• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Veraval, The Driver Of A Creta Car Got Drunk And Hit An Auto Rickshaw, Killing His Sister Who Was Preparing For His Brother's Wedding.

ખુશીના માહોલમાં માતમ છવાયો:વેરાવળમાં કારચાલકે નશો કરી ઓટોરિક્ષાને અડફેટે લીધી, ભાઈના લગ્નની તૈયારી કરી રહેલી બહેનનું મોત

ગીર સોમનાથ18 દિવસ પહેલા
  • પુત્રના લગ્નની કંકોત્રી આપી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો
  • વેરાવળનાં નગરસેવિકાની પુત્રીનું અકસ્માતમાં મોત, સાત વ્યકિત ઈજાગ્રસ્ત

વેરાવળ-કોડીનાર હાઈવે પર એક ક્રેટા કારના ચાલકે નશો કરી અકસ્માત સર્જતાં રિક્ષામાં સવાર નગરસેવિકાની પુત્રીનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર કારની સ્પીડ એટલી હતી કે ડિવાઈડર કૂદી કાર બીજી તરફ આવી ગઈ હતી અને રિક્ષાને અડફેટે લીધી હતી. મૃતક યુવતીના ભાઈના લગ્ન આવી રહ્યા હોવાથી તે પરિવારજનો સાથે કંકોત્રી આપી પરત આવી રહી હતી. અકસ્માતને પગલે પરિવારમાં ખુશીના માહોલમાં માતમ છવાયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

વેરાવળ-કોડીનાર નેશનલ હાઈવે રોડ પર અમરાપુર ફાટક પાસે વેરાવળ તરફથી પૂરપાટ ઝડપે કોડીનાર તરફ જઈ રહેલી ક્રેટા કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર ઠેકી સામે રોંગ સાઈડમાં વેરાવળ તરફ જઇ રહેલી પિયાગો રિક્ષા નં. જી.જે. 20 ડબ્લ્યુ. 3447ને ધડાકાભેર અડફેટે લેતાં રિક્ષા ગોથા મારી ગઈ હતી. જેથી એમાં બેઠેલાં વેરાવળ પાલિકાના નગરસેવિકા કમળાબેન ફોફંડીની પુત્રી રોશનીબેન ફોફંડી (ઉં.વ.22)નું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજતાં ગમગીની પ્રસરી ગઈ હતી. જ્યારે તેના પરિવારનાં શ્રદ્ધાબેન ફોફંડી (ઉં.વ.17), પાનીબેન ફોફંડી (ઉં.વ.30), મનીષાબેન ફોફંડી (ઉં.વ.20), કિષ્નાબેન ફોફંડી (ઉં.વ.16) સહિત સાતેક વ્યક્તિને ઇજાઓ સાથે વેરાવળની આદિત્ય બિરલા હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયાં હતાં. એ પૈકીના રિક્ષાના ચાલકને જૂનાગઢ અને બીજી અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવી છે.

અકસ્માત સર્જનાર કારચાલક નશાની હાલતમાં હતો-પોલીસ
આ અકસ્માત અંગે સુત્રાપાડાના પીએસઆઈ હેરમાએ જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર ક્રેટા કારનો ચાલક નશો કરેલી હાલતમાં હોવાથી તેની સામે પ્રોહિબિશન અને અકસ્માતનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર શખસ સારા ગામનો હોવાનું અને તેની સામે અગાઉ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, જેથી તે વેરાવળ શું કરવા આવ્યો હતો ? નશો ક્યાં અને કોની સાથે કર્યો એ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

રોશનીબેન ફોફંડીની તસવીર
રોશનીબેન ફોફંડીની તસવીર

અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
અકસ્માત સ્થળ નજીક એક સ્થળે લાગેલા સીસીટીવીમાં સમગ્ર અકસ્માતની ઘટના કેદ થઈ ગયેલી, જે સામે આવી છે. એમાં જોવા મળ્યા મુજબ, પૂરપાટ આવતી ક્રેટા કારના ચાલકે કાબૂ ગુમાવી ડિવાઈડર ઠેકી સામેથી આવી રહેલી પ્યાગો રિક્ષાને ધડાકાભેર અડફેટે લેંતા એ ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતના પગલે આસપાસની હોટલોમાંથી રાહદારી લોકો દોડી જઈ ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં મદદ કરી રહ્યા હતા.

લગ્નની કંકોત્રી આપી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો
આ અકસ્માતમાં અકાળે જીવ ગુમાવનારી નગરસેવિકાની વહાલસોયી દીકરીના ભાઈના લગ્ન હોવાથી દીકરી સહિતનો પરિવાર હરખભેર લગ્ન સમારોહની કંકોત્રી આપવા સંબંધીઓને ત્યાં નજીકના પ્રાચી ગામ ગયો હતો. જ્યાંથી પરત રિક્ષામાં ફરતી વેળાએ ક્રેટા કાર સર્જેલા અકસ્માતમાં ખુશખુશાલ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તો અકસ્માતના પગલે ખારવા સમાજમાં પણ ગમગીની પ્રસરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...