કાર્યવાહી:ગીર સોમનાથના ઉના પંથકમાં આર.ટી.ઓ.તંત્રએ ગેરકાયદેસર દોડતા વાહનો સામે લાલ આંખ કરી, 40 જેટલા વાહનોને ડીટેઇન કર્યા

વેરાવળ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
આર.ટી.ઓ.એ ડીટેઇન કરેલા વાહનો - Divya Bhaskar
આર.ટી.ઓ.એ ડીટેઇન કરેલા વાહનો
  • આર.ટી.ઓ.ના સ્‍ટાફએ અઠવાડીયા સુઘી ડ્રાઇવની કામગીરી કરી રૂ.5 લાખનો દંડ વસુલ્‍યો
  • આગામી દિવસોમાં સમગ્ર જિલ્‍લામાં આ પ્રકારની ડ્રાઇવ કરવાનું તંત્રનું આયોજન

ગીર સોમનાથના ઉના શહેર-પંથકના માર્ગો પર વધી રહેલી અકસ્‍માતની ઘટનાઓને ઘ્‍યાને લઇ આર.ટી.ઓ. તંત્રના અધિકારીઓ દ્રારા વાહન ચેકીંગની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. જે કામગીરી અંર્તગત નિયમ વિરૂદ્ધ માર્ગો પર દોડતા ઓવરલોડ ટ્રક, ટ્રેકટર, બસ સહિત 40 જેટલા વાહનોને ડીટેઇન કરવા સહિતની નિયમોનુસાર કાર્યવાહી હાથ ઘરી રૂ.5 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જેના પગલે ઉના પંથકમાં દોડતા ગેરકાયદેસર દોડતા વાહનોના ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

જિલ્‍લાના ઉના શહેર-પંથકમાં નિયમો વિરૂદ્ધ બેફામ વાહનો દોડતા હોવાનો મુદો શાંતિ સમિતિ સહિતની બેઢકોમાં અનેકવાર રજૂ થયો હતો. આ મુદ્દો દિન-પ્રતિદિન ગંભીર બની રહ્યો હોવાથી વડી કચેરીની સુચનાથી ગીર સોમનાથ આર.ટી.ઓ. અધિકારી યુ.એ.કારેલીયાએ ઉના પંથકમાં ગેરકાયદેસર દોડતા વાહનો પર તવાઇ બોલાવવા આદેશ હતો. જેના પગલે એક અઠવાડિયાથી આર.ટી.ઓ. ઇન્‍સપેકટર એન.આઈ.ઝાલા, જે.એ.ટાંક, કે.જી.પટેલ, એ.એ.પટેલ સહિતના સ્‍ટાફ દ્વારા ઉના પંથકમાં ઘામા નાંખી વાહન ચેકીંગની કડક કાર્યવાહી શરૂ કરી હતી.

આર.ટી.ઓ. સ્‍ટાફ દ્રારા નિયમ તોડી માર્ગો પર દોડતા ટ્રેક્ટર, ટ્રક-ટ્રેલર, બસ સહિત 12 વાહનો ડીટેઇન કરી દંડ વસુલવા કાર્યવાહી કરી હતી. જ્યારે 25 જેટલા વાહન ચાલકોને સ્‍થળ પર દંડ ફટકારી વસુલાત કરવામાં આવી હતી. અઠવાડીયાની કામગીરીમાં રૂ.5 લાખથી વઘુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આર.ટી.ઓ.ની કડક કાર્યવાહીના પગલે ઉના પંથકમાં કાયદો તોડી દોડતા વાહનોના ચાલકોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઇ છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્‍લામાં નિયમો તોડી દોડતા વાહનો સામે આ પ્રકારની ડ્રાઇવ આગામી દિવસોમાં કરવાનું આર.ટી.ઓ. તંત્રએ આયોજન કરેલુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...