઅપ અર્થે લઇ જવાઇ રહેલ
આરોપીને મેડીકલ ચેકઅપ અર્થે લઇ જવાઇ રહેલ

હત્યાના બનાવને લઈ ગામમાં અરેરાટી

ત્યારબાદમાં તેમના પરીવારજનો ઇજાગ્રસ્‍ત હાલતમાં ભીમાભાઈને વેરાવળ સરકારી દવાખાને લઇ આવ્યાં હતા જયાં ફરજ પરના તબીબે ભીમાભાઇને મૃત જાહેર કર્યા હતા. જેથી પરીવારજનોમાં ગમગીની પ્રસરી ગઇ હતી. આગેવાનનું મૃત્‍યુ થયાની જાણ વડોદરા ડોડીયા ગામમાં થતા અરેરાટી પ્રસરી ગઇ હતી.

આરોપી સામે ગુનો નોંધાયો

આ ઘટનાને લઇ અનુ.જાતિના આગેવાનો મોટીસંખ્‍યામાં સરકારી હોસ્‍પીટલે દોડી ગયા હતા. જયારે આરોપી શખ્‍સની અટક કરવા પોલીસ પણ દોડી ગઇ હતી. આ હત્‍યા મામલે પોલીસે મૃતકના ભાઇ પીઠાભાઇ આમહેડાની ફરીયાદ પરથી આરોપી કરશન સોલંકી સામે આઇપીસી કલમ 302 તથા અનુ.જાતી-અનુ.જનજાતિ અધિનિયમની કલમ 3(1)(આર)(એસ) તથા જીપીએકટ 135 મુજબનો ગુનો નોંધી વઘુ તપાસ હાથ ઘરી છે.

હત્‍યા કરનાર આરોપી
હત્‍યા કરનાર આરોપી

આરોપીની મોડીરાત્રે અટકાયત કરી લેવામાં આવી

આ મામલે ડીવાયએસપી બાંભણીયાએ જણાવ્યું કે, વડોદરા-ડોડીયા ગામમાં આગેવાનની હત્‍યા કરનારા આરોપી કરશન સોલંકીની મોડીરાત્રે અટકાયત કરી લેવામાં આવી છે. હાલ તેનું મેડીકલ ચેક-અપ, કોરોના ટેસ્‍ટ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી કરશને બેએક માસ અગાઉ પણ ગામમાં ઉત્પાત મચાવી વિજ થાંભલો પાડી દીધો હોવા અંગે સોમનાથ મરીન પોલીસને અરજી મળી હતી. આરોપી શખ્‍સને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં બે કર્મીઓને ઇજા પહોંચતા તેઓને સારવાર આપવામાં આવી છે. મૃતક ભીમાભાઇ ગામના સરપંચના ભાઇ તેમજ જી.પ.ના પૂર્વસભ્‍ય હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...