PGVCLનો સપાટો:વેરાવળ-સોમનાથ શહેર-પંથકમાં ત્રણ દિવસમાં 45 લાખની વીજ ચોરી ઝડપાઇ

ગીર સોમનાથ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PGVCLની ટીમોએ એક હજારથી વધુ કનેકશનો તપાસયા જે પૈકી 254 માં વીજ ચોરી ઝડપાઇ

વેરાવળ-સોમનાથ શહેર અને પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી છેલ્‍લા ત્રણ દિવસથી પીજીવીસીએલની ટીમો ઘામા નાંખી ચેકિંગની કાર્યવાહી કરી રહી છે. જેમાં ત્રણ દિવસની અંદર 254 વીજ કનેકશનોમાંથી વીજ ચોરી થતી હોવાનું પકડી પાડી તમામ કનેકશન ઘારકોને કુલ 45 લાખના વીજ બીલો ફટકારવામાં આવતા વીજ ચોરી કરતા તત્‍વોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઇ છે.

ઘણા સમય બાદ વીજ વિભાગની ટીમોએ વેરાવળ-સોમનાથ શહેર-પંથકમાં વીજ ચેકીંગ અંગે સતત ત્રણ દિવસ સુઘી કાર્યવાહી કરી છે. જે અંગે વીજ અઘિકારી પાસેથી મળેલ માહિતી મુજબ પીજીવીસીએલ નિગમની રાજકોટ વડી કચેરીની સુચના મુજબ પ્રથમ દિવસે જિલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરના સોમનાથ ટોકીઝ, આરબચોક, તુરક ચોરા, કૃષ્ણનગર સહીતના વિસ્તારો તેમજ પંડવા, ઇન્દ્રોય, નાવદ્રા સહીતના ગ્રામ્‍ય વિસ્‍તારોના ગામોમાં 28 જેટલી ટુકડીઓમાં 112 અધિકારીઓ-કર્મચારીઓની ટીમએ વીજ ચેકીંગ અંગેની કાર્યવાહી કરી હતી. જેમાં 415 વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તે પૈકી 89 વીજ જોડાણોમાંથી વીજ ચોરી થતી હોવાનું માલુમ પડતા કુલ રૂ.18.20 લાખના બીલો ફટકારેલ હતા.

બીજા દિવસે વેરાવળ વિભાગીય કચેરીમાં આવતા તાલુકાના રામપરા, ખાંભા, ટોબરા, સુંદરપરા, ગાંગેથા, રંગપુર, સેમરવાવ, રમરેચી, જેપુર, ઘણેજ, ચીત્રાવડ સહીતના ગામોમાં 29 ટીમોમાં 120 કર્મચારીઓએ વીજ ચેકીંગની કામગીરી કરી 375 જેટલા વીજ જોડાણો તપાસેલ જે પૈકીના 85 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતી હોવાનું બહાર આવતા કુલ રૂ.13.51 લાખના વીજ બીલો ફટકારેલ હતા. ત્રીજા દિવસે વેરાવળ વિભાગીય કચેરી હેઠળના લાટી, કદવાર, હરણાસા, ઇણાજ, મોરાજ, ગોવીંદપરા, દેદા, ઊંબા, ઉકડીયા, ખેરાળી સહિતના ગામોમાં 26 ટીમોમાં 110 કર્મચારીઓએ સઘન વીજ ચેકીંગ હાથ ધરેલ હતા. જેમાં કુલ 355 વીજ જોડાણો તપાસેલ તે પૈકીના 80 વીજ જોડાણોમાં ગેરરીતી માલુમ પડતાં કુલ રૂ.13.11 લાખના વીજ બીલો ફટકારવામાં આવેલ છે. સતત ત્રણ દિવસ સુઘી વીજ વિભાગની ટીમોએ ઘામા નાંખી વીજ ચોરી પકડવા કરેલ ચેકીંગની કામગીરીથી વીજ ચોરી કરતા તત્‍વોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...