• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Today's Village Of Mangrol, When The Lion Entered The Village, There Was A Commotion Among The Villagers, The Young Man Who Ran After The Lion Was Injured

ગામમાં સિંહ ઘુસી જતાં લોકો ફફડ્યા:માંગરોળના આજક ગામમાં સિંહ ઘુસી જતા ગ્રામજનોમાં ફફડાટ પ્રસર્યો, સિંહે પાછળ દોટ લગાવતાં ભાગેલો યુવાન ઇજાગ્રસ્ત

જૂનાગઢ14 દિવસ પહેલા
ગામમાં ફરી રહેલ સિંહ
  • સિંહ-સિંહણે છેલ્લા થોડા દિવસોથી માંગરોળ તાલુકાના આંત્રોલી-આજક પંથકમાં ધામા નાખ્યા
  • યુવાનને સારવાર અર્થે પ્રથમ માધવપુર અને બાદમાં કેશોદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
  • સિંહ ગામમાં આંટો મારી સીમ વિસ્તાર તરફ ચાલ્યો જતાં ગ્રામજનોમાં રાહતની લાગણી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામના સીમ વિસ્તારમાં ગઈકાલે સોમવારે વહેલી સવારે વાડીએ પાણી વાળતા એક યુવાન પર સિંહે હુમલાનો પ્રયાસ કર્યા હતો. બાદમાં તે જ સિંહએ આજક ગામમાં પ્રવેશ કરી આંટાફેરા કરતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા સ્ટાફ આજક ગામમાં પહોંચ્યો હતો. જો કે ત્યારે સિંહ સીમ વિસ્તાર તરફ ચાલ્યો ગયો હતો.

સૂત્રો અનુસાર માંગરોળ પંથકમાં ત્રણ સિંહો વસવાટ કરી રહ્યા હોવાથી છાશવારે તાલુકામાં જુદા જુદા સ્થળોએ સિંહો આંટા ફેરા કરતા જોવા મળે છે. તે પૈકીના સિંહ-સિંહણે છેલ્લા થોડા દિવસોથી માંગરોળ તાલુકાના આંત્રોલી-આજક પંથકમાં ધામા નાખ્યા છે. દરમ્યાન સિંહે આંત્રોલીની સીમમાં પશુનું મારણ કર્યું હતું. બાદમાં ગઈકાલે સવારે સાતેક વાગ્યા આસપાસ સિંહ આજક ગામ નજીક પહોંચી ગયો હતો. એ સમયે ખેતરમાં ઘઉંના પાકમાં પાણી વાળતા અલતાફભાઈ ઇસુબભાઈ બેલીમ નામના યુવાનની પાછળ સિંહ દોડ્યો હતો. ત્યારે સિંહથી બચવા ભાગવા જતા યુવાન પાણીના કુંડામાં પડી જતા ઇજાગ્રસ્ત બન્યો હતો. જેથી યુવાનને સારવાર અર્થે પ્રથમ માધવપુર અને બાદમાં કેશોદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ઇજાગ્રસ્‍ત યુવાન
ઇજાગ્રસ્‍ત યુવાન

ત્યારબાદ સિંહ ગર્જના કરતો આજક ગામમાં ઘુસી ગયો હતો. વહેલી સવારમાં ગામમાં સિંહની ડણક સાંભળવાની સાથે સિંહને નિહાળતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી. સિંહ ગામની શેરીઓમાં આંટા મારતો હોવાથી ગ્રામજનો ભયના માર્યા થોડા સમય માટે ઘરોમાં કેદ થઈ ગયા હતા. આ અંગે સરપંચ અને ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા સ્ટાફ ગામમાં આવ્યો હતો. એ સમયે સિંહ ગામમાંથી સીમ વિસ્તાર તરફ જતો રહ્યો હતો. આ સિંહ ઝરીયાવાડાની સીમ તરફ જતા રહ્યાનું તપાસમાં જાણવા મળતા સિંહોને જંગલ તરફ લઈ જવા વનવિભાગના સ્ટાફે તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...