જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈની બદલી અને પાંચ પોલીસ કર્મચારીઓને ફરજ મોકુફ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈ બે પત્રકારો સહિત છ શખ્સોના નામ જોગ અને દસ થી બાર અજાણ્યા લોકોએ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ફટાકડા ફોડી જશ્ન મનાવી ઉજવણી કરી હતી. જેને લઈ પોલીસે ઉજવણી કરનારા તમામ શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પીએસઆઈ એ.પી.ડોડીયાની બદલી થયેલી તેમજ અન્ય પાંચ પોલીસ કર્મચારીઓને ફરજ મોકુફ કરવાની થયેલી કાર્યવાહીને લઈ ચાર દિવસ પહેલા તા.14 ના રોજ સાંજના સમયે અજય વાણવી (પત્રકાર-રહે. વંથલી), હાર્દિક વાણીયા (પત્રકાર-રહે. વંથલી), વિજય ગોવિંદ વાણવી (રહે. વંથલી), એભો વિજય વાણવી (રહે. વંથલી), રવી દેવજીભાઇ ચૌહાણ (રહે. બોડકા બાવાના), રમેશ પુંજા વાણવી (રહે. વંથલી) તથા અન્ય દસ થી બાર અજાણ્યા શખ્સોએ વંથલી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો.
આ ઉજવણીના ફોટા અને વીડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. તમામ શખ્સોએ આવું કરી હાલ અમલમાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 (1974 ના નં.2) ની કલમ 144 મુજબ પ્રસિદ્ધ થયેલા જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હતો. જેથી આ મામલે પીએસઆઈ વી.કે.ઉજીયા એ ફરીયાદી બની ઉજવણી કરનારા બે પત્રકારો સહિત છ શખ્સોના નામ જોગ તથા દસ થી બાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવતા પોલીસે જાહેરનામા ભંગ બદલ આઈપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.