માણાવદરમાં મેઘરાજા મહેરબાન:ત્રણ કલાકમાં ધોધમાર 5 ઇચ વરસાદ ખાબકતા રસાલા ડેમ છલકાયો, રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી, શાળામાં ગોઠણડુબ પાણી ભરાયા

જુનાગઢ3 મહિનો પહેલા
  • ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગતા લોકો મુશ્કેલીમાં મુકાયા
  • વંથલીમાં 2.5 ઈંચ અને મેંદરડા-માળીયા હાટીનામાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેર-પંથકમાં ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ પાણી પાણી થઈ ગયુ હતું. જિલ્લાના વંથલીમાં 2.5 ઈંચ અને મેંદરડા-માળીયા હાટીનામાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના પગલે નદી-નાળાઓમાં નવા નીરની ધીંગી આવક થતા ધસમસતા પાણી વહેવાનું ફરી શરૂ થયુ હતું. માણાવદર પંથકમાં પડેલા ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

રસ્તાઓ નદી બની ગયા
આજે સવારથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે. એવા સમયે જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેર અને પંથક ઉપર પર મેઘરાજા મહેરબાન થતા જોવા મળ્યા છે. જેમાં આજે સવારે 10 થી 1 ત્રણ કલાકમાં શહેરમાં 5 ઈંચ જેવો ભારે વરસાદ વરસાવી દેતા બજાર અને સોસાયટીના રોડ-રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેમ પાણી વહેતા થયા હતા. તો શહેરમાં નીચાણવાળા અને છેવાડાના વિસ્તારોમાં પાણી ભરાવવા લાગ્યા હતા. જેના લીધે વાહન ચાલકો અને રાહદારી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

રોડ-રસ્તાઓ પર પાણી ફળી વળ્યાં
માણાવદર પંથકની હોય તેમ ગ્રામ્ય વિસ્તારોમાં સાતેક ઈંચ જેવો ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે પંથકના સારંગ પીપળી, નાંદરખા, કોઠારીયા, ભાલેચડા સહિતના ગામોના રસ્તાઓ પાણી વહેતા થવા લાગ્યા હતા. જ્યારે ઓઝત નદીના કાંઠે આવેલા પંથકના કોયલાણા, મટીયાણા, આંબલીયા સહિતના ઘેડ વિસ્તારના ગામોમાં અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. કોઠારીયા ગામના બેઠા પૂલ ઉપર પાણી ફરી વળવા ઉપરાંત ગામની શાળામાં પાણી ઘૂસી ગયા હતા. શાળાના તમામ ઓરડાઓ, ઓફીસ અને કોમ્પ્યુટર લેબના રૂમોમાં ગોઠણડુબ પાણી ભરાયેલા જોવા મળતા હતા. તો અગત્યના કાગળો અને ફાઈલો બચાવવા સ્ટાફ અને શિક્ષકો કામે લાગ્યા હતા.

ત્રણ કલાકમાં સીઝનનો સરેરાશનો 18 ટકા વરસાદ વરસ્યો
પંથકના નાંદરખા ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ભાલચેડા, સારંગ પીપળી, આંબલીયા ઘેડ, મટીયાણા ગામના રસ્તાઓ અને ખેતરોમાં વરસાદની સાથે ઓઝત નદીના પાણી ફરી વળ્યા હતા. જેના લીધે ગ્રામજનો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. તો માણાવદરના રસાલા ડેમ પણ ઓવરફ્લો થતા ધસમસતા પાણી વહી રહ્યા હતા. આજે માણાવદરમાં ત્રણ કલાક વરસેલા વરસાદ સીઝનની સરેરાશનો 18% જેટલો થાય છે. ત્યારે આજસુધીમાં સીઝનનો કુલ 94 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી અવિરત મેઘમહેર
આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 2.5 ઈંચ, મેંદરડા અને માળીયાહાટીનામાં 1-1 વરસાદ વરસ્યો છે. આમ જિલ્લામાં આગાહી મુજબ મેઘરાજા હેત વરસાવી રહ્યા હોવાથી લોકોની આકાશ તરફ મીટ મંડાઈ છે. છેલ્લા પંદર દિવસથી સતત જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘાવી માહોલમાં વરસાદ વરસી રહ્યો હોવાથી લોકોએ સૂર્યના દર્શન કર્યા નથી. તો નદી-નાળાઓમાં પણ ભરપુર નવા નીરની આવક જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...