વ્યાજની પઠાણી ઉઘરાણી:વેરાવળમાં 5.50 લાખની સામે 12 લાખ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોરોએ દરિયામાં નાખી મારી નાખવાની ધમકી આપી

ગીર સોમનાથ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્‍યાજખોરએ રકમ પેટે સીકયુરિટીમાં આપેલ મકાનની ફાઇલ અને ચેક પરત ન આપી પઠાણી ઉઘરાણી ચાલુ રાખી
  • પીડિત યુવાને વ્‍યાજખોર સામે ગુનો નોંઘાવ્યો

વેરાવળમાં બેટરી રીપેરીંગનો વ્‍યવસાય કરતા યુવાનને નાણાભીડ થતા એક શખ્‍સ પાસેથી ત્રણેક વર્ષ અગાઉ જુદા-જુદા સમયે કુલ રૂ.5.50 લાખની રકમ પાંચ ટકા વ્‍યાજે લીઘેલ ત્‍યારે સીકયુરીટી પેટે મકાનની ફાઇલ અને ચેકો આપેલ હતા. જેની સામે યુવાનએ રૂ.12 લાખ જેવું વ્‍યાજ ચુકવી દીઘેલ હોવા છતાં હજુ 8 માસનું વ્‍યાજ અને મુદલની રકમની પઠાણી ઉઘરાણી કરી ઘાક ઘમકી આપતો હતો. આ રકમ નહીં આપીશ તો દરિયામાં નાખી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલ પીડિત યુવાને એએસપી ઓમપ્રકાશ જાટ સમક્ષ સમગ્ર હકીકત વર્ણવી મદદ માંગતા તેમની સુચનાથી વેરાવળ પોલીસે વ્‍યાજખોર શખ્‍સ સામે નાણા ધીરધારની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે. શહેર કે જીલ્‍લામાં વ્‍યાજખોરો કોઇ હેરાન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરવા એઅસપીએ અપીલ કરી છે.

વેરાવળ-સોમનાથ શહેરમાં ગેરકાયદેસર રીતે લાયસન્‍સ વગર ઘિરાણ આપી ઉંચું વ્‍યાજ વસુલતા વ્‍યાજખોરોનો આતંક દિન-પ્રતિદિન વઘી રહ્યો હોવાથી અનેક પરિવારો બરબાદ થઇ રહ્યાની વ્‍યાપક લોકચર્ચા થઇ રહી છે. એવા સમયે એક સામાન્‍ય પરિવારનો યુવાન વ્‍યાજખોરના ત્રાસથી વ્‍યથિત બની શરણે જતા પોલીસે કડક કાર્યવાહી કરી છે. જે અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળની ભાલકા વૃંદાવન સોસાયટીમાં રહેતો અને બેટરી રીપેરીંગનું કામ કરતો કમલેશ ગોવિંદભાઇ ચૌહાણે વર્ષ 2018માં આર્થિક નાણાભીડના લીધે ભીડીયામાં રામ મંદિરની પાછળ રહેતા અને વ્‍યાજે નાણા આપતો રોહીત પ્રભુદાસ ગોહેલ પાસેથી પ્રથમ તા.16/11/2018 ના રોજ રૂ.2 લાખ પાંચ ટકા વ્યાજે લીધેલ અને તેનું દર મહિને રૂ.10 હજાર વ્‍યાજ ચુકવી આપતો હતો. ત્યારબાદ તા.13/03/2019 ના રોજ વઘુ રૂ.2 લાખ પાંચ ટકાના વ્યાજે લીધેલ જેમાં સિકયુરિટી પેટે તેના મકાનની ફાઇલ આપી હતી. ત્યારપછી ત્રીજી વખત તા.26/03/2019 ના વઘુ રૂ.1.50 લાખ પાંચ ટકાના વ્યાજે લીધેલ અને ત્‍યારે સિકયુરીટી પેટે ચાર ચેક આપેલ હતા.

આમ કુલ રૂ.5.50 લાખની રકમનું દર મહિને રૂ.27,500 વ્‍યાજ નિયમિત ચુકવતો હતો. જેથી મોટી રકમનું અઢી વર્ષ સુઘી વ્યાજ ચુકવતો હોવાથી કમલેશ આર્થિક રીતે મુશ્કેલીમાં આવી ગયો હતો. એવા સમયે નાણા આપનાર રોહિત ગોહેલ તેની દુકાને આવી વ્યાજના પૈસા આપવા પઠાણી ઉઘરાણી કરી ઘાકઘમકી આપી સિકયુરિટીમાં આપેલ મકાનની ફાઇલનો દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતુ. દરમિયાન ગત તા.28/4/2022 ના રોજ રોહિતે રસ્‍તામાં કમલેશને રોકાવી વ્યાજના પૈસાની ઉઘરાણી કરેલ ત્‍યારે 5.50 લાખની સામે રૂ.12 લાખ ચુકવી આપેલ હોય હવે મારે કંઇ પૈસા દેવાના થતા નથી. જેથી મારા મકાનની ફાઇલ તથા ચેકો પરત માંગેલ હતા. જેથી ઉશ્‍કેરાઇ ગયેલા રોહિતે આઠ મહિનાનું વ્યાજ તથા મુદલની રકમ આપી જજે નહીંતર તને દરિયામાં નાખી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

જેથી ગભરાયેલ કમલેશ મદદ માટે એએસપી ઓમપ્રકાશ જાટ પાસે દોડી જઇ ઉપરોકત સમગ્ર હકીકત વર્ણવી હતી. જે સાંભળીને ચોકી ગયેલ એએસપીએ ત્‍વરીત તપાસ કરી કડક કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જેને લઇ કમલેશ ચૌહાણની ફરિયાદના આઘારે પોલીસે રોહિત પ્રભુદાસ ગોહેલ સામે આઇપીસી કલમ 504, 506(2) તથા ગુજરાત નાણાની ધીરધાર અધિનિયમ 2011 ની કલમ 5, 40, 42 હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ મુસારે હાથ ધરેલ છે.

વ્‍યાજખોરો ત્રાસ આપતા હોય તો અમારો સંપર્ક કરવો : એએસપી જાટ

વેરાવળ-સોમનાથ શહેરમાં અભણ અને અશિક્ષ‍િત અનેક લોકો ઉંચુ વ્‍યાજ વસુલતા વ્‍યાજખોરોના ભોગ બન્‍યા છે પરંતુ કાયદાની પુરતી જાણકારીના અભાવે વ્‍યાજખોરોની ઘમકીઓથી ડરી પીડિત બનેલા લોકો પોલીસ તંત્ર સુઘી પહોંચતા નથી. ત્‍યારે આ બાબતે એએસપી ઓમપ્રકાશ જાટે મીડિયા મારફત લોકોને અપીલ કરતા કહેલ કે, શહેર કે જીલ્‍લામાં કોઇપણ લોકોને વ્‍યાજખોરો ખોટી રીતે ઊંચું વ્‍યાજ વસુલવા ત્રાસ કે ઘાક-ઘમકી આપતા હોય તો લોકોએ નિ:સંકોચ મારો અથવા સ્‍થાનિક પોલીસ અઘિકારીનો સંપર્ક કરે. પોલીસ વ્‍યાજખોરો સામે કડક કાર્યવાહી કરી ન્‍યાય અપાવશે.

અન્ય સમાચારો પણ છે...